ટંકારામાં “ઋષિ સ્મૃતિ સ્થળ” સ્મારકનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ભૂમિ પૂજન કરાયું 

- text


“ઋષિ સ્મૃતિ સ્થળ” મહર્ષિ દયાનંદના વિચારો દ્વારા સમાજ ક્રાંતિનું શ્રદ્ધા કેન્દ્ર બનશે – રાજ્યપાલ 

વિશ્વભરની આર્ય સમાજની શાખાઓના યોગદાનથી તૈયાર થનારુ આ સ્મારક ૨૦૨૪ સુધીમાં નિર્માણ થશે 

ટંકારા : આજે ટંકારા ખાતે મહર્ષ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળ ટંકારા નજીક આકાર લેનાર ભવ્ય અને અત્યાધુનિક ઋષિ સ્મૃતિ સ્થળ સ્મારકનું ભૂમિપૂજન રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કરતાં કરવાં આવ્યું હતું

આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, નવનિર્મિત આ સ્મારક મહર્ષિ દયાનંદના વિચારો દ્વારા સમાજ ક્રાંતિનું શ્રદ્ધા કેન્દ્ર બનશે.અને મહર્ષિ દયાનંદ સરસ્વતીએ વૈદિક સંસ્કૃતિની પુનર્સ્થાપના દ્વારા રાષ્ટ્રની સભ્યતા – સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા સમગ્ર જીવન ન્યોછાવર કર્યું હતું. તેમણે અંધશ્રદ્ધા, પાખંડ અને કુરીતિઓથી સમાજને મુક્ત કરી સમરસ સમાજના નિર્માણ માટે જીવન પર્યન્ત કાર્ય કર્યું. મહિલા શિક્ષણ અને નારી ગૌરવ ક્ષેત્રે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સમાજને નવી દિશા આપી હતી, એટલું જ નહીં તેમના વિચારોથી દેશભરમાં ક્રાંતિ આવી અને ભારતની આઝાદી માટે તેમણે લોકમાનસને ઘડ્યું. આવા મહાન સમાજ ઉદ્ધારક યુગપુરુષના ભવ્ય અને અત્યાધુનિક સ્મારકના નિર્માણ માટે દેશભરના આર્યસમાજના અગ્રણીઓએ સંકલ્પ લીધો છે. એટલું જ નહીં આગામી વર્ષ ૨૦૨૪માં મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મજયંતિ સુધીમાં આ ભવ્ય સ્મારકનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.

રાજ્યપાલે ટંકારા નજીક હરબટીયાળી ગામ ખાતે ૧૫ એકર જેટલી જમીન વિસ્તારમાં આકાર લેનારું આ ભવ્ય સ્મારક સત્ય અને જ્ઞાનના પ્રકાશથી સમાજને આલોકિત કરશે તેમ જણાવી ઉમેર્યું હતું કે, વિશ્વભરમાં ફેલાયેલા આર્યસમાજના અનુયાયીઓની જનશક્તિના સહયોગથી આ શ્રદ્ધા કેન્દ્રનું નિર્માણ થશે જેમાં વિશ્વભરની આર્યસમાજની શાખાઓ પોતાનું યત્કિંચિત યોગદાન આપશે. રાજ્યપાલએ આ સ્મારકને મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવનદર્શનથી સમાજને પ્રેરિત કરનારું પવિત્ર સ્થાન ગણાવ્યું હતું.

આ પ્રસંગે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારાના અધ્યક્ષ પદ્મશ્રી ડૉ. પૂનમ સુરીએ સ્મારકના નિર્માણ અંગે જણાવ્યું હતું કે, સત્ય અને જ્ઞાનના પ્રકાશથી સમાજનું દિશાદર્શન કરવું એ મહર્ષિ દયાનંદ સરસ્વતીનો ધ્યેય હતો તેને અનુસરીને આ સ્મારકનું નિર્માણ જ એ રીતે કરાશે કે જેથી મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવનવૃત્તથી લોકોને સતત પ્રેરણા મળતી રહે. તેમણે આ સંકુલમાં ડીએવીના સહયોગથી વિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

- text

આ પ્રસંગે ટ્રસ્ટના મંત્રીઅજય સહગલ, ટ્રસ્ટી સર્વેસુનીલ માનકટલા, અરૂણ અબરોલ, શ્રીમહેશ વેલાણી,મણી સૂરી,નિશા પેશીન, આર્ય પ્રતિનિધિ સભા નવી દિલ્હીના મહામંત્રી વિનય આર્ય, જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી તેમજ દેશભરમાંથી ડી.એ.વી. શૈક્ષણિક સંસ્થાના આચાર્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

- text