આમરણમાં રખડતી ગાયો ઝાડવા ખાઇ જતી હોવા મુદ્દે બઘડાટી બોલી

- text


પાનની દુકાન વાળાએ માલધારી સમાજ ભાંડતા ઝઘડો થયો : સામસામી ફરિયાદ

મોરબી : મોરબીના આમરણ ગામે રસ્તે રઝળતી ગાય વાવેલા ઝાડવા ખાઈ જતી હોય પાનની દુકાનના સંચાલકે માલધારી સમાજ વિશે ઘસાતું બોલતા આ મુદ્દે બન્ને પક્ષે બઘડાટી બોલતા એક પક્ષે લોખંડના સળિયા વડે તો બીજા પક્ષે છરી વડે હુમલો કરતા સામસામી ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ યદુનંદન સોસાયટી બેલા આમરણ ખાતે રહેતા દેવાભાઇ લાખાભાઇ ખીટે મોરબી તાલુકા પોલીસ મથકમાં પાનના ધંધાર્થી હર્શીતભાઇ નાનજીભાઇ અઘેરા, નાનજીભાઇ હીરજીભાઇ અઘેરા, કાળુભાઇ કરસનભાઇ પટેલ અને સુંદરજીભાઇ અઘેરા રહે. બધા આમરણ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેઓ પૂનમ પાનના ગલ્લા પાસે ઉભા હતા ત્યારે આરોપી હર્ષિત બોલતો હતો કે, ભરવાડ લોકો પોતાની ગાયો રખડતી મુકી દે છે અને ઝાડવા મોટા કરી ઇ ખાય જાય છે‘‘ તેમ કહી ભરવાડ સમાજ વિષે જેમ તેમ બોલતો હોય જેથી દેવભાઈએ હર્ષિતને વ્યક્તિ ગત રીતે બોલવા તેમજ આખા સમાજ વિષે જેમતેમ નહી બોલવા સમજાવતા ઢીકા પાટુનો માર માર્યો હતો.

- text

બાદમાં દેવભાઈને સમાધાન માટે બોલાવી આરોપી હર્શીતભાઇ નાનજીભાઇ અઘેરા, નાનજીભાઇ હીરજીભાઇ અઘેરા, કાળુભાઇ કરસનભાઇ પટેલ અને સુંદરજીભાઇ અઘેરાએ હુમલો કરતા દેવભાઈ ઉપરાંત સાહેદ યોગેશ રાજુ અને લાલજીભાઇને ઇજા પહોંચાડી છરીથી હુમલો કરવામાં આવતા ચારેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં દેવાભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ GP ACT કલમ-૧૩પ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

જ્યારે સામા પક્ષે હર્ષિતભાઇ નાનજીભાઇ અઘેરાએ આરોપી દેવાભાઇ લાખાભાઇ ખીટ, લાલજીભાઇ દેવાભાઇ ખીંટ, રાજુભાઇ દેવાભાઇ ખીંટ અને યોગેશભાઇ દેવાભાઇ ખીંટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે પોતાની પાનની દુકાન પાસે વાવેલ ઝાડ રખડતી ગાય ખાતી હોય જેને તગડવા રસ્તે જતા માણસને હાકલ મારતા આરોપી દેવભાઈને સારું નહિ લાગતા ઝઘડો કરી સાહેદ નાનજીભાઈના માથામાં ઇટ ફટકારી લોખંડના સળીયા વડે ડાબા હાથની હથેળીમાં તેમજ ડાબા ખભા પાસે ઘા મારી મુંઢ ઇજા કરી હતી અને સમાધાન માટે બોલાવી ગાળો આપી મૂંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ GP ACT કલમ-૧૩પ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text