મોજીલું મોરબી.. મોજીલો મેળો ! રફાળેશ્વર મંદિરે મેળામાં હૈયે-હૈયું દળાઈ તેવી જનમેદની

- text


કોરોના કાળના 2 વર્ષ બાદ પ્રથમ વખત મેળો ભરાતા લોકોમાં અદમ્ય ઉત્સાહ, મોટી સંખ્યામાં લોકોએ ભગવાન ભોળાનાથના દર્શન કરી મેળાને મનભરીને માણ્યો

મોરબી : કોરોના કાળના બે વર્ષ બાદ હવે લાઈફ એકદમ નોર્મલ બની જતા તમામ ધાર્મિક ઉત્સવો અગાઉની જેમ જ રંગેચંગે ઉજવાય રહ્યા છે. જેમાં ખાસ કરીને ભગવાન ભોળીયાનાથની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રીમાં સરકારે પરંપરાગત શિવમેળાની છુંટ આપતા મોજીલા મોરબીના લોકોએ મન ભરીને મેળાની મોજ માણી હતી.મોરબીના રફાળેશ્વર મંદિર ખાતે કોરોના કાળના બે વર્ષ બાદ શિવરાત્રીને મેળો ભરાતા મેળામાં પગ મુકવાની જગ્યા બચી ન હોય તે હદે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.

મોરબી નજીક આવેલા પોરોણીક રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોની પરંપરા મુજબ કોરોના કાળના બે વર્ષ બાદ આજે મહાશિવરાત્રીના પાવન પર્વ ઉપર મેળો ભરાયો હતો. જો કે મોરબી નજીક આવેલું આ ભગવાન ભોળાનાથનું તીર્થધામ સૌથી મોટું હોય લોકોને ભારે શ્રદ્ધા હોવાથી આજે મહાશિવરાત્રીના મેળામાં મોરબી, વાંકાનેર પંથક ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

- text

જ્યારે મહાશિવરાત્રી નિમિતે રફાળેશ્વર મંદિરે આજે સવારે બાવન ગજની ધજા ચડાવીને ફરકાવામાં આવી હતી. તેમજ ભગવાન ભોળાનાથની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મહાશિવરાત્રીની આગલી રાત્રે એટલે ગઈકાલે રાત્રે ભજનની રાવટીઓ રાતભર ધમધમી હતી અને ભગવાન ભોળાનાથની ભક્તિના મહિમાગાન કરતા પ્રાચીન ભજનોની રમઝટ જામી હતી ત્યારે આજે રફાળેશ્વર મંદિરે શિવરાત્રીનો મેળો ભરાતા હૈયે-હૈયું દળાઈ તેટલી જનમેદની ઉમટી પડી હતી અને મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડી ભગવાન શિવની પૂજા અર્ચના કરીને મેળાની મનભરીને મોજ માણી હતી.

- text