‘સમસ્યા અને સમાધાન’ પુસ્તકમાં પાણીની અછત કે ખેંચ ટાળવાનો સચોટ માર્ગ દર્શાવતા જયસુખભાઈ પટેલ

- text


મેઘરાજાની મહેર છતાં ડેમોમાં પાણીનો જથ્થો ઓછો : આ સમસ્યાનો જયસુખભાઈ પટેલ પાસે છે ઉપાય

ગુજરાતમાં આવેલાં ડેમોના રૂલ્સ લેવલના નિયમો બદલવાની આવશ્યકતા છે : જયસુખભાઈ પટેલનું સરકારને સૂચન

પાણી સંગ્રહની સમસ્યાના હલ માટે હાર્ડ વર્ક ઉપરાંત કંઈક સારું કરવાની ભાવના ધરાવતા અધિકારીની નિમણુંક જરૂરી : જયસુખભાઈ પટેલ


જળ એ જીવન છે. આ પૃથ્વી ઉપર કુદરતી જળાશયોની નજીકમાં માનવ વસાહતો વિકાસ પામી છે. માનવ સભ્યતા અને સંસ્કૃતિ નદીઓના કાંઠા વિસ્તારોમાં વિકસીને પાંગરી છે. કાળાંતરે ગામડાં અને નગર સંસ્કૃતિના વિકાસની સાથોસાથ વરસાદના પાણીનો સંગ્રહ તળાવો ખોદીને થવા લાગ્યો. તળાવો અને તે પછી વાવ કૂવાની શોધથી માનવી પોતાની પાણીની જરૂરત પૂરી કરતો રહ્યો છે. અને એ પછી તો છેલ્લા બસ્સો વર્ષમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે નદીઓનાં વહી જતાં પાણીને વિશાળ ડેમો બાંધીને સંગ્રહ કરવામાં આવી રહ્યાં છે. ડેમોમાં સંગ્રહિત પાણીનો ઉપયોગ ચોમાસાં પછી પીવા તેમજ ખેતીવાડીમાં સિંચાઈ માટે થાય છે. ગુજરાતમાં પાણી સંગ્રહ માટેનાં ડેમો હોવા છતાં છેલ્લા પંદર વીસ વર્ષોમાં ચોમાસા પછી પાણીની તંગીના પોકારો કેમ પડે છે ? ખેતીવાડી માટે સમયસર પાણી કેમ મળતું નથી ? અને ખેતરમાં તૈયાર થયેલો પાક પણ પાણીના અભાવે કેમ નાશ પામે છે ? વરસાદ પૂરતો પડતો હોવા છતાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના ડેમો ખાલીખમ કેમ રહે છે ? દર ઉનાળામાં પાણીના પોકાર કેમ પડે છે ? અને તંગી કેમ વરતાય છે ? ‘રણ સરોવર’ના પ્રણેતા જયસુખભાઈ પટેલ લેખના પ્રારંભમાં વેધક સવાલો પૂછી વાંચકોને વિચારતા કરે છે.

ગુજરાતના દરેક ડેમોમાં પાણીનો સંગ્રહ કરવા માટેના રૂલ્સ લેવલ નક્કી કરવામાં આવેલાં છે. આ નિયમ પ્રમાણે પૂરતી પાણીની આવક હોવા છતાં પણ પાણીનો સંગ્રહ કરવામાં આવતો નથી અને તેને નદીઓમાં વહેવડાવી દેવામાં આવે છે. સિસ્ટમ કે નિયમ પ્રમાણે, ગુજરાતના તમામ ડેમોના રૂલ્સ લેવલ જૂનથી ઓકટોબર સુધીના દર દસ દિવસે કેટલો પાણીનો જથ્થો ડેમમાં સંગ્રહ કરવો તે નક્કી કરવામાં આવે છે. આ રૂલ્સ લેવલ મુજબ સપ્ટેમ્બર માસ પૂરો થાય ત્યાં સુધીમાં ફક્ત 60 ટકાથી વધારે જથ્થો સંગ્રહ કરવામાં આવતો નથી. ઓકટોબરના અંતમાં સો ટકાની કેપેસિટી બરાબર પાણી સંગ્રહ કરવો એવો નિયમ છે, જેના કારણે ગુજરાતના ડેમો પૂરતો વરસાદ અને પાણીની આવક છતાં પણ અધૂરાં જ રહે છે! આમ, મોરબીના ઉદ્યોગકાર ડેમ અધૂરાં ભરાવાનું કારણ આપી આગળ જણાવે છે કે..

ડેમોના આ રૂલ્સ લેવલના કારણે જો જુલાઈ, ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં સારો વરસાદ પડે અને 100 ટકા ડેમો ભરાઈ જાય તેવી પાણીની આવક હોય તો પણ પાણીનો સંગ્રહ કરવામાં આવતો નથી અને દરવાજા ખોલીને પાણી નદીઓ અને દરિયામાં વહેતું મૂકી દેવામાં આવે છે. પરિણામે ચોમાસા પાછળના મહિનાઓ (જેવા કે, સપ્ટેમ્બર, ઓકટોબર)માં વરસાદ ન પડવાના કારણે ડેમો અધૂરાં રહે છે. ગુજરાતના ડેમોની દેખરેખ અને સંભાળ રાખતાં અધિકારીઓ કોઈપણ પ્રકારનું જોખમ કે જવાબદારીઓ લેવા માંગતા નથી. અમુક અધિકારીઓ તો રૂલ્સ લેવલ કરતાં પણ ઓછું લેવલ રાખતાં હોય છે. જેથી તેઓ કોઈપણ ટેન્શન વગર આરામથી ઘરે કે ઓફિસમાં બેસી શકે. આ કારણોસર ગુજરાતના ડેમોમાં પાણીનો સંગ્રહ ફૂલ ક્ષમતાના 55 ટકાથી વધારે થતો નથી!

આ બહુ ગંભીર અને ફેવિચારણા માંગતી બાબત હોવાનું ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર જયસુખભાઈ પટેલ આપણા ધ્યાને દોરે છે. ગુજરાતમાં જે ડેમો અને કેનાલો બની છે, તે ખેડૂતોની કિંમતી જમીનો સંપાદિત કરીને બનાવેલી છે. ડેમો અને કેનાલો બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. ગુજરાતમાં આ ડેમો અને કેનાલોના ઓપરેશન, મેન્ટેનન્સ, સિકયોરીટી માટે પણ દર વરસે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પ્રજાના પૈસામાંથી આ બધા ખર્ચાઓ નીકળે છે. લોકોએ ભરેલા કરોડો રૂપિયાના ટેકસમાંથી ડેમો અને કેનાલોની જાળવણી માટે ખર્ચાઓ કરવામાં આવે છે, પણ અધિકારીઓની બિનજવાબદારી અને લાપરવાહીના કારણે આપણા ડેમોમાં પાણી સંગ્રહિત થતું નથી.

- text

આપણે મોટા પ્રોજેકટો નિર્માણ કરીએ છીએ પરંતુ તેનો લોકોના હિત માટે સાચો ઉપયોગ ન થાય તો આવા પ્રોજેકટનો શો અર્થ? તેમ પ્રશ્ન કરી જયસુખભાઈ પટેલ આગળ જણાવે છે કે ડેમોમાં પાણી સંગ્રહ માટે માત્ર ચાર માસ જ ધ્યાન રાખવાનું હોય છે એટલે કે ચોમાસાના જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓકટોબર માસ દરમિયાન બધા ડેમો ઉપર પાણી સંગ્રહ બાબતે ધ્યાન આપવામાં આવે તો 20થી 30 ટકા પાણી દર વરસે સ્ટોરેજ કેપેસિટીમાં આપોઆપ વધારો કરી શકાય તેમ છે અને પાણીનો સૌથી વિકટ પ્રશ્ન પણ હલ થઈ શકે તેમ છે. ઉનાળામાં પાણીની તંગીની બૂમો પણ ના પડે. પણ એ માટે ગુજરાતમાં આવેલાં ડેમોના રૂલ્સ લેવલના નિયમો બદલવાની જરૂર છે.

આ ઉપરાંત, ડેમોમાં ઓછા પાણીના પ્રશ્નનો વધુ એક ઉકેલ આપતા ‘સમસ્યા અને સમાધાન’ પુસ્તકના લેખક જયસુખભાઈ પટેલ કહે છે કે ગુજરાતના ડેમોના પાણી સંગ્રહની સમસ્યાના હલ માટે એક કાબેલ અને નિષ્ઠાવાન અધિકારીની નિમણુંક કરવી જોઈએ. આ અધિકારી સાહસિક, હિંમતબાજ, ડાયનેમિક, સકારાત્મક વલણ ધરાવનારો, લોકો પ્રત્યે લાગણી હોય તેવો, સરકારને સમર્પિત, તત્કાલ નિર્ણય કરી શકે, હાર્ડવર્ક ઉપરાંત કંઈક સારું કરવાની ભાવના ધરાવતો હોવો જોઈએ. આ વ્યક્તિને સંપૂર્ણ સત્તા સાથે સ્પેશિયલ ઓફિસર તરીકે અલગ પોસ્ટીંગ તેમજ અલગ સ્ટાફ આપવાનો રહે. આ ઓફિસર કોઈ આડકતરી ચેનલની બદલે સીધો ચીફ મિનિસ્ટરને રિપોર્ટ કરી શકે તેવો તેને પાવર હોય. આ અધિકારી જૂનથી ઓકટોબર સુધી ડે ટૂ ડે ચોવીસ કલાક, જૂનથી ઓકટોબર સુધી દરેક ડેમોના અધિકારીઓ સાથે સીધા સંપર્કમાં રહી ‘રૂલ્સ લેવલ’ મુજબ કેટલો પાણીનો જથ્થો સંગ્રહ કરવો અને કેટલો પાણીનો જથ્થો છોડવો, કયા સમયે શો નિર્ણય લેવો તેની સંપૂર્ણ સત્તા પણ તેની પાસે હોય એ આવશ્યક છે. આ અધિકારીનું લક્ષ્ય માત્ર અને માત્ર ગુજરાતના ડેમોમાં પાણીનો જથ્થો 20 થી 30 ટકા કઈ રીતે વધારે સ્ટોર કરી શકાય તે હોવું જોઈએ !

જો આ રીતે, રૂલ્સ લેવલમાં થોડા ફેરફારો કરવામાં આવે અને એક સ્પેશિયલ ઓફિસરની નિમણૂંક જેવા થોડાક પગલાં લઈને યોગ્ય પરિવર્તન કરવામાં આવે તો ગુજરાતના સઘળા ડેમો બારેમાસ પાણીથી લહેરાતાં રહે અને ચોમાસા બાદ આ સંગ્રહિત પાણીનો ઉપયોગ કરી શકાય. આમ જૂઓ તો આ કોઈ ધરખમ પરિવર્તન કરવાની કે એ માટે ખરડો પાસ કરવા જેવી વાત નથી. આ માટે જયસુખભાઈ પટેલ માત્ર ચોકકસ જવાબદારી અને સીધી દેખરેખ માટેનો એક ઈમાનદાર પ્રયાસ જ કરવાનું કહે છે. એ થઈ જાય તો અને ત્યારની પરિસ્થિતિની કલ્પના પણ એકદમ સુખદ સાબિત થાય તેવી છે. આવી અમલવારીથી જ ડેમો અને કેનાલોમાં જે વીસથી ત્રીસ ટકા પાણીનું સ્ટોરેજ વધુ થાય, એનો સીધો અર્થ એ કે આપણું ચોમાસું છ મહિના જેવડું બની જાય. અત્યારે ગુજરાતમાં માર્ચ મહિનાથી જ પાણીની ખેંચને કારણે લોકોએ હેરાનગતિ ભોગવવી પડે છે. જો નવી વ્યવસ્થા થકી ડેમ અને કેનાલોમાં પાણીની સ્ટોરેજ ક્ષમતા વધારી દીધી હોય તો પાણી માટેના વરસોવરસના બોકાસા કમ સે કમ હળવા થઈ જાય.

શકયતા તો એવી પણ છે કે, માર્ચની બદલે મે મહિનામાં પાણી માટેના પોકાર ઉઠે તો સરકારે પણ માત્ર એકાદ માસ પૂરતો જ વિશેષ ખર્ચ કરીને પાણીની માંગ પૂરી કરવામાં પોતાની શક્તિ લગાડવી પડે પરંતુ લોકોની હેરાનગતિનો પિરીયડ નાનો થઈ જાય કારણ કે, જૂન મહિનામાં તો વાદળોની સાથે વરસાદની આશા પણ બંધાવા લાગતી હોય છે! આમ થવું જોઈએ અને કરવું જ જોઈએ, તેમ લેખના અંતમાં ભારપૂર્વક જણાવી અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઈ પટેલ કારણ આપે છે કે તો જ ડેમો અને કેનાલો પાછળ કરવામાં આવેલો ખર્ચ સાર્થક થયો ગણાય.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text