રેસિપી અપડેટ : કારેલાનું શાક નથી ભાવતું? તો ટ્રાય કરો કારેલાના થેપલા

- text


મોરબી : મોટાભાગના લોકોને કારેલાનું નામ સાંભળતા જ ચીસ નીકળી જાય છે. નાના બાળકો ઉપરાંત ઘણા મોટા લોકો પણ કારેલાનું શાક ખાવાનું પસંદ કરતા નથી. એટલું જ નહીં ડાયાબિટીસના દર્દીઓને પણ કારેલા ભાવતા નથી અને આજે તો ઘરમાં એકાદ બે પેશન્ટ તો ડાયાબિટીસના હોય જ છે, ત્યારે જો તમને પણ કારેલાનું શાક પસંદ નથી તો તમે એકવાર જરૂર ટ્રાય કરો કારેલાના થેપલા…

કારેલામાં અનેક ગણાં પોષક તત્વો હોય છે. કારેલા સ્વાદમાં કડવા હોય છે પરંતુ ડાયાબિટીસના દર્દી માટે આ અનેક રીતે ગુણકારી છે. આનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે, તો જાણી લો કારેલાના થેપલા કેવી રીતે બનાવશો.


સામગ્રી:-

2 કપ કારેલાની છાલ
½ કપ બાજરીનો લોટ
2 કપ ઘઉંનો લોટ
લસણની પેસ્ટ
લાલ મરચુ
હળદર
મીઠું
ધાણાજીરું
કોથમીર
લીલા મરચાની પેસ્ટ
તેલ
અટામણ તરીકે ઘઉંનો લોટ


બનાવવાની રીત:-

કારેલાના થેપલા બનાવવા માટે સૌ પ્રથમ કારેલાની છાલ કાઢીને એને એક પ્લેટમાં લઇ લો. પછી એક થાળ લો અને એમાં બાજરીનો લોટ અને ઘઉંનો લોટ ઉપર જણાવ્યા માપ મુજબ મિક્સ કરી લો.

- text

ત્યારબાદ આ લોટમાં લાલ મરચું, હળદર, મીઠું, ધાણાજીરું નાંખીને બરાબર મિક્સ કરી લો. હવે આ લોટમાં ઝીણી સમારેલી કોથમીર નાંખો અને બરાબર મિક્સ કરી લો.

પછી આ લોટમાં કારેલાની છાલ નાંખો અને મિક્સ કરી લો. કારેલાની છાલ નાંખ્યા પછી લસણ અને લીલા મરચાની પેસ્ટ નાંખીને મિક્સ કરો.

છેલ્લે લોટમાં તેલનું મોણ નાંખો અને બરાબર મિક્સ કરી લો. હવે આ લોટમાં ધીરે-ધીરે પાણી નાંખતા જાવો અને લોટ બાંધતા જાવો. આ લોટને બહુ ઢીલો બાંધવાનો નથી.

લોટ બંધાઇ જાય એટલે 10 મિનિટ માટે ઢાંકીને મુકી રાખો. ત્યારબાદ એક તવી લો અને એને ગરમ કરવા માટે મુકો. હવે લોટમાંથી ગુલ્લા બનાવી લો અને ગોળાકારમાં થેપલા વણો. પછી વણેલું એક થેપલું લો અને એને તવી પર મુકો.

થેપલુ એક બાજુ શેકાઇ જાય એટલે ચારે બાજુ તેલ નાંખો અને બન્ને બાજુથી આછા બ્રાઉન રંગનું શેકી લો. હવે આ થેપલાને એક પ્લેટમાં લઇ લો. તો સર્વ કરો તમે પણ ગરમાગરમ કારેલાના થેપલા..

- text