પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ગાયોનું રક્ષણ અને પોષણ થશે : મુખ્યમંત્રી

- text


મોરબીના ભરતનગર-બેલા ખાતે આયોજિત ગો મહિમા સત્સંગ સભાને માર્મિક સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

આપણું લક્ષ્ય આત્મ નિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારત બનાવવાનું છે : ગાય આધારિત ખેતી થકી આત્મ નિર્ભર ગુજરાતનું સ્વપ્ન સાકાર કરાશે

મોરબી : મોરબીના ભરતનગર-બેલા ખાતે ખોખરા હરિહર ધામ ખાતે આયોજિત મહામંડલેશ્વરી શ્રી ૧૦૦૮ પૂ. કનકેશ્વરી દેવીજીના વ્યાસાશન ચાલી રહેલ શ્રીરામ કથાના પાવન પ્રસંગે આયોજિત ગો મહિમા સત્સંગ સભાને સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગાયના મહાત્મય અંગે જણાવતા કહ્યું કે, ગાય માતા માટેના તમામ કાર્યો એ પ્રાથમિકતા છે. પ્રાકૃતિક ખેતી થકી ગાયોનું સંવર્ધન, રક્ષણ અને પોષણ થઇ રહ્યું છે. પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર ગાય છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેની મુહીમ ચલાવવામાં આવી રહી છે તેમાં સમગ્ર ગુજરાત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટેની સવિશેષ પ્રયાસો ચાલી રહ્યા હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવી રાસાયણીક ખાતર અને રાસાયણીક દવાઓના છંટકાવ યુક્ત અનાજમાંથી નવી પેઢીને મુક્ત કરવાનો સંકલ્પ સૌ સાથે મળીને કરીએ તેવી આશા વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્રપભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આપણો દેશ આઝાદ થયો તેને ૭૫ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આપણે દેશ માટે મરવાનું સૌભાગ્ય નથી મળ્યું પરંતુ આપણે દેશ માટે જીવવાનો સમય આવ્યો છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવાની હાકલ કરી છે. આપણું લક્ષ્ય આત્મ નિર્ભર ગુજરાતથી આત્મ નિર્ભર ભારત બનાવવાનું છે.

શ્રીરામ કથાના પાવન પ્રંસગે આયોજિત ગો મહિમા સત્સંગ સભામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધન કરતાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રીરામ અને શ્રી હનુમાન વચ્ચેનો ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ અનન્ય છે. પ્રભુ શ્રીરામ ભારતીય આધ્યાત્મિક દર્શનના મેરુ પર્વત સમાન છે તો હનુમાનજી મહારાજ ભક્તો માટે ધ્રુવ તારા સમાન સ્થાન ધરાવે છે. હનુમાનજી મહારાજે માતૃશક્તિની સેવામાં વિરાટરૂપ ધારણ કરી લંકા જલાવી હતી ત્યારે આ ૧૦૮ ફૂટ ઊંચી આ પ્રતિમા હનુમાનજીના પરાક્રમનું પ્રતિક છે.

કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીએ શ્રીરામ કથાના વ્યાસાશન પર બિરાજીત પોથીની આરતી અને પૂજન કર્યું હતું. મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં શહિદવીર પરિવારજનોને ૧-૧ લાખ રૂપિયાની સહાય નિધિના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રીએ બજેટમાં ગૌશાળાના નિભાવ માટે રૂપિયા ૬૦૦ કરોડની જાહેરાત કરતાં ગૌશાળા સંચાલકો, ગૌભક્તો તેમજ પાંજરાપોળ સંચાલકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

ગો મહિમા સત્સંગ સભામાં નીજાનંદ સ્વામી મહારાજ, ચૈતન્ય શંભુ મહારાજ તથા અન્ય સંતો મહંતો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા. આ સભામાં રામકૃષ્ણાનંદજી મહારાજ, ગૌઋષિ દત્તશરણાનંદજી મહારાજ, મહંતશ્રી મુક્તાનંદજી બાપુ, કનીરામદાસ બાપુ, હરિહરાનંદભારતીજી મહારાજ, શેરનાથજી બાપુ, શ્રદ્ધાનંદજી મહારાજ સહિત મોટી સંખ્યામાં સંતો, મહંતો સમગ્ર ગુજરાતમાંથી ગૌશાળા, પાંજરાપોળના સંચાલકો, ગૌભક્તો તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજ્યના ઉદ્યોગમંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય લલીતભાઇ કગથરા, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશવિજયવર્ગીય, રાષ્ટ્રીય કામધેન આયોગના ચેરમેન વલ્લભભાઇ કથીરિયા, પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, બાવનજીભાઇ મેતલીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્‍લા કલેકટર જે.બી. પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, અગ્રણી અજયભાઇ લોરીયા, રાધવજીભાઇ ગડારા, મગનભાઇ વડાવીયા વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

- text

- text