માળીયાના છેવાડાના ગામોમાં પાણીના પોકાર સાથે મહિલાઓનું બેડા સરઘસ

- text


પાણી પુરવઠાના કર્મચારીએ ઉપરથી પાણી આવતું ન હોવાનું જણાવી હાથ ઊંચા કરી દેતા ઉગ્ર આંદોલનની ચીમકી

મોરબી : મોરબી જિલ્લામાં વિકાસમાં સૌથી વધુ પછાત રહેલા માળીયા તાલુકાનાના છેવાડાના દરિયા કાંઠે આવેલ બોડકી અને કુતાસી ગામ છેલ્લા છ -છ મહિનાથી તરસ્યા છે. દિવાળીથી આ બન્ને ગામોમાં પાણી સમ ખાવા પૂરતું ય પણ ન આવતા અને હાલ કાળઝાળ ઉનાળામાં પાણી સમસ્યા ઘેરી બનતા મહિલાઓ વિફરી હતી અને રોષિત મહિલાઓના ટોળાએ પાણી આપોના પોકાર સાથે હાથમાં બેડા લઈને બેડા સરઘસ કાઢ્યું હતું.

બોડકી અને કુતાસી ગામના લોકોના જણાવ્યા મુજબ છ મહિનાથી પાણીની સમસ્યા વિકટ બની છે.જો કે મહિનામાં એકાદ બે વખત પાણી આવે છે.આ ગામોમાં પીપળીયા ચાર રસ્તા તરફની પાણીની લાઈનમાંથી પાણી આવે છે. ગામના સરપંચ વિપુલભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, પીપળીયા ચાર રસ્તા પાસેની પાણીની લાઈનમાં હવે કનેક્શન વધી ગયા હોવાથી પાણી તેમના ગામોમાં પહોંચતુ નથી. કયારેક-ક્યારેક સાવ ધીમું પાણી આવે છે. આ પાણી પ્રશ્ને સાંસદ, રાજયમંત્રી તેમજ તંત્રને અનેકવાર રજુઆત કરી છે. જેથી બોડકી-કુતાસીના હજનાલી સંપમાં લાઈન નાખવામાં આવી છે. પરંતુ એક ગામના લોકોએ વિરોધ કરતા આ પાણીની લાઈન હજુ ચાલુ કરાઈ નથી. જો આ લાઈન ચાલુ કરાઈ તો બન્ને ગામોનો પાણી પ્રશ્ન હલ થઈ જાય એમ છે.

છ-છ મહિનાથી પાણી આવતું ન હોય લોકોને કુવામાંથી વાપરવા માટે અને પીવા માટે જ્યાં ત્યાંથી વેચાતું પાણી લેવું પડે છે. આ દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગનો શ્રમિક વર્ગ જ રહે છે.તેથી આ શ્રમિક વર્ગને વેચાતું પાણી કોઈ કાળે પરવડે તેમ નથી. આથી રોજ રોજની પાણીની હાડમારીથી કંટાળી ગયેલી મહિલાઓ એકઠી થઈને બેડા સાથે પાણી આપોના પોકાર કરીને ભારે રોષ સાથે બેડા સરઘસ કાઢ્યું હતું. આ મહિલાઓએ બેડા સરઘસ કાઢી પાણી પુરવઠાના કર્મચારીને ઉગ્ર રજુઆત કરી હતી. સામે પાણી પુરવઠાના કર્મચારીએ ઉપરથી પાણી આવતું ન હોય અમેં પાણી પહોંચાડી શકતા ન હોવાનું જણાવી હાથ ઊંચા કરી દેતા લોકો રોષે ભરાયા હતા અને હવે આગામી સમયમાં પાણી પ્રશ્ને કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે જઈને રજુઆત કરવાનું સરપંચે જણાવ્યું હતું.

- text

- text