મોરબીનો સિરામીક ઝોન સુમસામ બન્યો : 90 ટકા કારખાના શટડાઉન, આજથી લોડીંગ બંધ

- text


વોલ, ફ્લોર, વિટ્રીફાઈડ અને સેનેટરીવેરના અંદાજે 780 જેટલા કારખાનાઓમાંથી 80 જેટલા યુનિટ ચાલુ : ડીસ્પેચીંગ પણ ઠપ્પ

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામીક ક્લસ્ટરમાં મંદીને કારણે 10 ઓગસ્ટથી એક મહિના માટે પ્રોડક્શન બંધ થયા બાદ ગઈકાલથી ડીસ્પેચીંગ પણ બંધ કરવામાં આવતા 24 કલાક ધમધમતા રહેતા સિરામીક એકમો સુમસામ બન્યા છે. જો કે, વોલ, ફ્લોર, વિટ્રીફાઈડ ટાઇલ્સ અને સેનેટરીવેરના અંદાજે 780 જેટલા કારખાનાઓ પૈકી કેટલાક કારખાના અગાઉ બબ્બે મહિના બંધ રહ્યા હોય અંદાજે 80 જેટલા કારખાના સ્વૈચ્છીક શટડાઉનમાં ચાલુ રહ્યા છે.

દેશ-વિદેશમાં વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા અને વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામીક ઉદ્યોગને છેલ્લા છએક માસથી રો-મટિરિયલના ભાવમાં વધારો, ગેસના ભાવમાં વધારો સહિતના વિવિધ પ્રશ્નો વચ્ચે માંગ તળિયે બેસી જતા ઉદ્યોગ ચલાવવામાં મુશ્કેલી નડતા મોરબી સિરામીક એસોશિએશનની વોલ, ફ્લોર, વિટ્રીફાઈડ અને સેનેટરીવેરની ચારેય પાંખોએ સંયુક્ત નિર્ણય લઈ 10 ઓગસ્ટથી એક મહિનો માટે સ્વૈચ્છીક રીતે તમામ યુનિટ બંધ કરવા નિર્ણય કરી, તૈયાર પ્રોડક્ટ પણ 15 ઓગસ્ટથી ડીસ્પેચ નહીં કરવા નક્કી કરવા નિર્ણય કરતા આજથી 90 ટકા કારખાનાઓમાં સન્નાટો છવાઈ ગયો છે.

- text

મોરબી વોલ ટાઇલ્સ ડિવિઝનનના પ્રમુખ હરેશ બોપલીયાએ જણાવ્યું હતું કે, હાલમાં મોરબીના 286 વોલટાઈલ્સ યુનિટ સંપૂર્ણ પણે બંધ થઇ ગયા છે. એ જ રીતે સીરામીક એસોસીએશનના ફ્લોર ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ જણાવ્યું હતું કે ફ્લોર ટાઈલ્સના 155 જેટલા યુનિટો પૈકી કેટલાક યુનિટો અગાઉ બંધ રહ્યા હોય અંદાજે 10થી 12 જેટલા કારખાનાઓ હાલમાં ચાલુ છે.

બીજી તરફ મોરબી સીરામીક એસોસીએશનના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઊઘરેજાએ જણાવ્યું હતું કે મોરબી સીરામીક ક્લસ્ટરમાં આવેલ અંદાજે 780થી વધુ યુનિટ પૈકી 90 ટકા કારખાનાઓ હાલમાં સ્વૈચ્છીક શટડાઉનમાં જોડાઈ ગયા છે અને મોરબીના ઇતિહાસમાં પહેલી વખત જ સિરામીક એકમો સમુખીક રીતે બંધ થતા કારખાનાઓ સુમસામ ભાસી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 10 ઓગસ્ટથી સિરામીક એકમો બંધ થવાની સાથે 15 ઓગસ્ટથી ડીસ્પેચ પણ બંધ થયું છે અને સીરામીક ટ્રેડિંગ એસોશિએશન પણ આ સ્વૈચ્છીક શટડાઉનમાં જોડાતા મોરબી સીરામીક ક્લસ્ટરમાં દરરોજનો કરોડો રૂપિયાનો વ્યાપાર ઠપ્પ થવાની સાથે વીજતંત્ર અને ગેસ કંપનીને પણ કરોડો રૂપિયાનો ફટકો પડશે.

- text