હાશ ! મોરબીને સરકારી મેડિકલ કોલેજ જ મળે તે માટે સરકાર દ્વારા હિલચાલ શરૂ

- text


એકાદ બે દિવસમાં મોરબીને ફરીથી સરકારી મેડિકલ કોલેજની સતાવાર જાહેરાત થવાની શક્યતા

મોરબી : મોરબી જિલ્લાને ગુજરાત સરકાર દ્વારા ગ્રીન ફિલ્ડ એટલે કે સરકારી મેડિકલ કોલેજ ફાળવ્યા બાદ અચાનક બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ ફાળવવાના નિર્ણયમાં અંતે સરકાર દ્વારા ફરી મોરબીને ગ્રીન ફિલ્ડ જ એટલે કે સરકારી મેડિકલ કોલેજ ફાળવવા નિર્ણય કર્યો હોવાનું અને એકાદ બે દિવસમાં જ આ નિર્ણય અંગે સતાવાર જાહેરાત થવાની શક્યતા જોવાઇ રહી છે.

નવ રચિત મોરબી જિલ્લાને બે વર્ષ પૂર્વે રાજ્યના આરોગ્યમંત્રી દ્વારા વિધાનસભા ફ્લોર ઉપરથી સરકારી એટલે કે ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજ શરૂ કરવા જાહેરાત કરતા હાલમાં તમામ તૈયારીઓ વચ્ચે અચાનક જ ગુજરાત સરકારે મોરબીને બદલે તાપી જિલ્લાને ગ્રીન ફિલ્ડ એટલે કે સરકારી અને મોરબીને બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ એટલે કે ખાનગી મેડિકલ કોલેજ ફાળવવા જાહેરાત કરતા મોરબીમાં ભારે વિરોધ વંટોળ વચ્ચે ખુદ ભાજપ સંગઠન અને રાજયમંત્રી દ્વારા સરકારને રજુઆત કરી જૂની જાહેરાત મુજબ સરકારી મેડિકલ કોલેજ આપવા ભારપૂર્વક રજુઆત કરી હતી.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબીને સરકારી મેડિકલ કોલેજ મળે તે માટે કોંગ્રેસ દ્વારા સતત છ દિવસ સુધી મેરેથોન ધરણા કરવામાં આવી રહ્યા છે ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ સતત લેખિત મૌખિક રજુઆત કરવામાં આવી રહી હોય હાલમાં મોરબીની પ્રજામાં પણ જનઆંદોલન છેડવા માટે ની તૈયારીઓ શરૂ થતાં સરકારી તંત્ર વિમાસણમાં મુકાયું હોવાના સંકેતો મળી રહ્યા છે.

દરમિયાન મોરબીને સરકારી મેડિકલ કોલેજ મામલે કોંગ્રેસ, આપ અને ખુદ ભાજપ સંગઠનની રજુઆત જોતા હાલમાં ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા મોરબીના હિતમાં નિર્ણય કરી તાત્કાલિક અસરથી સરકારી મેડિકલ કોલેજ માટે પ્રયાસો શરૂ કર્યાનું અને ટૂંક સમયમાં જ મોરબીને સરકારી મેડિકલ કોલેજ મામલે સતાવાર જાહેરાત કરવામાં આવે તેવુ આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે.

- text