યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા આયોજીત મોરબીનો જાહેર લોકમેળો સર્વધર્મની બાળાના હસ્તે ખુલ્લો મુકાયો

- text


બે વર્ષ બાદ મોરબીમાં યોજનાર જાહેર લોકમેળાને લઈને લોકોમાં અનેરો રોમાંચ : વરસાદની વચ્ચે પણ ગારા કિચડની સમસ્યા ન સર્જાય તેવું આયોજન કરાયું : ફજેત-ફાળકા, અવનવી રાઇડ્સ સહિત મનોરંજનની તમામ વ્યવસ્થા સાથે લોકોની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ, સીસીટીવી કેમેરા અને વિશાળ પાર્કિગ વ્યવસ્થા ઉભી કરાઈ

મોરબી : મોરબીવાસીઓ વિનામૂલ્યે એન્ટ્રી સાથે ભવ્ય ગ્રાઉન્ડમાં તમામ વ્યવસ્થા સાથે મોકળા મને જન્માષ્ટમીનો મેળો માણી શકે એ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ વ્હારે આવીને લોકોની સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપી તમામ વર્ગના લોકો હળીમળીને મેળાની મનભરીને મોજ લૂંટી શકે એવું આયોજન ગોઠવ્યું છે અને આજે મોરબીનો એકમાત્ર અને વિનામૂલ્યે એન્ટ્રી ધરાવતો આ જન્માષ્ટમીના લોકમેળાને સર્વધર્મની બાળાના હસ્તે ખુલ્લો મુકાયો હતો. તેમજ મેળામાં ખાસ વરસાદની વચ્ચે પણ ગારા કિચડની સમસ્યા ન સર્જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી નિમિતે બાયપાસ રોડ પર કામધેનુ પાર્ટી પ્લોટની વિશાળ જગ્યામાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલા લોકમેળા અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપનો લોકમેળો એકદમ જાહેર લોકમેળો છે. આ મેળામાં પ્રવેશ માટે કોઈ એન્ટ્રી રાખવામાં આવી નથી. મેળામાં જે પણ રમકડાં, ખાણી-પીણીના સ્ટોલ તેમજ ફજેત ફાળકા સહિતની તમામ વસ્તુઓ એકદમ વ્યાજબી ભાવે મળશે. આ લોકમેળાના આયોજન પાછળ નફો નહિ માત્ર નિર્દોષ મનોરંજનનો ઉદ્દેશ્ય રહેલો છે. લોકમેળામાં વિનામૂલ્યે એન્ટ્રી, ફજેત-ફાળકા, અવનવી રાઇડ્સ સહિત મનોરંજનની તમામ વ્યવસ્થા સાથે લોકોની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ, સીસીટીવી કેમેરા અને વિશાળ પાર્કિગ વ્યવસ્થા ઉભી કરાઈ છે. આજથી શરૂ થયેલા લોકમેળામાં આજે વરસાદ હોય જન્માષ્ટમીમાં રંગત ખીલશે તેવું મનાય રહ્યું છે.

યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ સર્વધર્મ સમભાવની જેમ આજે કોઈ રાજનેતા કે મહાનુભાવોને બદલે સર્વધર્મની બાળાના હસ્તે મેળો ખુલ્લો મુકાયો હતો. જોકે હાલ લંપી વાયરસને લઈને આ લોકમેળાના સ્ટોલ ધારકોએ જણાવ્યું હતું કે, જે લોકમેળામાં જે નફો થશે તેની અમુક રકમ લંપી વાયરસમાં ભાગ બનેલા પશુપાલકોને સહાય અર્થે આપવામાં આવશે.

- text

- text