મોરબીના પાડોશી એવા થાનમાં એક જ દિવસમાં ચાર લોકો કોરોના પોઝિટિવ, તંત્રમાં દોડધામ

- text


મોરબી : મોરબીના પાડોશી એવા સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં કોરોનાએ માથું ઉચક્યું છે. થાનમાં એક જ દિવસમાં ચાર લોકો કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ચાર દર્દીઓમાં એક કિશોર, એક યુવાન અને એક મહિલા તેમજ એક પુરુષ હોવાનું જાણવા મળ્યું છે. તમામને હોમ કોરોન્ટાઇન કરી દેવાયા છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ના 6 એક્ટિવ કેસ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવાર અને શનિવારે 1-1 કોરોનાના કેસ નોંધાયો હતો. ત્યાં રવિવારે થાનમાં ચાર લોકો કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું બહાર આવતા દોડધામ મચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ થાનના રહેવાસી કોઇ બીમારીના કારણે રાજકોટ સારવાર માટે ગયા હતા. જ્યા લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જેમાં 17 વર્ષનો કિશોર, 19 વર્ષનો યુવાન તેમજ 1 પુરુષ અને 1 મહિલા સહિત 4 લોકો કોરોનાગ્રસ્ત હોવાનું ધ્યાને આવ્યું હતું.

- text

તમામ લોકોએ કોરોનાની રસીનો ડોઝ પણ લીધેલો છે અને તેઓની તબિયત સારી હોવાની વિગતો બહાર આવી હતી. જિલ્લામાં રવિવારે 6 લોકોએ રસી લીધી છે જેથી રસીકરણનો કુલ આંક 30,44,762 પર પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં 14,62,577, લોકોએ પ્રથમ તેમજ 15,41,799 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 40,386 લોકોએ બુસ્ટર ડોઝ લઈ લીધો છે. અત્યાર સુધીમાં 16,07,751 પુરુષો તેમજ 13,96,106 મહિલાઓનું રસીકરણ થયું હતું. જેમાં જિલ્લાના કોવિશિલ્ડની 24,05,334 અને કોવેક્સિનની 5,82,798 લોકોએ રસી લીધી હતી.

- text