ગાંધી બાપુની ‘મોહન’માંથી ‘મહાત્મા’ બનવાની યાત્રામાં અનન્ય યોગદાન આપનાર કસ્તૂરબા!

- text


આજે ૭૬મો સ્વાતંત્ર્ય દિવસ : નિર્ભયતા, આત્મબળ તથા દૃઢ સંકલ્પશક્તિના ગુણોથી સમૃદ્ધ હતા કસ્તૂરબા ગાંધી

બાના જવાથી મારા જીવનમાં જે ખાલીપણું પેદા થયું છે, તે કદીયે ભરાઈ શકવાનું નથી : રાષ્ટ્રપિતા ગાંધીજી

મોરબી : જગ અનુભવે સ્હેજે હૈયાં પછીથી હળી ગયાં, જીવતર તણા વ્હેણો બન્ને હતાં જ, ભળી ગયાં..!

કવિ ઉમાશંકર જોશીએ કસ્તૂરબા ગાંધીની વિદાય બાદ લખેલા કાવ્યની આ પંક્તિ છે. જે કસ્તૂરબા ગાંધીએ જીવનસાથી તરીકે ડગલે ને પગલે ગાંધીજીને અમૂલ્ય સાથ-સહકાર આપ્યો હતો, તેની સાબિતી આપે છે. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવવા સ્વાતંત્ર્યની લડત દરમિયાન બાપુનો ફાળો જેટલો મહત્વનો છે, તેટલો જ અગત્યનો ફાળો બાનો પણ છે. વર્તમાનમાં જ્યારે સમગ્ર ભારતવર્ષ સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી અર્થે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યું છે તેમજ ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત ઠેર-ઠેર રાષ્ટ્રઘ્વજ લહેરાઈ રહ્યો છે. ત્યારે ૭૬માં ‘સ્વાતંત્ર્ય દિન’ના રાષ્ટ્રીય પર્વે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ધર્મપત્ની કસ્તૂરબા ગાંધીને સ્વાતંત્ર્ય સેનાની તરીકેના વિશેષ યોગદાન બદલ યાદ કરવા જ રહ્યાં.

કસ્તૂરબા ભણેલા ઓછું પણ ઘણાં સમજદાર ને સુશીલ, અખૂટ શ્રદ્ધાથી ભરપૂર

કસ્તૂરબાનો જન્મ પોરબંદરમાં વર્ષ ૧૮૬૯માં ૧૧ એપ્રિલના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ગોકુલદાસ અને માતાનું નામ વ્રજકુંવર હતું. વર્ષ ૧૮૮૩માં ૧૩ વર્ષની ઉંમરે કસ્તૂરબાના લગ્ન મોહનદાસ કરમચંદ ગાંધી સાથે થયેલા હતા. ગાંધીજી અને કસ્તૂરબાએ સાથે ૬૩ વર્ષનું સુખી દાંપત્ય જીવન વીતાવેલું. કસ્તૂરબા ભણેલા ઓછું પણ ઘણાં સમજદાર ને સુશીલ, અખૂટ શ્રદ્ધાથી ભરપૂર. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી અપરિગ્રહ વ્રત ધારણ કર્યું. ત્યારે કસ્તૂરબાએ ગાંધીજીને ઉદ્દેશીને કહ્યું કે, “તમારે સાધુ-સંન્યાસી થવું છે તો પછી મારે મોજ-શોખ માણીને શું કરવું છે? તમારું મન જાણી લીધા પછી આપણે તો મન વાળી લીધું.” કસ્તૂરબા પતિપરાયણ સન્નારીની સાથે અનોખું સ્વતંત્ર વ્યક્તિત્વ પણ ધરાવતા હતાં.

અગોચર જેવા ઉતારામાં કેદ કસ્તુરબાએ ઉપવાસ આદરતાં સરધારના ઉતારામાં ફેરવવા પડ્યાં

વર્ષ ૧૯૩૮-‘૩૯માં રાજકોટની લડત વખતે કસ્તૂરબાની તબિયત નાદુરસ્ત હતી. તેમ છતાં તેઓ લડતમાં જોડાયા. તેમનું માનવું હતું કે પોતાના વતન સમા રાજકોટમાં લોકો અત્યાચારો વેઠી રહ્યા હોય ત્યારે તેઓ રાજકોટની જનતાની પડખે હોવા જોઈએ. આથી, તેઓ તાત્કાલિક રાજકોટ આવ્યા. તેઓ રાજકોટ પહોંચતાં જ રાજ્યે તેમને એક ગામના અગોચર જેવા ઉતારામાં કેદ કર્યા. રાજયના અપમાનજનક વર્તાવ સામે તેમણે ઉપવાસ ચાલુ કર્યા. અંતે રાજ્યે નમતું જોખી તેમને સરધારના ઉતારામાં ફેરવવા પડ્યા. ગાંધીજીના ઉપવાસ વખતે રાજ્યે તેમને કેદમાંથી મુક્ત કર્યાં. ત્યારબાદ ફરીથી તેઓ તત્પરતા અને હોંશ સાથે ગાંધીજીની તથા દેશની સેવામાં લાગી ગયાં.

- text

કસ્તુરબાએ ગાંધીજીના ખોળામાં જ અંતિમ શ્વાસ લીધા

‘હિંદ છોડો’ આંદોલન વખતે અંગેજોએ કસ્તુરબાને ગાંધીજીની સાથે પૂનાના આગાખાન મહેલમાં પૂર્યા. ત્યારે વર્ષ ૧૯૪૩માં ૧૦મી ફેબ્રુઆરીએ ગાંધીજીએ ઉપવાસ આદરતા કસ્તૂરબાએ પણ અન્ન છોડી દીધું ને માત્ર ફળાહાર કર્યો. ત્યારબાદ તેમની તબિયત ઉત્તરોત્તર લથડતી ગઈ. વર્ષ ૧૯૪૪માં ૨૨મી ફેબ્રુઆરીએ તેમણે ગાંધીજીના ખોળામાં જ અંતિમ શ્વાસ લીધા. તે વખતે ગાંધીજીએ કહ્યું કે, “બા વિહોણા જીવનની હું કલ્પના જ નથી કરી શકતો. એ મારા જીવનનું અવિભાજ્ય અંગ હતા. એના જવાથી મારા જીવનમાં જે ખાલીપણું પેદા થયું છે, તે કદીયે ભરાઈ શકવાનું નથી.”

 

સ્વતંત્રતાની લડતમાં અનેકવિધ જવાબદારીઓ ઉઠાવીને દેશવાસીઓનાં બા બની રહ્યાં

આમ, કસ્તૂરબા ગાંધી પતિવ્રતા ભારતીય નારી હોવાની સાથે નિર્ભયતા, આત્મબળ તથા દૃઢ સંકલ્પશક્તિના ગુણો ધરાવતા હતા. તેઓ જીવનમાં અણધારી પરિસ્થિતિને સ્વીકારીને મક્કમ મનોબળથી આગળ વધ્યાં હતા. તેઓ દેશની સ્વતંત્રતાની લડતમાં અનેકવિધ જવાબદારીઓ ઉઠાવીને દેશવાસીઓનાં બા બની રહ્યાં. તેમજ રાષ્ટ્રપિતા ગાંધીજીની ‘મોહન’માંથી ‘મહાત્મા’ બનવાની યાત્રામાં અનન્ય યોગદાન આપનાર કસ્તૂરબા ગાંધી, ખરાં અર્થમાં બાપુના અર્ધાંગિની બનીને જીવતર ધન્ય કરી ગયા. ત્યારે વર્તમાન સમયમાં પણ લોકહૃદયમાં જીવંત કસ્તુરબા ગાંધીને સ્વતંત્રતાના અવસરે કોટિ કોટિ વંદન!

खुद को बदलना, ना होता आसान,
बा बदली, परिस्थितियों को पहचान,
जीवन बदला, रंग-ढ़ंग भी बदला,
तब मोहनदास गाँधी बने महान। 
– राकेशकुमार श्रीवास्तव ‘राही’


- text