પાણીમાં પણ ગોલમાલ ! માળીયાના અગરિયાઓને 15 દિવસે એક વખત ટેન્કર મારફતે આપતું પાણી

- text


દરરોજ 28 ટેન્કરના ફેરા કરીને પાણી પહોંચડાતું હોવાના તંત્રનો દાવો રિયાલિટી ચેકમાં પોકળ

અગરિયાઓને મીઠા અગરમાં કાળઝાળ ગરમી વચ્ચે પગમાં છાલા પડી ગયા હોવા છતાં બેડા પાણી માટે દૂર દૂર સુધી રઝળપાટ

મોરબી : માળીયા પંથકમાં દરિયા કાંઠે આવેલા મીઠાના અગર વિસ્તારમાં તંત્રના પાપે જળ ખરેખર મૃગજળ બન્યું છે. તંત્રનો દાવો છે કે નિયમિત અગર વિસ્તારમાં 28 ટેન્કરના ફેરા કરીને પાણી પહોંચડાવવા આવે છે. પણ સંદેશની ટીમે રિયાલિટી ચેક કરતા તંત્રના દાવાના ધજાગરા ઉડયા છે. 28 ટેન્કરની વાત તો બાજુએ રહી પણ નિયમિત એક ટેન્કર પણ મળતું નથી. છેક 15 દિવસે પાણીનું ટેન્કર મળે છે એમાં પણ વસ્તી મોટી હોવાથી આ અગરિયા પરિવારો પાણીની એક એક બુંદ માટે તરસવુ પડે છે.

માળીયાના છેવાડાના ગુલાબડી વાંઢ વિસ્તાર એટલે દરિયા કિનારે આવેલ મીઠાના અગર વિસ્તારમાં હાલ ઉનાળાની ધોમધખતા તાપ વચ્ચે અગરિયા પરિવારોને પાણી માટે કપરો સંઘર્ષ કરવો પડે છે. આ ગુલાબડી વાંઢ વિસ્તાર માળીયા નગરપાલિકામાં જ સમાવિષ્ટ છે. એટલે તંત્ર દાવો કરે છે કે, આ વિસ્તારમાં દરરોજ એક ટેન્કર પાણી પહોંચાડવામાં આવી છે. પણ હકીકતમાં તંત્રનો આ દાવામાં જરાય તથ્ય નથી, કડવી વાસ્તવિકતા એ છે કે, આ વિસ્તારમાં નિયમિતને બદલે છેક 15 દિવસે પાણીનું ટેન્કર મળે છે. એ પણ 650 અગરિયા લોકોની વચ્ચે 10 હજાર લીટર પાણી જ મળે છે. આ લોકોને પીવાનું પાણી જ મળે છે. નાવાહા અને કપડાં ધોવા માટે દરિયાના ખારા પાણીનો જ ઉપયોગ કરવો પડે છે.

મીઠાના અગરમાં 42-43 ડીગ્રી ધોમધખતા તાપ વચ્ચે મીઠું પકવવા માટે આગરિયાઓ રીતસર કાળી મજૂરી કરે છે. રણ વિસ્તારમાં સતત તાપ હોય મીઠાના અગરમાં ભરેલા પાણી ગરમ હોવાથી અગરિયાઓના પગમાં છાલા પડી ગયા છે. ઉપરથી પાણી ન મળતું હોવાથી આ લોકો 20 દિવસ કે મહિનો સુધી નાહિં શકતા નથી. રણ વિસ્તાર હોય એટલે 2-5 કિમિ સુધી મીઠું પાણી મળતું ન હોવાથી અને ઉપરથી વાહનોની સુવિધા ન હોવાથી ધોમખતા તાપમાં પગમાં પડી ગયેલા છાલા વચ્ચે પણ દૂર દૂર સુધી મીઠા પાણીની તલાશમાં આ લોકોને પગપાળા જ ભટકવું પડે છે. માળીયાના અગર વિસ્તારમાં પાણીનો ટાંકો આવેલો છે. જેમાંથી આ લોકો પાણી ભરતા હોય છે. પણ આ ટાંકો ખાલીખમ છે. ઉપરથી નિયમિત 28 ટેન્કરને બદલે છેક 15 દિવસે એક ટેન્કર પાણી મળતું હોવાથી આ લોકોની હાલત એકદમ નાજુક થઈ ગઈ છે. ત્યારે અગરિયાઓની આવી અપાર પીડા જાડી ચામડીના તંત્ર કે રાજનેતાને હચમચાવી શકશે ખરી ?

અગર વિસ્તારમાં શિક્ષણ નામે શૂન્ય

મીઠા અગર વિસ્તારમાં કોઈ પશુની જેમ આ અગરિયા પરિવારો જીવનનો ગુજારો કરે છે. પાણી, લાઈટ, સહિતની પ્રાથમિક સુવિધાઓનું કોઈ નામોનિશાન જ નથી. ઉપરાંત શિક્ષણ સુવિધાના નામે પણ શૂન્ય છે. આ વિસ્તારમાં તંત્ર દ્વારા એવું કહેવાય છે કે સર્વશિક્ષા અભિયાન હેઠળ એક વાન મોકલવામાં આવે છે. પણ હકીકતમાં આવું કઈ જ નથી. આ ઉપરાંત આરોગ્યની સુવિધા પણ નથી. અગરિયા પરિવારો.મીઠાની કાળી મજૂરી કરતા હોય તેમનું વારંવાર હેલ્થ ચેકિંગ અને આરોગ્ય કેમ્પ થવા જોઈએ. પણ આરોગ્યની સુવિધા પણ રામભરોસે જેવી છે.

તંત્રના ચોપડે આટલી જગ્યાએ ટેન્કર પહોંચડાઈ છે

તંત્રના ચોપડે કાગળ ઉપર માંળિયાંના તમામ રણ વિસ્તારમાં ટેન્કરથી નિયમિત પાણી પહોંચડાતું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જેમાં તંત્રના દાવા મુજબ માળીયાના જાજાસર રણ, વર્ષામેડી રણ, બગસરા રણ, વવાણીયા રણ, ભાવપર રણ, આકડીયા રણ 1 અને 2, ઘાટીલા રણ, ગુલાબડી રણ, વેણાસર રણ, ઢુંઇ રણ, કામસશાપીર રણ સહિતના 13 જેટલા અગર વિસ્તારમાં નિયમિત ટેન્કર પહોંચડાવવા આવે છે. પણ હકીકતમાં નિયમિત તો ઠીક એકાતરા પણ પાણીનું ટેન્કર મળતું નથી. એને બદલે 15 દિવસે ટેન્કર આવે છે. તો તંત્રએ બતાવ્યા એ ટેન્કર આખરે જાય છે ક્યાં ? તે મોટો વેધક સવાલ છે.

5750 અગરિયાની તરસ બુઝાવા નિયમિત 30 ટેન્કર દોડાવો

અગરિયા હિત રક્ષક મંચ દ્વારા પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યલાલક ઈજનેરને રજુઆત કરવામાં આવી હતી કે, માળીયા તાલુકાના રણ વિસ્તારમાં પાણી સમસ્યા હલ કરવા માટે પાણી ટેન્કર દોડાવવા માટે યોગ્ય કાર્યવાહી કરો. જેમાં માળીયાના દરિયા કિનારે આવેલ રણ વિસ્તારમાં ઘંટીલા, વેણાસર, હરિપર આકડીયા 1-2, વવાણિયા કાસમપીર, બગસરા,સંત રોહિદાસ મંડળી, ગુલાબડી, જાજાસર, ભાવપર, વર્ષામેડી, વર્ષામેડી ઢુંઇ સહિતના વિસ્તારોમાં 5750 અગરિયાઓના પીવાના પાણી માટે નિયમિત 30 ટેન્કર પાણીના ફેરા કરવાની જરૂરત છે અને આ પાણીના ટેન્કર ખરેખર લોકો સુધી.પહોંચે છે કે કેમ તેની રિયાલિટી ચેક કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

- text