વર્ષે 250 કરોડના ટર્ન ઓવર સાથે ભારત સહીત આઠ દેશોના બાથરૂમમાં છવાયું મોરબી

- text


મોરબીમાં સિરામીક બાદ બાથવેર ઉદ્યોગે કાઠું કાઢ્યું : 15 ફેકટરીઓમાં વર્લ્ડ ક્લાસ નળ, સાવર અને બાથ એસેસરીઝનું ઉત્પાદન

મોરબી : સમગ્ર વિશ્વમાં બીજા નંબરનું સ્થાન હાંસલ કરનાર મોરબીના સિરામીક ઉદ્યોગ સાથે હવે બાથવેર એટલે કે ફોસેટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મોરબીએ ખુબ જ ટૂંકા સમયમાં પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરી દઈ માત્ર ભારત જ નહીં પરંતુ મિડલ ઇસ્ટ, યુરોપ નેપાળ અને શ્રીલંકા સહિતના આઠ દેશોના બાથરૂમમાં પોતાની પ્રોડક્ટ પહોંચાડી અંદાજે 200થી 250 કરોડનું ટર્ન ઓવર કરવાંનુ શરૂ કર્યું છે.

તળિયા, નળીયા અને ઘડિયાળ ઉદ્યોગ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ મોરબીના ચેલેન્જિંગ ઉદ્યોગપતિઓએ હવે ફોસેટ મેન્યુફેક્ચરિંગ એટલે કે બાથવેર ઉત્પાદનમાં ખુબ જ નોંધનીય પ્રગતિના શિખરોસર કર્યા છે. મોરબીનો સીરામીક અને સેનેટરીવેર ઉદ્યોગ હાલમાં સમગ્ર વિશ્વમાં પોતાની પ્રોડક્ટ વિશ્વશનીયતા પૂર્વક છવાયો છે ત્યારે સેનેટરીવેર્સ ઉત્પાદનને સલંગ્ન બાથવેર અને બાથફિટિંગ ઉદ્યોગ પણ મોરબીમાં કેમ ન વિકસે તે સવાલનો ઉદ્યોગકારોએ જવાબ આપી આધુનિક મશીનરી અને ટેક્નોલોજીના ઉપયોગ થકી 600થી 700 પ્રકારની બાથવેર આઇટમો મોરબીમાં ઉત્પાદન શરૂ કર્યાની સાથે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં છવાઈ ગયા છે.

મોરબી ફોસેટ મેન્યુફેક્ચરર એસોસીએશનના પ્રમુખ યુવરાજસિંહ જાડેજા ઉમેરે છે કે બ્રાસ અને મેટલની બાથવેર પ્રોડક્ટ માટે રાજકોટ અને જામનગરનું વાતાવરણ યોગ્ય હોય આ ઉદ્યોગ વધુ પડતો રાજકોટ – જામનગરમાં જ વિકસ્યો હતો પરંતુ આધુનિક ટેક્નોલોજીના પરિણામ સ્વરૂપ બ્રાસ ફાઉન્ડ્રી માટે યોગ્ય વિકલ્પ મળી જતા આજે મોરબીમાં 15 જેટલા બાથવેર મેન્યુફેક્ચર એકમો ધમધમી રહ્યા છે અને એક એક એકમ પાસે 500થી 600 પ્રકારની વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ છે.

વધુમાં હાલમાં મોરબીમાં એકયુરા બાથવેર ઇન્ડિયા એલએલપી, અમોર ઇન્ડસ્ટ્રીઝ, અફેર બાથવેર, એરિકા ફોસેટ, કેડીઝ બાથ, કોટો બાથવેર એલએલપી, યુરોપા બાથવેર, મહાવીર મેટલ ઇન્ડસ્ટ્રીઝ, મેટલીંક ઇન્ડસ્ટ્રીઝ, મેટા ટેક ઇન્ડસ્ટ્રીઝ, મોટો બાથવેર, શિવાલિક બાથવેર, શ્રીનાથજી બાથવેર, રવિ મેટલ અને ઉમા મેટલ નામની બાથવેર કંપનીઓ અવનવા ડિઝાઈનર ટેપ,સાવર, બાથરૂમ મિક્સચર, થર્મોસ્ટેટ ડાયવર્ટર ઉપરાંત સંપૂર્ણ બાથવેર ફિટિંગ સોલ્યુશન પ્રોવાઈડ કરી રહી છે.

વધુમાં મોરબી ફોસેટ મેન્યુફેક્ચરર એસોસીએશનના પ્રમુખ યુવરાજસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, મોરબીમાં આવેલ 15 બાથવેર ઇન્ડસ્ટ્રીઝ હાલમાં ડોમેસ્ટિક માર્કેટમાં પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી રહી છે અને ખાસ કરીને મોરબીના ઉત્પાદકો આફ્ટર સેલ્સ સર્વિસ માટે મજબૂત નેટવર્ક ગોઠવ્યું હોવાથી ભારતીય બજાર ઉપરાંત ફોરેનમાં પણ મોરબીના ઉત્પાદનો છવાયા છે. હાલમાં મોરબીના બાથવેર ફિટિંગ મિડલ ઇસ્ટ, રોમાનિયા, યુરોપ, તાન્ઝાનિયા,શ્રીલંકા અને નેપાળ સહિતના દેશમાં પણ બાથવેર સપ્લાય કરી રહ્યા છે અને અંદાજે 200થી 250 કારોડનું આ ઉદ્યોગ ટર્ન ઓવર ધરાવતો હોવાનું તેમને ઉમેર્યું હતું.

દરમિયાન મોર્ડન બાથવેરના ઉત્પાદક ભરતભાઈ પટેલે ઉમેર્યું હતું કે, મોરબીના બાથવેર ઉત્પાદનો નામાંકિત ગણાતી કંપનીઓને રીતસર હંફાવી રહ્યા છે. ખાસ કરીને ટેપ અને સાવરમાં અનેકવિધ વેરાયટીઓ ગ્રાહકોને પસંદ આવી રહી હોય મેક ઈન મોરબી પ્રોડક્ટ માર્કેટમાં છવાઈ ગઈ છે. હાલમાં મોરબીમાં 200 રૂપિયાથી લઈ 2000 રૂપિયા સુધીના બાથવેર પ્રોડકટ ઉપલબ્ધ હોવાનું તેમને ઉમેર્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે અન્ય ઉદ્યોગની જેમ મોરબીના બાથવેર ઉદ્યોગમાં ઉત્પાદકો વચ્ચે કોઈ ગળાકાપ હરીફાઈ નથી ઉલટું ઉદ્યોગકારો એકબીજાને મદદરૂપ થઇ ટેક્નોલોજીથી લઈ પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગમાં પણ એકમેકને સહયોગ આપે છે અને હાલમાં મોરબી, રાજકોટ અને જામનગરના બાથવેર ઉદ્યોગકારો એક સંયુક્ત સંગઠન સાથે જોડાયેલ હોવાનું એકયુરા બાથવેર ઇન્ડિયા એલએલપીના યુવરાજસિંહ જાડેજાએ અંતમાં જણાવ્યું હતું.

 

- text