બરફની ફેકટરીમાં લીકેજ થયેલો એમોનીયા ગેસના કારણે આસપાસના વિસ્તારના લોકોને હાલાકી

- text


વરસાદને કારણે આજુબાજુના એકાદ કિમિ વિસ્તારમાં એમોનીયા ગેસની દુર્ગંધ ફેલાતા આંખમાં બળતરા થવાથી ઉધોગકારો અને દુકાનદારો ધંધા બંધ કરીને નીકળી ગયા, ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે દોડી કાર્યવાહી હાથ ધરી

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસી પાછળ બરફની ફેકટરીમાં એમોનીયા ગેસ લીકેજ થતા નાસભાગ મચી હતી.જો કે વરસાદના પાણીમાં આ ગેસ ભળી જતા એકાદ કિમિ સુધી દુર્ગંધ ફરી વળી હતી.તેથી જીઆઇડીસી વિસ્તારના ઉધોગકારો અને આજુબાજુના દુકાનદારો આંખમાં બળતરા થતા ધંધા બંધ કરીને ત્યાંથી નીકળી ગયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને આ અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર જીઆઈડીસી વિસ્તારની શેરી નંબર-1માં આવેલ સંતોષ આઇસ નામની બરફની ફેકટરીમાં આજે બપોરે 3 વાગ્યાની આસપાસ અચાનક એમોનિયા ગેસ લીકેજ થયો હતો. જેમાં આ બરફના કારખાનામાં રીપેરીંગ દરમિયાન આ ગેસ લીકેજ થયો હોવાનું માલિકે જણાવ્યું હતું. પણ એમોનિયા ગેસ લીકેજ થયા બાદ બરાબર એજ સમયે વરસાદ શરૂ થયો અને ત્યાં પાણી ભરાતા એમોનિયા ગેસ આ પાણીમાં ભળી જતા આજુબાજુના એકાદ કિમિ સુધી આ ગેસની દુર્ગધ ફેલાઈ હતી. જેમાં જીઆઇડીસી વિસ્તારના નાના મોટા ઉધોગકારો, તેમજ કન્યા છાત્રાલય રોડ ઉપરના દુકાનદારો અને આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પણ આ ગેસની દુર્ગધ ફરી વળતા લોકોમાં થોડા અંશે ભય ફેલાયો હતો. ઉધોગકારો, દુકાનદારો પોતાના વેપાર ધંધા બંધ કરીને સલામત સ્થળે દોડી ગયા હતા.

જીઆઇડીસીથી કન્યા છાત્રાલય રોડ સહિત છેક સરદાર બાગ અને આસપાસના એકાદ કિમિ સુધી એમોનિયા ગેસની અસર વર્તતા લોકોને અખમાં બળતરા થવાથી ત્યાં રહી ન શકાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. એટલે આસપાસના લોકો આ દુર્ગંધથી બચવા દૂર દૂર ભગવા લાગતા કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ આ એમોનિયા ગેસની માત્રા ઓછી હતી અને એ ગેસ વરસાદના પાણીમાં ભળી જતા એની અસરની માત્રા ઘટી જાય છે અને બહુ નુકશાની કરતી નથી. દુર્ગધ ફેલાવાથી આંખમાં બળતરા થાય છે.પણ વધુ નુકશાન કરતો નથી.પાણીમાં ભળી જવાથી દુર્ગંધ વધુ ફેલાઈ હતી અને આ અંગે આગળની કાર્યવાહી ચાલુ છે.

- text

- text