મોરબીના ખોખરા હનુમાન સદગુરૂ આશ્રમમાં ભણતો સગીર લાપતા

- text


અગાઉ ઘર છોડી ચાલ્યા ગયેલા સગીરને ભણવું ગમતું ન હોય પિતાએ ઠપકો આપતા પગલું ભરી લીધું : પોલીસે અપહરણ અંગે ગુન્હો નોંધ્યો

મોરબી : મોરબીના રંગપર બેલા નજીક આવેલ ખોખરા હનુમાન, સદગુરૂ આશ્રમમાં રહીને અભ્યાસ કરતો રાજકોટનો રહેવાસી સગીર આઠેક દિવસ પહેલા વહેલી સવારે આશ્રમ છોડી ચાલ્યો જતા આ મામલે પોલીસ સગીરના પિતાની ફરિયાદને આધારે અપહરણ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.નોંધનીય છે કે આ અગાઉ પણ આ સગીર ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને ભણવું ગમતું ન હોય પિતાએ ઠપકો આપતા આ પગલું ભર્યાનું મનાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ માધાપર ચોકડી નજીક યાગરાજનગરમાં રહેતા દેવેન્દ્રભાઇ મહેશભાઇ આચાર્યનો સગીર પુત્ર પાર્થ મોરબીના રંગપર બેલા નજીક આવેલ ખોખરા હનુમાન, સદગુરૂ આશ્રમ ખાતે રહીને અભ્યાસ કરે છે. જે ગત તા.31ના રોજ વહેલી સવારે આશ્રમ છોડી ચાલ્યો જતા તેના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં પોલીસ સમક્ષ પાર્થના પિતા દેવેન્દ્રભાઈએ જાહેર કર્યું હતું કે આ અગાઉ પણ એક વખત પાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને થોડા સમય પૂર્વે પાર્થ ભણવું ગમતું ન હોવાનું કહેતા તેઓએ ઠપકો આપતા પાર્થને ગમ્યું ન હોવાનું તેમને ઉમેર્યું હતું. જો કે ગત તા.31ના રોજ પાર્થ લાપતા બન્યા બાદ આશ્રમના સીસીટીવી જોતા પાર્થ વહેલી સવારે હાથમાં થેલી લઈને જતો જોવા મળ્યો હતો.

આ મામલે મોરબી તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text