સુસવાવ નજીક બોલેરો-બાઈક વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા કાકી-ભત્રીજાએ દમ તોડ્યો

- text


વેગડવાવનું દંપતિ લગ્ન પ્રસંગ પતાવી ઘરે પરત જતા હતા ત્યારે બનેલા બનાવમાં રાજકોટ સારવારમાં મૃત્યુ : યોગ્ય સારવાર ન મળ્યાનો આક્ષેપ

હળવદ : બે દિવસ પૂર્વે હળવદ તાલુકાના સુસવાવ ગામના પાટીયા પાસે લગ્ન પ્રસંગમાં હાજરી આપી વેગડવાવ પરત બાઈક લઈ જતા દંપતી અને તેમના ભત્રીજાને બોલેરો ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા કાકી અને ભત્રીજાને પ્રથમ હળવદ બાદ મોરબી અને ત્યાંથી રાજકોટ રીફર કરાયા બાદ સારવારમાં બન્નેએ દમ તોડી દેતા પરિવારજનોએ યોગ્ય સારવારના અભાવે મૃત્યુ નીપજ્યાનો આરોપ લગાવ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ગત સોમવારે ચાર વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અનિલભાઈ ચંદુભાઈ સુરેલા તેમના પત્ની જયાબેન અનિલભાઈ સુરેલા ઉ.27 અને ભત્રીજો હાર્દિક સંજયભાઈ ઉ.7 સુસવાવ ગામે લગ્ર પ્રસંગે હાજરી આપી પરત બાઈક લઈ વેગડવાવ જતા હતા એ વેળાએ માળીયા હાઈવે ઉપર સુસવાવ ગામના પાટીયા નજીક પુરપાટ ઝડપે આવતી બોલેરો કારના ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં બાઈકમાં સવાર સહિત ત્રણેયને ઈજા પહોચતા ૧૦૮ની મદદથી પ્રાથમિક સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ બાદ મોરબી અને ત્યાંથી રાજકોટ ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

- text

બીજી તરફ રાજકોટ સારવારમાં રહેલા કાકી જયાબેન અનિલભાઈ સુરેલા ઉ.27 અને ભત્રીજો હાર્દિક સંજયભાઈ ઉ.7નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ યોગ્ય સારવારના અભાવે બન્નેના મૃત્યુ નીપજ્યાનો આરોપ લગાવ્યો હતો. જો કે, અકસ્માત સર્જી બોલેરો કાર ચાલક નાસી છુટ્યો હોય પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text