મોરબીની સરકારી મેડિકલ કોલેજ છીનવાઈ જવા મામલે કોંગ્રેસ મેદાને

- text


મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ આવેદન પાઠવી મોરબીને સરકારી મેડિકલ કોલેજ ફાળવવા માંગ

મોરબી : મોરબી જિલ્લાને સરકારી મેડીકલ કોલેજ ફાળવવામાં આવ્યા બાદ અચાનક જ મોરબી જીલ્લાની મંજુર થયેલ સરકારી મેડીકલ કોલેજ રદ કરી તાપી જીલ્લામાં ફાળવી દઇ મોરબીમાં આરોગ્ય સેવાનું ખાનગી કરણ કરી ખાનગી સંસ્થાને મેડિકલ કોલેજ આપવા નિર્ણય કરાતા આ હળહળતા અન્યાય મુદ્દે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ મેદાને આવી છે અને આજે મોરબી આવેલા મુખ્યમંત્રીને રજૂઆત કરી સરકારી કોલેજ ફાળવવા માંગ દોહરાવી હતી.

મોરબી જીલ્લાની પ્રજાની સુખાકારી માટે ગુજરાત સરકારના પુર્વ આરોગ્ય મંત્રી નીતીનભાઈ પટેલ દ્વારા વિધાનસભાના ફલોર પરથી મોરબી જીલ્લામાં મોરબીમાં સરકારી મેડીકલ કોલેજ સ્થાપવાની જાહેરાત કરેલ હતી.આ જાહેરાતથી મોરબી જીલ્લાની પ્રજામાં આનંદની લાગણી જોવા મળેલ હતી.પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા ઠરાવ કરી મોરબી જીલ્લાની મંજુર થયેલ સરકારી મેડીકલ કોલેજ રદ કરી તાપી જીલ્લામાં ફાળવી દેવામાં આવી છે જે મોરબીની પ્રજા માટે અન્યાય કરતો નિર્ણય હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.

- text

વધુમાં કોંગ્રેસ દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરતા જણાવ્યું હતું કે મેડીકલ કોલેજ માટે શક્ત શનાળા રોડની કિંમતી જમીન ફાળવવા પણ નિર્ણય થઈ ચૂક્યો છે ત્યારે શા માટે ખાનગી સંસ્થાને મેડીકલ કોલેજ બનાવવા મંજુરી આપવામાં આવી રહી છે. મોરબી જીલ્લાની પ્રજા સાથે હળહળતો અન્યાય થઈ રહ્યો છે.ત્યારે મોરબી જીલ્લાની પ્રજાની લાગણી અને માંગણીને ધ્યાને રાખી હાલનો ઠરાવ તાકીદે રદ કરી મોરબી જીલ્લાને સરકારી મેડીકલ કોલેજ ફાળવવામાં આવે તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યંતિલાલભાઈ પટેલે અંતમાં દોહરાવી હતી.

- text