ભારે કરી ! મામલતદાર અને નાયબ મામલતદારના પ્લોટ ઉપર જ દબાણ

- text


વાંકાનેરમાં સરકારી સોસાયટીમાં માથાભારે ઇસમે દબાણ કરી પ્લોટ ઉપર છાપરા નાખી ભંગારનો ડેલો બનાવ્યો : લેન્ડગ્રેબિંગ

વાંકાનેર : ખુલ્લો પડેલો પ્લોટ હોય કે ખેતની જમીન હોય માથાભારે ઈસમો રેઢી જમીન જોતા જ કબ્જો કરી લેતા હોય છે ત્યારે વાંકાનેર શહેરમાં સરકારે કર્મચારીઓને ફાળવેલી જમીન ઉપર પિતા -પુત્રોએ મળી કબ્જો જમાવી ભંગાર અને લીલોઘાસ ચારો વેચવાનું શરૂ કરી દેતા આ મામલે પ્લોટ મલિક એવા નિવૃત મામલતદાર અને નાયબ મામલતદારે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

પ્લોટ હડપ કરી જવાના પ્રથમ બનાવમાં વાંકાનેર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હષૅદકુમાર મણીલાલ પરમારના પિતાને જિલ્લા કલેકટર દ્વારા વાંકાનેરમાં ડો.દેલવાડીયાના દવાખાના નજીક રહેણાંક હેતુ માટે 200 ચોરસ વાર જમીન ફાળવી હતી જે જમીન ઉપર કાદરભાઈ અબુભાઈ કાસવાણી અને તેના પુત્ર શાહરૂખ કાદરભાઈ કાસવાણી રહે.બંન્ને વાંકાનેર ખડીપરા નવાપરા શેરી નંબર -૨ વાળાએ કબ્જો કરી લઈ ભંગાર નાખી ઘાસચારો વેચવાનું શરૂ કરી પ્લોટ ખાલી નહીં થાય તેવું જણાવતા હર્ષદભાઈ પરમારે લેન્ડગ્રેબિંગ એક્ટ અન્વયે પગલાં ભરવા અરજી કરતા પોલીસે બન્ને પિતાપુત્ર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધ્યો છે.

- text

જયારે બીજા કિસ્સામાં વાંકાનેરના નિવૃત મામલતદાર લલીતકુમાર જીવણભાઈ પુજારાની માલીકીનો 200 ચોરસવારનો સરકાર દ્વારા ફાળવવામાં આવેલ પ્લોટ કાદરભાઈ અબુભાઈ કાસવાણી રહે વાંકાનેર ખડીપરા નવાપરા શેરી નંબર -૨ વાળાએ પચાવી પાડી પ્લોટ ફરતે ફેન્સીગ વાળી ભંગાર નાખી પતરાનુ છાપરૂ કરી તેમજ ઘાસચારો વેચવાનુ છાપરૂ બનાવી નાખતા નિવૃત મામલતદાર લલીતકુમાર જીવણભાઈ પુજારાએ લેન્ડગ્રેબિંગ એક્ટ અન્વયે પગલાં ભરવા અરજી કરતા પોલીસે બન્ને પિતાપુત્ર વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધ્યો છે.

- text