માળીયામાં સાંસદ મોહનભાઇના કમાન્ડોનો લમણે ગોળી ધરબી આપઘાત

- text


એસઆરપી જવાને બીમારીથી કંટાળી અંતિમ પગલું ભર્યાનું ખુલ્યું

મોરબી : માળીયાના મોટા દહીસરા ગામે રહેતા અને હાલમાં સાંસદ મોહનભાઇ કુંડારિયાના કમાન્ડો તરીકે ફરજ બજાવતા એસઆરપી જવાને પોતાની સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી ઘરબી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. પોલીસની તપાસમાં આ એસઆરપી જવાને બિમારીથી કંટાળીને અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે.

માળીયાના મોટા દહીંસરા ગામે રહેતા અને એસઆરપી ગ્રુપ-13ની કેડરના અને હાલ રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાના કમાન્ડો તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ રાયધનભાઈ બાલાસરા (ઉ.વ.46) નામના એસઆરપી જવાને આજે પોતાના માળીયાના મોટા દહીંસરા ગામે આવેલા ઘરે પોતાની સર્વિસ રિવોલ્વરને લમણે તાકી ટીંગર દબાવી મગજમાં ગોળી ધરબીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં પરિવારજનો તેના રૂમમાં દોડી જઇ પુત્રની લોહીથી લથબથ લાશ જોઈને સ્તબ્ધ બની ગયા હતા અને આ બનાવની જાણ કરાતા માળીયા પીએસઆઇ બી.ડી. જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશ તેમજ સર્વિસ રિવોલ્વર સહિત ઘટનાસ્થળનું બારીકાઈપૂર્વક નિરીક્ષણ કરી લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી પરિવારજનોની પૂછપરછ કરી હતી.

- text

આ બનાવ અંગે માળીયા પીએસઆઇ બી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, મૃતક એસઆરપી જવાન હતા.પરિવારજનોની પૂછપરછ કરતા એવું માલુમ પડ્યું છે કે મૃતક એસઆરપી જવાનને ફેફસાની બીમારી હતી અને આ બીમારીથી કંટાળીને સર્વિસ રિવોલ્વરથી જાતે જ ગોળી ધરબીને આપઘાત કરી લીધો હતો. મૃતકને સંતાનમાં બે દીકરા હોવાનું જાણવા મળ્યું છે. બીમારીથી કંટાળીને યુવાને આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text