મોરબી પાલિકાના ઉપ પ્રમુખના વોર્ડમાં જ અંધકાર : મોટાભાગની સ્ટ્રીટલાઇટો બંધ હોવાનો કોંગ્રેસનો આરોપ

- text


મોરબી: નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-3માં તહેવારોના સમયે જ અંધકાર હોય તેમ મોટાભાગની સ્ટ્રીટલાઇટો બંધ હાલતમાં હોવાની જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુએ આરોપ લગાવ્યો છે.નોંધનીય છે કે, આ વોર્ડ પાલિકા ઉપપ્રમુખનો છે.

કોંગ્રેસ અગ્રણી મહેશ રાજ્યગુરુએ મોરબી નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટી તંત્ર સામે આરોપ લગાવતા જણાવ્યું કે, વોર્ડ નંબર-3 જે પાલિકાના ઉપ પ્રમુખનો વોર્ડ છે ત્યારે આ વોર્ડમાં જ તહેવારોના સમયે બિન આવડતના કારણે મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ છે. જેના કારણે રસ્તાઓ પર અંધકાર છવાયો છે. નટરાજ ફાટકથી વેજીટેબલ સુધી મેઇન રોડની લાઈટો બંધ હાલતમાં છે.

- text

આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પણ આશરે 70 ટકા લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે. મહેશ રાજ્યગુરુ વધુમાં જણાવતાં કહ્યું કે, પાલિકાને લોકો ટેક્સ ભરે છે તેમ છતાં તેઓને સુવિધા આપવામાં આવતી નથી. રસ્તાની હાલત અંગે વાત કરતા મહેશ રાજ્યગુરુએ જણાવ્યું કે, રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં ખાડા પડી ગયા છે. લોકોને ચાલીને જવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે. ઉબડખાબડ રસ્તાઓના કારણે લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વોર્ડ નંબર-3માં બંધ સ્ટ્રીટ લાઈટો અંગે અવારનવાર નગરપાલિકાને ફરિયાદ કરવામાં આવી છે. છતાં આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે ત્યારે તાત્કાલિક વોર્ડ નંબર-3માં બંધ પડેલી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવે તેવી કોંગ્રેસની અને પ્રજાની માગણી છે.

- text