વાંકાનેર નજીક ટ્રેનનો કોચ ટ્રેક પરથી ઉતરી ગયો, 7ને ઇજા : મોકડ્રિલ જાહેર

- text


વાંકાનેર : વાંકાનેર નજીક ટ્રેનનો કોચ ટ્રેક પરથી ઉતરી ગયો હતો. જેમાં કુલ 07 રેલવે કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગે જાણ થતાં વાંકાનેર અને રાજકોટથી સ્ટાફના લોકો બચાવ કાર્ય માટે દોડી આવ્યા હતા. જો કે બાદમાં તેને મોકડ્રિલ જાહેર કરવામા આવી હતી.

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા આજે વાંકાનેર સ્ટેશન પર લાઇન નંબર 8 પર સુરક્ષાનું મૂલ્યાંકન કરવા માટે મોકડ્રીલ આયોજિત કરવામાં આવી હતી.આજે સવારે લગભગ 10.00 કલાકે રેલવે વિદ્યુતકરણ સ્પેશિયલના ગાર્ડ દ્વારા વાંકાનેરના સ્ટેશન મેનેજરને જાણ કરવામાં આવી હતી કે શંટીંગ દરમિયાન વાંકાનેર સ્ટેશનની લાઇન નંબર 8 માં એક કેમ્પીંગ કોચ પાટા પરથી ઉતરી ગયો છે જેમાં કુલ 07 રેલવે કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત રાહત તબીબી સાધનો અને અકસ્માત રાહત ટ્રેન તાત્કાલિક રાજકોટથી વાંકાનેર માટે રવાના કરવામાં આવી હતી.

રેલવે ઓથોરિટી, સિવિલ ઓથોરિટી, એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, આરપીએફ, સિવિલ ડિફેન્સ, સ્થાનિક હોસ્પિટલ વગેરેને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત કર્મચારીઓની સારવાર માટે સ્થળ પર તંબુ ગોઠવવામાં આવ્યા હતા, યુનિફાઇડ કમાન્ડ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી અને વાંકાનેર સ્ટેશન અને સ્થળ પર હેલ્પ લાઇન બૂથ ઉભા કરવામાં આવ્યા હતા.

રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન, સીનિયર ડિવિઝનલ સેફટી ઓફિસર એન આર મીણા અને NDRF ના ડેપ્યુટી કમાન્ડન્ટ અજય સિંહના માર્ગદર્શન હેઠળ, રેલવે દ્વારા NDRF સાથે મળીને ઈજાગ્રસ્ત કર્મચારીઓને કોચમાંથી બહાર કાઢવાની કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે અને એનડીઆરએફની ટીમ દ્વારા કોચને છત અને બારી પરથી કાપીને તમામ 07 ઘાયલ કર્મચારીઓને સ્ટ્રેચરની મદદથી બહાર કાઢીને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા.

રેલવે દ્વારા કરવામાં આવી રહેલી આ કવાયત જોઈ લોકો દંગ રહી ગયા હતા. ક્ષતિગ્રસ્ત કોચ અને ઘાયલ રેલવે સ્ટાફને જોઈને આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા. બપોરે 12.40 કલાકે રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈને જણાવ્યું કે આ માત્ર એક મોક ડ્રીલ હતી. તેનો મૂળ હેતુ આપત્તિ સમયે રેલવે કર્મચારીઓની સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્મચારીઓની ક્ષમતા અને તૈયારીની ચકાસણી કરવાનો છે. તેમણે આ મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ સંયુક્ત કવાયતમાં રેલવેના ઓપરેટિંગ, સેફ્ટી, ઇલેક્ટ્રિકલ, એન્જિનિયરિંગ, સિગ્નલ અને ટેલિકોમ, મિકેનિકલ, સિક્યુરિટી, કોમર્શિયલ, મેડિકલ વગેરેના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે NDRF, મેડિકલ, પોલીસ અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના 25 અધિકારીઓ અને 348 કર્મચારીઓએ ભાગ લીધો.

- text

- text