ભારતીય સંસ્કૃતિનો વારસો જાળવી રાખતા ગૌરીવ્રતનો પ્રારંભ

- text


પાંચ દિવસ માટે રાજકુંવરી જેવા ઠાઠથી વ્રત કરતી દીકરીઓના માતાપિતાને હરબટીયાળી પ્રાથમીક શાળાના શિક્ષિકાનો ખાસ સંદેશ

ટંકારા : પશ્ચિમી સંસ્કૃતિમાં આંધળા અનુકરણ વચ્ચે આજે ભારતીય તહેવારો પરંપરાનો છેદ ઉડી રહ્યો છે ત્યારે આજથી કુંવારીકાઓ માટે મોળાકત એટલે કે ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતા આ તહેવાર વિશે હરબટીયાળી પ્રાથમીક શાળાના શિક્ષિકા ગીતાબેને આધુનિક માતા પિતાને ખાસ સંદેશ આપ્યો છે.

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની પ્રાથમીક શાળાના શિક્ષિકા શિક્ષિકા ગિતાબેન જણાવે છે કે, આજથી ગૌરીવ્રત શરૂ થાય છે. ઘણા લોકો ને કહેતા સાંભળું છું કે તમારી દિકરીને વ્રત અને પૂજા શિખવવાના બદલે કાયદા અને કાનૂન સમજાવો , બાકી ગૌરીવ્રત કરવાથી સારો ધરવાળો નહિ મળે.

વધુમાં ગીતાબેન ઉમેરે છે કે, હા હું વાત માનુ છુ કે ખાલી ગૌરીવ્રત કરવાથી ધરવાળો સારો ના જ મળે, તો તમને બધાને મારો એક સવાલ છે કે શું માત્ર સારા પતિની અપેક્ષા માટે જ આ વ્રત આપણે દિકરી પાસે કરાવી છીએ ?  અરે, શું આ અંધશ્રદ્ધા છે કે એને આપણે અટકાવી જોઈએ ?  જો સારા પતિની અપેક્ષા માટે આપણે દિકરીને પાંચ દિવસ ભૂખી રાખતા હોય તો જરૂર ને જરૂર આ વ્રત ના કરવા દેવું જોઈએ. પણ ગૌરી વ્રતમા તો દિકરીને આખા વર્ષમાં જેટલા લાડ નથી કરાતા તેનાથી વધારે લાડ – પ્રેમ તો પાંચ દિવસના આ અલૂણા વ્રતમા કરાય છે.

વ્રતના પાંચ દિવસ પહેલા તો એની માતા વિચારવા લાગે છે કે મારી દિકરીના ખાઉં ખાઉં મા હું શું બનાવું. જમ્યા પછી પાંચ વાર તો પૂછશે કે જમવાનું ભાવ્યું ને? દર એક કલાકે પૂછશે,’ તને ભૂખ લાગી છે?’ આ પાંચ દિવસમાં તો દિકરીની મા એનું બાળપણ ફરી જીવી લે છે. ચણિયાચોલી અને સાડીમા સજજ થયેલી, એક હાથમાં જવેરા અને બીજા હાથમાં પૂજાની થાળી લઈને બહેનપણી સાથે મંદિર જાતી હોય ત્યારે તો જાણે સ્વર્ગમાંથી બધી દેવીઓ ધરતી પર વિહરતી હોય એવું નજરાણું લાગે છે.

આજ તો આપણી સંસ્કૃતિ છે. વર્ષો પહેલા પણ વ્રતમા દિકરીનું ખાસ ધ્યાન રાખવામાં આવતું. તો આને અંધશ્રદ્ધા કેવી રીતે માનવી? ભારતીય સાંસ્કૃતિક વારસાની ખાસિયત છે આ તો. આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવું, આવનારી પેઢીને આપણી સંસ્કૃતિથી પરિચિત કરવા એ તો આપણી નૈતિક ફરજ છે. બાકી અત્યારે તો વેસ્ટર્ન કલચરના આપણે જે રવાડે ચઢ્યા છીએ એ આપણી સંસ્કૃતિનું પતન કરી દેશે. હું દરેક માતા પિતાને એ વિનંતી કરુ છુ કે સંતાનોને દરેક તહેવારો અને પ્રસંગનું મહત્વ સમજાવો.મોર્ડનાઇઝેશન જરૂરી જ છે પણ વાંદરાવેડું વેસ્ટર્નાઇઝેશનની ભારતને જરૂર નથી.  એક પહેલ ભારતીય સંસ્કૃતિના જતન તરફ કરીએ તેવું શિક્ષિકા ગિતાબેને અંતમાં ઉમેર્યું છે.

- text

- text