છેતરપીંડીની ફરિયાદ કરવા ગયેલા પાટીદાર યુવક સાથે પીઆઈના ગેરવર્તન મામલે આક્રોશ : ઉચ્ચ અધિકારીઓને રજૂઆત

- text


 

રિલાયન્સ મોલના મેનેજર માલના રૂ.17 લાખ લઈને જુગારમાં હારી ગયા, માલ ન મળતા યુવક એ ડિવિઝને ફરિયાદ માટે પહોંચ્યો પણ ફરિયાદ ન લેવાઇ, પીઆઈએ ગાળો દીધાના આક્ષેપ : પાટીદાર સમાજ લાલઘૂમ

મોરબી : રિલાયન્સ મોલના મેનેજરે રૂ. 17 લાખ એડવાન્સ લઈને માલ ન મોકલી તે પૈસાનો જુગાર રમી નાખ્યો હોવાના આક્ષેપ સાથે એ ડિવિઝન પોલીસ મથકે પહોંચેલા પટેલ યુવકને પીઆઇએ ફરિયાદ લેવાની ના પાડી ગેરવર્તન કર્યું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. આ સાથે પટેલ યુવાનના સમર્થનમાં આવી પાટીદાર સમાજના યુવાનોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડીવાયએસપી અને અધિક કલેક્ટરને આવેદન પણ આપ્યું હતું.

મોરબીના કેનાલ રોડ ઉપર આલાપ પાર્ક સોસાયટીમાં રહેતા કોસ્મેટિકના વેપારી હિરેનભાઈ મનસુખભાઇ પટેલે રજુઆતમાં જણાવ્યું હતું કે રિલાયન્સ મોલમાંથી માલની ખરીદી કરવા માટે ત્યાંના મેનેજર સમયસિંગને કટકે કટકે તા.9થી 12 જુલાઈ દરમિયાન રૂ. 17.35 લાખ એડવાન્સમાં આપ્યા હતા. અને માલ માટે તેઓનો સંપર્ક કરવા માલ આવશે નહિ તેવું કહેતા હતા. બાદમાં જનરલ મેનેજર વિમલભાઈ હાથીને મળતા તેઓએ કહેલ કે આવા કોઈ માલનો સ્ટોક હાજર નથી અને આ બિલ બોગસ છે. તેમ કહી સમયસિંગને બોલાવી અસલ બીલની વિમલભાઈ હાથીએ માંગણી કરતા સમયસિંગે અસલ બિલ પોતાના ઘરે હોવાનું જણાવતા વિમલભાઈ હાથીએ તેમને ઘરેથી બિલ લઈ આવવાનું કહ્યું હતું.

બાદમાં સમયસિંગે ઘરે જઈને ઝેરી દવા પી લીધી હોવાનો ફોન આવ્યો હતો. સમયસિંગએ સ્યુસાઇડ નોટ પણ લખી હતી કે મે માલની ડિલિવરી કરવાના રૂ. 11 લાખ હિરેનભાઈ પાસેથી લીધેલ છે. હું ઓનલાઇન જુગારમાં આ રૂપિયા હારી ગયો છું.

- text

રજુઆતમાં વધુમાં જણાવ્યું કે આ છેતરપીંડી અને વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવવા એ ડિવિઝન પોલીસ મથકે ગયા હતા. જ્યાં પીએસઓને મળતા તેઓએ પીઆઇ પંડ્યાની ચેમ્બરમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં સમગ્ર બનાવની રજુઆત કરવામાં આવતા પીઆઇ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી કહ્યું હતું કે હું આવી ફરિયાદ લેતો નથી. તમે કેવા છો? તેમ પૂછ્યું હતું. જેના જવાબમાં કહ્યું કે હું પટેલ છું તો તેઓએ કહ્યું કે એક-બે વીઘા જમીન વેચી નાખ, આવી ફરિયાદ કરવા આવવું નહિ. તેમ કહી પટેલ સમાજ પ્રત્યે ઘૃણાસ્પદ અને અસભ્ય શબ્દો વાપર્યા હતા. આમ પીઆઇ પંડ્યાએ સમયસિંગએ દવા પીધી હોય, તેનો પરિવાર ફરિયાદ કરશે તો તું ફિટ થઈ જઈશ તેવું કહી ફરિયાદ કરવાનું રહેવા દે તેમ જણાવ્યું હતું. અને રાજસ્થાન તું જઈશ ? તેવું કહી ઉદ્ધતાઇભર્યું વર્તન કરી ફરિયાદ લેવાની ના પાડી ચેમ્બરમાંથી બહાર જવાનું કીધું હતું.

ફરિયાદ કરવા ગયા હોય, ગાળો આપી ફરિયાદ લેવાનો ઇનકાર કરી ગેરવર્તન કરેલ હોય માટે કાયદેસર રીતે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- text