પોઝિટવ ન્યુઝ : મોરબીમાં ખાનગીમાંથી 1027 વિધાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ લીધો

- text


સરકારી સ્કૂલ પ્રત્યેની સુગના અભિગમમાં મોટો બદલાવ, સામાન્ય વર્ગના બાળકોની સાથે સારા-સારા ઘરના બાળકો પણ સરકારી સ્કૂલમાં શિક્ષણ મેળવવા લાગ્યા

મોરબી : સરકારી સ્કૂલની કથળતી સ્થિતિ વચ્ચે વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે, મોંઘીદાટ ફી પોસાય તેમ ન હોય છતાં પણ મોટાભાગના બાળકોને સરકારીમાંથી ખાનગી સ્કૂલમાં બેસાડતા હોય છે. ખાનગી સ્કૂલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ શિક્ષકો અને ઉજળો દેખાવને કારણે મોટાભાગના વાલીઓની પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા માટે પહેલી પસંદ ખાનગી સ્કૂલ જ હોય છે. પણ આવી સ્થિતિ વચ્ચે મોરબી જિલ્લામાં ઊલટું થયું છે. એટલે ઉલટી ગંગા વહી હોય એમ હવે બાળકો ખાનગીને બદલે સરકારી સ્કૂલમાં ભણવા લાગ્યા છે. એ પણ કોરોના કાળ પછી સરકારી સ્કૂલમાં ખાનગીમાંથી ઘણા બાળકો આવ્યા છે.

મોરબી જિલ્લામાં કોરોના કાળ પછી એટલે ચાલુ વર્ષમાં સરકારી સ્કૂલ પ્રત્યેની લોકોનો અભિગમ અને સુગ બદલાઈ છે. આ વર્ષમાં વાલીઓનો ઝોક સરકારી સ્કૂલ તરફ વધ્યો છે. સરકારી શાળા વિશે જે જે માન્યતા હતી તેમાં બદલાવ આવતા ઘણા વાલીઓ પોતાના બાળકોને સારી-સારી અને અદ્યતન ખાનગી સ્કૂલમાંથી ઉઠાડીને સરકારી સ્કૂલમાં ભણવા બેસાડ્યા છે. મોરબી જિલ્લાની ધો.1થી8ની પ્રાથમિક સ્કૂલમાં બાળકોની સંખ્યા જોઈએ તો સરકારી શાળામાં 94379 અને ખાનગી શાળામાં 54431 મળીને કુલ 1,48,850 બાળકો હાલ શિક્ષણ મેળવે છે.જ્યારે ચાલુ વર્ષમાં ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં ભણવા આવ્યા હોય તેવા 1027 બાળકો છે. જેમાં સૌથી વધુ મોરબી તાલુકા 557 બાળકો ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે. તેમાંથી વાંકાનેરમાં 213, હળવદમાં 155, ટંકારામાં 83 અને માળિયામાં સૌથી ઓછા 19 બાળકોએ ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે.

- text

ગરીબ બાળક જ સરકારીમાં ભણે હવે એવું નથી

છેલ્લા બેથી ત્રણ દાયકાથી લોકોના મનમાં એવી ધારણા ઠસી ગઈ હતી કે, ગરીબ કે સામાન્ય વર્ગ કે જેમની પાસેથી ખાવાનું પણ માંડ પૂરું થતું હોય તેવા લોકોના બાળકો જ સરકારીમાં ભણે છે. પણ હવે નવા યુગનો ઉદય થયો છે અને સરકારી સ્કૂલ પ્રત્યે લોકોની વિચારસરણી બદલાઈ છે કે, સરકારી સ્કૂલમાં ખામીઓ હશે પણ એની સામે સરકારી પૂરતા સાધનો અને ક્વોલિફાઇડ શિક્ષકો હોય છે. જે ખાનગીમાં મોઘી ફી દેતા પણ આવી સવલત હોતી નથી. એટલે હવે સારા-સારા ઘરના બાળકો પણ સરકારી સ્કૂલમાં ભણતા થયા છે.

સૌથી વધુ ધો. 4 માં ખાનગી શાળા માંથી સરકારીમાં પ્રવેશ મેળવ્યો

ધોરણ પ્રમાણે વાત કરીએ તો ધો. 2 માં 101, ધો. 3 માં 120, ધો. 4 માં 214, ધો.5 ,આ 177. ધો. 6 માં 160, ધો. 7 માં 129, ધો. 8માં 126 વિદ્યાર્થીઓએ ખાંડી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે

- text