હળવદના મેરૂપરમા પારકી જમીન પચાવી પાડનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

- text


વૃદ્ધને સાથણીમાં મળેલી જમીન ઉપર વાવેતર કરી ત્રણેય શખ્સોએ 2016થી કબ્જો કર્યો હતો

મોરબી : હળવદ તાલુકાના મેરૂપર ગામના રહેવાસી વૃદ્ધને સાથણીમાં સરકાર દ્વારા આપવામાં આવેલી જમીન ઉપર મેરૂપર ગામના જ ત્રણ શખ્સોએ કબ્જો જમાવી ખેતી કરવાનું શરૂ કરતા આ મામલે લેન્ડ ગ્રેબિંગ એકટ અન્વયે ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ હળવદ તાલુકાના મેરૂપર ગામના વતની અને હાલમાં હળવદ બસ સ્ટેન્ડ પાસે રહેતા શંકરભાઈ દેવાભાઈ રજપરાને સરકાર દ્વારા મેરૂપર ગામના સર્વે નંબર 371 પૈકી 8ની હે.આર.ચો.મી. 2-32-70 વાળી જમીન ફાળવવામાં આવી હતી.

- text

જો કે વૃધ્ધાવસ્થાને કારણે શંકરભાઇ આ જમીન વાવેતર કરી શકતા ન હોય વર્ષ 2016માં મેરૂપરના રમેશભાઈ ભુદરભાઈ પટેલ તથા મનસુખભાઈ ભુદરભાઈ પટેલને ઉધડમાં વાવવા માટે આપી હતી. બાદમાં વર્ષ પૂર્ણ થતાં ઉધડના પૈસા માંગવા જતા શંકરભાઈને બન્ને આરોપીઓએ જમીન ઉપર આવતા નહિ નહિતર જાનથી મારી નાંખશું તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત આ જમીન પૈકી પાંચેક વિઘા જમીનમાં મેરૂપરના વિભાભાઈ રાહાભાઈ રબારીએ પણ કબ્જો કરી શંકારભાઈને ધમકી આપતા આ મામલે શંકારભાઈએ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ પગલાં ભરવા અરજી કરી હતી.

દરમિયાન લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા શંકરભાઇની અરજી માન્ય રાખવામાં આવતા હળવદ પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરવામા આવી છે.

- text