સિરામિક ઉદ્યોગપતિ સાથે કર્ણાટક, તામિલનાડુ અને કેરળના 11 વેપારીઓએ કરી 1.24 કરોડની ઠગાઈ

- text


ન્યુ પર્લ વિટરીફાઇડ અને રેકસોના ટાઇલ્સના માલિકે નોંધાવી ફરિયાદ : શરૂઆતમાં બરાબર પેમેન્ટ ચૂકવ્યા બાદ કોરોના કાળમાં ધુમ્બો મારી દીધો

વાંકાનેર : વાંકાનેરના લક્ક્ડધાર નજીક આવેલ ન્યુ પર્લ વિટરીફાઇડ અને અમરધામ નજીક આવેલી રેકસોના ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી કર્ણાટક, કેરળ અને તામિલનાડુની જુદી – જુદી 11 પેઢીઓએ માલ ખરીદ કર્યા બાદ રૂપિયા 1.24 કરોડથી વધુ રકમનો ધુમ્બો મારી દેતા મોરબી રહેતા બન્ને ફેકટરીના માલિકે પ્રથમ મોરબી એલસીબીમાં અરજી કર્યા બાદ આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાઈ છે.

સિરામિક ઉદ્યોગપતિ સાથે થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી અંગે નોંધાયેલ ફરિયાદની વિગત જોઈએ તો મોરબીના રવાપર રોડ ઉપર માણેક સોસાયટીમાં રહેતા ધીરજલાલ નારણભાઇ કાસુન્દ્રાએ પ્રથમ મોરબી એલસીબી પોલીસને કરેલી અરજીને પગલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં તેઓએ જાહેર કર્યું છે કે તેઓ વાંકાનેર તાલુકાના લક્કડધાર નજીક ન્યુ પર્લ વિટરીફાઇડ અને અમરધામ નજીક રકસોના ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની સિરામિક ફેકટરી ધરાવે છે અને તેમની કંપની દેશ વિદેશમાં ટાઇલ્સનો વ્યાપાર કરે છે.

- text

વધુમાં આ બન્ને ફેક્ટરીમાંથી તેમજ તેમના ડેપોમાંથી (1)શ્રી મંજૂનાથ ટાઇલ્સ માર્ટ, પ્રોપરાઈટર સદાશિવ, બેંગલુરુ, કર્ણાટકા, (2) અજય સિરામિક, પ્રો.સત્યનારાયણ અજય કુમાર, મુલબગલ, કોલાર, કર્ણાટકા (3) શ્રી મહાલક્ષ્મી ટ્રેડિંગ કંપની, પ્રો.સત્યનારાયણ અજય કુમાર, મુલબગલ, કોલાર, કર્ણાટકા (4) ન્યુ પર્લ સિરામિક, પ્રો. અબ્દુલ રઝાક, અબ્દુલ રસુલ, બેંગલુરુ કર્ણાટકા (5) પ્રીમિયમ ટાઇલ્સ એન્ડ સિરામિક, પ્રો. ફયાઝ પાસા, બેંગલુરુ કર્ણાટકા (6) સ્પ્લેનડીડ માર્કેટિંગ, પ્રો. વંદના રેડ્ડી, બેંગલુરુ કર્ણાટકા (7) વી.એમ.ટ્રેડર્સ, પાર્ટનર : વંદના, મમતા ડારક, કાલિકટ્ટ, કોઝીકોડ, કેરલા (8) ટેલિચેરી ટ્રેડિંગ કોર્પોરેશન, પ્રો.રાજીથ કલારી, કન્નુર, કેરાલા (9) મોઝાકો ટાઇલ્સ, પ્રો.ઝમસીર, કાલિકટ્ટ, કોઝીકોડ, કેરલા (10) અરવિંદ ટાઇલ્સ, પુનિયા અરવિંદ કુમાર, તિરુવલ્લુર, તામિલનાડુ અને (11) બાથ કેરાસન, પ્રો.સુશીલ બલાની, રાયપુર, છત્તીસગઢ નામની પેઢી લાંબા સમયથી માલની ખરીદી કરી નિયમિત ચૂકવણું કરી વિશ્વાસ સંપાદિત કર્યો હતો.

દરમિયાન કોરોના મહામારી આવતા વ્યાપર ધંધા બંધ રહ્યા બાદ ફરીથી ઉપરોક્ત પેઢીઓ સાથે બન્ને કંપનીઓ દ્વારા વ્યાપાર શરૂ કરાયો હતો અને આગળના હિસાબોની ઉઘરાણી કરતા હાલમાં ધંધામાં મંદીના બહાના બતાવી ઉપરોક્ત પેઢીના પ્રોપરાઈટર અને પાર્ટનરો દ્વારા રૂપિયા 1, 24, 16,555ના જુના હિસાબો આપવામાં ગલ્લા તલ્લા કરવામાં આવતા ન્યુ પર્લ કંપનીના ડાયરેકટર ધીરજલાલ નારણભાઇ કાસુન્દ્રા દ્વારા વર્ષ 2021માં મોરબી જિલ્લા પોલીસવડા અને એલસીબી પોલીસને અરજી કરવામાં આવી હતી.

દરમિયાન આજરોજ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા જુદા – જુદા રાજ્યમાં આવેલી આ તમામ 11 પેઢીઓ વિરુદ્ધ ધીરજલાલ નારણભાઇ કાસુન્દ્રાની ફરિયાદને આધારે રૂપિયા 1, 24, 16,555ની છેતરપિંડી કરવા મામલે આઈપીસી કલમ 406, 420 અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text