હળવદના યુવાનની ઘાતકી રીતે હત્યા કરી લાશ દુધરેજ નજીક ફેંકી દેવાઈ

- text


 

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે ભેદભરમ વાળી ઘટનાનો ભેદ ઉકેલવા શકમંદને ઉઠાવી લીધાની ચર્ચા

હળવદ : હળવદ શહેરના ભવાનીનગર ઢોરા વિસ્તારમાંથી ગત તા.11 ના રોજ રક્ષાબંધનના પર્વે લાપતા બનેલા યુવાનની ઘાતકી રીતે હત્યા નિપજાવી લાશને કોથળીમાં બાંધી સુરેન્દ્રનગર દુધરેજ નજીક કેનાલમાં ફેંકી દેવામાં આવી હોવાની ચોંકાવનારી ભેદ ભરમ ભરી ઘટનાનો ભેદ ઉકેલવા સુરેન્દ્રનગર પોલીસ હાલ દિવસ રાત એક કરી રહી છે અને હત્યાને અંજામ આપનાર શકમંદ સુધી પહોચવામાં સફળ રહી હોવાનું જાણવા મળે છે.

હળવદના યુવાનની રહસ્યમય સંજોગોમાં હત્યા અંગેની વિગતો જોઈએ તો હળવદ શહેરમાં ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા સોમાભાઈ મેરુભાઈ મકવાણા(ઠાકોર) ઉ.35 ગત તા.11 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે લાપતા બન્યા બાદ સુરેન્દ્રનગર નજીક દુધરેજ પાસેની કેનાલમાં કોથળીમાં પેક કરેલી હાલતમાં લાશ મળી આવતા લાશ જે કોથળીમાં પેક કરવામાં આવી હતી તે કોથળી ઉપર લખેલ નામને આધારે સુરેન્દ્રનગર પોલીસે તપાસ હળવદ સુધી લંબાવી હળવદ બ્રેકીંગમાં પ્રસિદ્ધ થયેલ ગુમ નોંધને આધારે આ લાશ હળવદના સોમાભાઈ મેરુભાઈ મકવાણાની હોવાના નિષ્કર્ષ ઉપર પહોંચી હતી.

બીજી તરફ મૃતક સોમાભાઈના પત્નીનું વર્ષ 2016માં અવસાન થતાં બે સંતાનના પિતા એવા સોમાભાઈની આંખ હળવદના ક્રિષ્ના પાર્ક સામે ધ્રાંગધ્રા રોડ ઉપર ઝૂંપડામાં રહેતી એક મહિલા સાથે મળી હોવાનું અને ગત તા.11ના રોજ સોમાભાઈ આ મહિલા પાસે ગયા હોવાનું બહાર આવતા પોલીસે એ દિશામાં પણ તપાસનો દૌર લંબાવ્યો છે.

- text

વધુમાં કોહવાય ગયેલી હાલતમાં મળેલી સોમભાઈની લાશનું ફોરેન્સીક પીએમ કરવામાં આવતા તેમને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. અને સોમાભાઈના કપડાં અને હાથ ઉપર ત્રોફાવેલા એસ અક્ષરને કારણે લાશ તેમની જ હોવાનું ફલિત થતા શનિવારે સુરેન્દ્રનગર પોલીસે રાજકોટ ખાતે સોમાભાઈના પરિવારજનોને સાથે રાખી મૃતકની અંતિમ વિધિ પણ કરાવી હતી.

દરમિયાન આ ભેદભરમ વાળા બનાવમાં સોમાભાઈને હત્યારાઓએ ચાંદીનું બિસ્કિટ સાચવવા આપ્યું હોય તેનો વિવાદ અથવા તો બોટાદના એક લાખના હવાલામાં મધ્યસ્થી કરવા ઉપરાંત પરણિત મહિલા સાથેના સંબંધોમાં તેમના ભાઈઓને આ સંબંધ મંજુર ન હોવાનું સૂત્રો જણાવી રહયા છે ત્યારે હાલ તો આ વિવાદાસ્પદ મહિલા હળવદથી બિસ્તરા પોટલા લઈને નાસી ગઈ હોવાનું અને સુરેન્દ્રનગર પોલીસ આ મામલે શકમંદને ઉઠાવી લઈ સમગ્ર બનાવ ઉપરથી પડદો ઉચકવાની નજીકમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

જ્યારે આ અંગે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ મિતલબેન ચૌધરીનો સંપર્ક કરતા તો એ જણાવ્યું હતું કે આ બનાવમાં એક થી વધુ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે હાલ આરોપીઓ સુધી પહોંચવા અમારી ટીમ તપાસ કરી રહી છે. જેથી આરોપીઓ પકડાયા બાદ જ હત્યાનું સાચું કારણ સામે આવશે.

- text