વરસાદી માહોલ વચ્ચે મોરબીની બજારોમાં તહેવારોની ખરીદીનો માહોલ પણ જામ્યો

- text


મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડયા, કપડાં, જવેલરી, મીઠાઈ-ફરસાણ સહિતની ચીજવસ્તુઓની ધૂમ ખરીદી

મોરબી : મોરબીમાં જન્માષ્ટમીના તહેવારોની શ્રુખલાનો પ્રારંભ થતા જ બજારોમાં હવે તહેવારોની ખરીદી નીકળી છે. જો કે ગતરાત્રે વરસાદ બાદ આજે વરસાદી માહોલની વચ્ચે મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. જેમાં કપડાં, જવેલરી, મીઠાઈ-ફરસાણ સહિતની ચીજવસ્તુઓની ધૂમ ખરીદી કરી હતી.

મોરબીમાં આજે રાંધણછઠે બજારોમાં ભારે ભીડ ઉમટી હતી. વર્ષોની પરંપરા મુજબ આજે રાંધણછઠે દરેક લોકો ઘરે વિવિધ વાનગીઓ રાંધતા હોવાથી આ વાનગીઓ બનાવવા માટે જરૂરી સામગ્રી ખરીદી કરવા બજારમાં ઉમટી પડ્યા હતા. મોટાભાગના થેપલા, પુરી, તેમજ ચણાની વિવિધ આઈટમ ઘરે જ બનાવતા હોય અને મીઠાઈ તેમજ ફરસાણ તૈયાર લેતા હોવાથી શહેરમાં આવેલી તમામ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકોએ જન્માષ્ટમીના તહેવારો માટે મીઠાઈ, ફરસાણની ખરીદી કરી હતી. ઉપરાંત કપડા, મોબાઈલ, જવેલરી, બુટ, ચંપલ સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. મોટાભાગના લોકોએ ચાલુ વરસાદમાં ખરીદી કરી હતી. ઘણા લોકો પરિવાર સાથે જન્માષ્ટમીનો તહેવાર ઘરે જ મનાવશે. જ્યારે અમુક લોકો પરિવાર કે મિત્રો, સગા સંબંધીઓ સાથે ધાર્મિક અને પર્યટન સ્થળે જન્માષ્ટમીની મોજ માણવા ઉમટી પડ્યા હતા.

- text

- text