મોરબી જિલ્લામાં આ વર્ષે ખેડૂતોને 260 ગોડાઉન બનાવવા સહાય અપાશે

- text


ગત વર્ષે ૧૩૫ પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ રૂ. ૬૭.૫ લાખની ખેડૂતોને સહાય અપાઇ

મોરબી : સરકાર દ્વારા ખેડુતોની આવક બમણી કરવા અનેક યોજનાઓ હેઠળ ખેડુતોને વિવિધ સહાય આપવામાં આવી રહી છે. કિસાન કલ્યાણની વિવિધ યોજના થકી સરકાર હંમેશા ખેડુતોના પડખે જ ઉભી છે.ત્યારે આ વર્ષે જિલ્લામાં પાક સંગ્રહ માટે ખેડૂતોને 260 એકમો માટે સહાય યોજના મંજુર કરવામાં આવી છે.

કિસાન કલ્યાણ યોજના હેઠળ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત ખેડુતોને તેમના પાકના સંવર્ધન માટે ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. મોરબી જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા ગત વર્ષે ૧૩૫ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ રૂ. ૬૭,૫૦,૦૦૦ ની ખેડૂતોને સહાય આપવામાં આવી છે તથા ચાલુ વર્ષે ૨૬૦ પાક સંગ્રહ સ્ટ્રકચરનો લક્ષ્યાંક રાખી ખેડુતોને સહાય આપવામાં આવી રહી છે.

આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણે જણાવ્યું હતુ કે, રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતા કમોસમી વરસાદ, વાવાઝોડુ, અતિવૃષ્ટિ તેમજ અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવતા પર માઠી અસર થાય છે તેમજ લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાકનો બગાડ થાય છે. પાક ઉત્પાદન બચાવવા માટે રાજયના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સગવડ મળી રહે તે માટે સરકાર દ્વારા આ યોજના અમલી બનાવવામાં આવી છે. જે થકી ગોડાઉન મળવાથી પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષીત રાખી શકાય છે અને ખેડૂતોને સુરક્ષીત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવતા જળવાઈ રહે અને યોગ્ય સમયે વેચાણ કરવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે અને પરિણામે ખેતી વધુ નફાકારક બને છે.

- text

આ યોજનાનો લાભ લેવા માટે રાજય સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજીઓ મેળવવાનું ચાલુ હોય તે સમયગાળામાં ખેડૂતે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહે છે.

આ યોજના હેઠળ ન્યૂનતમ ૩૩૦ ચોરસ ફૂટ વિસ્તારનું સ્ટ્રકચર બનાવવાનું રહે છે. સ્ટ્રકચરના છતની મધ્ય (મોભ) ઊંચાઈ ૧૨ ફૂટ, જ્યારે ન્યૂનતમ/લઘુતમ પાયો (ફાઊન્ડેશન) જમીનથી ૨ ફૂટ ઊંડાઈથી વધુ અને જમીનથી ૨ ફૂટ ઊંચાઈએ પ્લિન્થ તૈયાર કરવાની રહે છે. આ યોજના હેઠળ નાના, સીમાંત અને મહિલા ખેડૂતને રૂ.૭૫,૦૦૦/- તેમજ અન્ય ખેડૂતને રૂ. ૫૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે.

- text