વાંકાનેરમાં ઊંધા ધારીયા વડે હુમલો કરનાર આરોપીને બે વર્ષની કેદ : 10 હજારનો દંડ

- text


 

ચંદ્રપુરની સીમમાં ખેતરમાં કુદરતી હાજતે જવા નો આરોપ લગાવી આરોપીએ કર્યો હતો હુમલો

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુરની સીમમાં ખેતરમાં કુદરતી હાજતે જવા નો આરોપ લગાવી વાડી માલિકે કરેલા હુમલા અંગેના કેસમાં નામદાર વાંકાનેર કોર્ટે આરોપીને બે વર્ષની કેદ અને રૂપિયા 10 હજારનો દંડ ફટકારી ફરિયાદીને વળતર પેટે રૂપિયા 7500ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો વાંકાનેરના ચંદ્રપુરની સીમમાં વર્ષ 2012માં યુનુસભાઇના પોલ્ટ્રી ફામમાં નોકરી કરતા મામદહુસેન હસનભાઈ ચૌધરીને પોલ્ટ્રી ફાર્મની બાજુમાં ખેતર ધરાવતા આહમદભાઇ અલીભાઇ શેરસીયાએ તમે અમારા ખેતરમાં વાવેલ જુવારમાં કેમ કુદરતી હાજતે જાવ છો તેમ કહી ભૂંડા બોલી ગાળો બોલતાં, ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઇ જઇ તેમના હાથમાં રહેલ લોખંડના હાથાવાળા ધારીયાની બુધરાટી (ઉંધા ધારીયા)નો ઘા ફરિયાદીને જમણા પગમાં ઢીંચણ નીચે નળાના ભાગે મારી દેતાં ફરિયાદી ત્યાંના ત્યાં ઢળી પડેલ અને લોહી નીકળતાં ફરિયાદીનો દીકરો અનવર હાજર હોય તેને શેઠ યુનુસભાઇને ફોન કરી બોલાવતાં, યુનુસભાઇ બનાવ સ્થળે આવતાં ફરિયાદીને વાંકાનેર સરકારી દવાખાને સારવાર માટે લઇ ગયેલ. જયાં પ્રાથમીક સારવાર લીધા બાદ વધુ સારવાર ડો.દેલવાડીયાના દવાખાને લીધેલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ મંગલમ હોસ્પીટલમાં સારવાર સારૂ લઇ જતાં ત્યાં ફરિયાદીના પગનું ઓપરેશન કરવુ પડ્યું હતું.

- text

આ બાબતે નોંધાયેલ પોલીસ ફરિયાદ બાદ નામદાર કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદપક્ષ અને બચાવ પક્ષ દ્વારા સામસામી દલીલો ધ્યાને લઇ નામદાર અદાલતે આરોપી આહમદભાઇ અલીભાઇ શેરસીયા, રહે.અમાની દરગાહ પાછળ, ચંદ્રપુર, તા.વાંકાનેર વાળાને ક્રિ.પ્રો.કોડની કલમ ૨૪૮(૨) અન્વયે તેની સામેના ઇ.પી.કો. કલમ ૩૨૫ મુજબના સજાને પાત્ર ગુના માટે બે વર્ષની સાદી કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦|– (અંકે રૂપિયા દસ હજાર પુરા) દંડ ભરવાનો હુકમ ફરમાવ્યો છે.

વધુમાં જો આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવે તેવો હુકમ પણ ફરમાવવામાં આવે છે. ઉપરાંત આરોપી પાસેથી દંડની રકમ વસુલ થાય તેમાંથી રૂા.૭,૫૦૦ પુરા અપીલ સમય વિત્યે આ કામના ભોગ બનનાર ફરિયાદીને વળતર પેટે ચુકવી આપવા પણ હુકમ કરાયો છે.આ કેસમાં ફરિયાદ પક્ષે એપીપી એ.એન.પટેલ રોકાયા હતા.

- text