ટંકારાના સાવડી અને જોધપર ઝાલા વચ્ચે આવેલું છે અઢીસો વર્ષ જૂનું સ્વયંભુ અરણેશ્વર મહાદેવ મંદિર

- text


ખેતર શેઠા પર વેરાન જગ્યા સાફ કરતાં અરણીના ઝાડ નીચેથી શિવલિંગ આકારનો પથ્થર મળ્યો અને નામ પડ્યું અરણેશ્વર મહાદેવ

ટકારા : હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ભગવાન ભોળાનાથની ભક્તિમાં સૌ ભક્તો લીન છે. ત્યારે મોરબી જિલ્લામાં અનેક એવા શિવાલયો આવેલા છે જે ઐતિહાસિક વારસો ધરાવે છે. આવું જ એક શિવજીનું મંદિર આવેલું છે ટંકારા તાલુકાના સાવડી અને જોધપર ઝાલા ગામની વચ્ચે.. જેનું નામ છે અરણેશ્વર મહાદેવ મંદિર.

અરણેશ્વર મહાદેવ મંદિરના ઈતિહાસની વાત કરીએ તો, ટંકારા તાલુકાના સાવડી અને જોધપર ઝાલા ગામ વચ્ચે સીમના વનવગડામાં આજથી લગભગ 251વર્ષ પૂર્વે વિક્રમ સંવત 1827ના વર્ષમાં સાવડી ગામના ખેડૂત અને રજવાડામાં સારો મરતબો ધરાવતા મોરબી સ્ટેટના પંથકના મુખીબાપા તરીકે ઓળખાતા કરમશીભાઈ ગણેશભાઈ કાવડિયાનું ખેતર આવેલું હતું. કરમશીભાઈ પોતે ખેતરના શેઠા ઉપર વેરાન જગ્યા સાફ કરતા હતા. ત્યારે અરણીના ઝાડ નીચેથી સફેદ કલરનો પથ્થર નિકળ્યો. જે શિવલિંગ આકારનો હતો. બાદમાં નેસડાસુરજીના પરમ શિવ ભક્ત રેવાગર રતુગર ગૌસ્વામી જે ભાયાત હતા એમણે સ્વપ્નમાં આ અંગે વાત કરી, રૂબરૂ જોઈને નાનકડી દેરી બનાવી. આ શિવલિંગ અરણી વુક્ષ નીચેથી પ્રાપ્ત થયું હોવાથી અરણેશ્વર મહાદેવ નામ રાખવામાં આવ્યું.

પ્રથમ વખત મંદિર નિર્માણ કર્યું ત્યારે ત્રણ ફકીરો અહી પાયાનું મુહૂર્ત કરી ગયાની પણ લોક વાયકા છે. મંદિરના પરિસરમાં શેષનાગ સ્વરૂપે મહાકાલ ભાવિકોને વખતો વખત દર્શન આપતા હોવાનું કહેવાય છે. હાલ આ મંદિરમાં સાધુ સંતો તેમજ મનની શાંતિ મેળવવા અને એકાકાર થઈ શિવ સ્મરણમાં માનનારા ધાર્મિક લોકો અહીં બારેમાસ નિયમિતપણે મહાદેવના શરણે આવતા રહે છે અને તેઓ ઉપાસના કરી આનંદની લાગણી અનુભવે છે.

આ શિવ મંદિર વનવગડામાં ખેડૂતોના ખેતર વચ્ચે આવેલા હોવાથી સેવા પુજા નિયમિત ન થતી હોય આજથી 4 દશકા પહેલા બ્રાહ્મણ યુવાન કિશોર મહારાજે અહી શિવની આરાધના, સેવા-પૂજા શરૂ કરી અને સ્વયંને શિવના શરણે પડી ભોળાનાથના ભજનોમાં અને સેવા-પૂજામાં લાગી ગયા હતા. હાલ મહારાજની ઉમર 80 વર્ષથી વધુની છે અને યુવાનો પણ હંફાવી તેવી સ્ફૂર્તિ સાથે સેવા કરે છે. બાદમાં સમય જતા અહી ભાવિકો, સાધુ-સંતો અને વટેમાર્ગુ માટે આશ્રય સ્થાન બન્યું અને કિશોરભાઈની સેવા-પૂજા નિહાળી ધન્યતા અનુભવતા હતા. ભાવિકોએ પૂજારી સાથે મળી વિ.સં. 2038મા જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય કર્યો હતો. માળીયા મિયાણાના વિદ્વાન શાસ્ત્રી નારણ અદાએ આચાર્ય પદે રહી તમામ વિધિ વિધાન કર્યા હતા. જે આજે આ મંદિર વનવગડામાં કુદરતી સૌંદર્ય વચ્ચે આસ્થાનું પ્રતિક બન્યું છે.

- text

- text