મોરબી પાલિકામાં હરિ કહે તે સાચું ! કર્મચારીઓને કામગીરી શીખવે છે હળવદના સફાઈ સૈનિક

- text


મોરબી નગરપાલિકામાં ગેરકાયદેસર દબાણની ફરિયાદ હોય કે અન્ય કામગીરી હોય હળવદના હરિ સોનાગ્રા કહે તો જ પગલાં લેવાય : સફાઈ કામદાર સુપર પાવર અધિકારીની ભૂમિકામાં

મોરબી : પ્રસિદ્ધ પ્રાચીન ભજનની પંક્તિ, હરિ તું ગાડુ મારુ ક્યાં લઈ જાય…..હાલમાં મોરબી નગરપાલિકામાં બરાબર બંધ બેસી રહી છે. કારણ કે, નગરપાલિકાના કર્મચારીઓને જાણે કોઈ જ કામગીરી ન આવડતી હોય તેવા ઘાટ વચ્ચે હાલમાં મોરબી પાલિકાના રૂમ નંબર 5માં એક ખાસ સુપર પાવર વ્યક્તિને બેસાડવામાં આવ્યા છે… જી હા… હળવદ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ભરતી થયેલા ચરાડવા ગામના હરિ સોનાગ્રા (હરેશભાઇ) નામના વ્યક્તિ નગરપાલિકના જુદા-જુદા વિભાગના કર્મચારીઓને કામગીરી કેમ કરવી તેના પાઠ ભણાવી રહ્યા હોવાનું અને હરેશભાઇ કહે તો જ કામગીરી થતી હોવાનું સત્ય બહાર આવ્યું છે.

છ દાયકા જૂની મોરબી નગરપાલિકાના ઇતિહાસમાં એકથી એક ચડિયાતા બાહોશ અધિકારી કર્મચારી કામ કરી ચુક્યા છે અને હાલમાં પણ અનેક જૂનાજોગીઓ મોરબી શહેરની પાણી, સફાઈ, લાઈટ, રોડ રસ્તા સહિતના કામો માટે પાલિકામાં કુનેહ પૂર્વક ફરજ બજાવી રહ્યા છે ત્યારે છેલ્લા થોડા સમયથી મોરબી પાલિકાના કર્મચારીઓને કામગીરી આવડતી જ ન હોય તેવી સ્થિતિ વચ્ચે હળવદ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હરિભાઈ સોનાગ્રાને વિશેષ નિમણુંક આપવામાં આવી છે.( કાગળ ઉપર ઓર્ડર નથી) મોરબી પાલિકાના રૂમ નંબર 5 માં બેસતા હરિભાઈ સોનગ્રા મોરબીમાં ગેરકાયદેસર બાંધકામ હોય તો તેમનું નિરીક્ષણ કરવા જવું, આવા બાંધકામને નોટિસો પાઠવવા સહિતના નિર્ણયો લેવાની કામગીરી કરી રહ્યા છે.

- text

જો કે, મોરબી અપડેટને આ વિશેષ સુપર પાવર ઓફિસરની ભૂમિકા ભજવતા હરિભાઈ સોનાગ્રા કોણ છે ? ક્યાંથી બદલી પામી મોરબી નગરપાલિકામાં આવ્યા છે ? મોરબી નગરપાલિકામાં તેમનો હોદ્દો કયો ? ત બાબતે પાલિકા કર્મચારીઓમાં જાણકારી મેળવવા પ્રયાસ કરતા કોઈએ જવાબ આપવાની હિંમત ન કરી માત્રને માત્ર આ કર્મચારી હળવદથી આવતા હોવાની જાણકારી મળી હતી.

બાદમાં મોરબી અપડેટે હરિભાઈનો મોબાઈલ નંબર મેળવી તેઓને જ સવાલ પૂછતાં હરિભાઈએ શરૂઆતમાં તો જવાબ આપવાનું ટાળ્યું હતું અને તેઓ માત્ર કામગીરી શીખવવા માટે ક્યારેક ક્યારેક મોરબી આવતા હોવાનું જણાવ્યું હતું ! વધુમાં તેઓ હળવદ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હોવાનું અને ચીફ ઓફિસરના ક્હેવાથી મોરબીમાં કર્મચારીઓને કામગીરી શીખડાવતાં હોવાનું સ્વીકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે હરિભાઈ ઉર્ફે હરેશભાઇ તરીકે ઓળખાતા આ વિશેષ કર્મચારીનો અભ્યાસ 12 ધોરણ સુધીનો હોવાનું અને હાલમાં બાબા સાહેબ આંબેડકર યુનિવર્સીટીમાં એક્સ્ટર્નલ કોલેજ કરી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે હળવદ નગરપાલિકામાં રોસ્ટર મુજબ ભરતી થયેલા સફાઈ કામદારોના પ્રશ્ન ચકચારી બન્યો છે ત્યારે ખરેખર શું ચીફ ઓફિસર દ્વારા હરિભાઈ સોનાગ્રાને મોરબી પાલિકાના કર્મચારીઓને ખાસ કામગીરી શીખવવા નિમણુંક આપી છે કે પછી પ્રાદેશિક નગરપાલિકા નિયામક દ્વારા હરીભાઈને મોરબીમાં મુકવામાં આવ્યા છે ?

- text