રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

- text


પર્યાવરણની સમતુલા માટે વૃક્ષા રોપણ તેમજ વન સંવર્ધન ખૂબ જરૂરી : રાજ્યમંત્રી

મોરબી : મોરબી વન અને પર્યાવરણ વિભાગ તેમજ સામાજીક વનીકરણ વિભાગ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અઘ્યક્ષસ્થાને ૭૩ માં વન મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૨નું આયોજન માનવમંદિર – લજાઈ ખાતે કરવામાં આવ્યું હતું.

વન મહોત્સવ એટલે પ્રકૃતિના સંવર્ધનનો ઉત્સવ. દર વર્ષે સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેના અનુસંધાને મોરબી જિલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની અધ્યક્ષતા હેઠળ ટંકારા તાલુકાના લજાઈ ખાતે માનવમંદિરના પટાંગણે કરવામાં આવ્યું હતું.

આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, પર્યાવરણની સમતુલા માટે વૃક્ષા રોપણ તેમજ વન સંવર્ધન ખૂબ જ જરૂરી છે. સંસ્કૃતિની ધરોહર સમી આપણી આ વનરાજીના સંરક્ષણમાં સૌને પોતાનો ફાળો આપવા માટે અપીલ કરી હતી.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ઓક્સિજન માટે વૃક્ષો ખૂબ જ મહત્વના છે. લોકો જેટલા શક્ય હોય તેટલા વૃક્ષો વાવે અને તેનું જતન કરે તે પણ ખૂબ જરૂરી છે. દેશ આઝાદ થયાને ૭૫ વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે મોરબી જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવાનું આયોજન છે. જે અંતર્ગત માનવમંદિર નજીકના તળાવને પણ મનરેગા હેઠળ અમૃત સરોવર તરીકે વિકસિત કરી શકાય તેવી મંત્રીએ શક્યતા વ્યક્ત કરી હતી. વધુમાં ત્યાં માનવ મંદિરના વડિલો તથા ગ્રામજનો કુદરતને માણી શકે તે માટે તળાવના પાળે વોકિંગ પાથ તેમજ બાંકડાઓનું નિર્માણ કરી વધુ સારુ આયોજન કરી શકાય તેવું મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, વૃક્ષા રોપણ એ માનવ કલ્યાણ માટેનું શ્રેષ્ઠ કાર્ય છે. સારા આરોગ્ય માટે વાડી, ઘર વગેરે જગ્યાએ વૃક્ષો વાવી તેનું જતન કરી ખરા અર્થમાં આ વન મહોત્સવને સાર્થક બનાવીએ.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પર્યાવરણ તેમજ પ્રકૃતિ સંવર્ધન માટે કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન નાયબ વન સંરક્ષક, ગાંધીનગર આર.આર. ચૌધરીએ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડાસોલાએ કર્યું હતું. આ તકે તમામ ઉપસ્થિત મહાનુભવો તથા હાજર લોકોએ મુખ્યમંત્રનો સુરેન્દ્રનગરથી વન મહોત્સવનો લાઈવ કાર્યક્ર્મ નિહાળ્યો હતો.

- text

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, મામલતદાર સખીયા, આર.એફ.ઓ. જયદીપસિંહ જાડેજા, માનવમંદિર સંસ્થાના પ્રમુખ પોપટલાલ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, સંસ્થાના મંત્રી પી.એ. ગોહિલ તથા ટ્રસ્ટીઓ, અગ્રણીસર્વ અરવિંદભાઈ વાંસદડિયા, પ્રવિણભાઈ ભાલોડીયા, ગોપાલભાઈ સનાળીયા અને સ્થાનિક અગ્રણીઓ, આસપાસના ગામોના ગ્રામજનો તેમજ શાળાઓના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- text