લગ્ન માટે ફોટોગ્રાફી કે ફોટોગ્રાફી માટે લગ્ન ! પ્રસંગોમાં વિધિઓને બદલે ફોટોગ્રાફીનું વધતું મહત્વ

- text


લગ્ન કે અન્ય કોઈ પ્રસંગો માણવાની જગ્યાએ લોકો અને ખાસ કરીને યુવાનોમાં મોબાઈલમાં ફોટા, સેલ્ફી અને રિલ બનાવવા માટે વધુ વ્યસ્ત જોવા મળે છે!

મોરબી : હમણાં લગ્નની સિઝન ચાલી રહી છે. મોટાભાગના લોકોને કોઈને કોઈ અંગતના લગ્નમાં જવાનું થયું હશે. અને લગ્નની તમામ વિધિઓમાં હાજર રહેવાનો અવસર મળ્યો હશે. અને દરેકે નોંધ કરી હશે કે લગ્નના દરેક પ્રસંગ માટે અલગ પહેરવેશની સાથે તે પહેરવેશ અને લગ્નની દરેક વિધિઓની ફોટોગ્રાફીનું મહત્વ ખૂબ જ વધી ગયું છે અને આ વિધિની સાથે પોતાના સોશિયલ મીડિયામાં સ્ટેટ્સ અપડેટ માટે ફોટોગ્રાફીનો ક્રેઝ હદબાર વધ્યો છે.તે જોતા લાગે છે કે લોકોને લગ્નપ્રસંગ કે અન્ય શુભપ્રસંગ માણવાને બદલે સેલ્ફીસ થવાની ઘેલચ્છા વધી છે.

ફોટોગ્રાફીનું મહત્વ એટલું બધું વધુ જોવામાં મળે છે કે લગ્નમાં આવતા વિવિધ પ્રસંગોની વિધિઓ પરંપરા રીતે પૂર્ણ કરવા કે લગ્ન પ્રસંગને માણવાની જગ્યાએ લોકો ફોટોગ્રાફર પાસે ફોટો પડાવવામાં કે પોતાના મોબાઈલમાં સેલ્ફી, ફોટા અને રિલ્સ ઉતારવામાં જ વ્યસ્ત જોવા મળે છે. અરે ક્યારેક તો વિધિ અટકાવીને પહેલા ફોટોગ્રાફીને મહત્વ અપાય છે. વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને રિલ્સની ઘેલછા લગ્નપ્રસંગોમાં ખાસ નજરે ચડે છે. ત્યારે સવાલ થાય છે કે લગ્ન પ્રસંગની ફોટોગ્રાફી કરાય છે કે ફોટોગ્રાફી માટે લગ્ન કરવામાં આવ્યા છે !

હાલમાં લગ્નની સીઝન ધૂમ મચાવી રહી છે. વસંતપંચમીના શુભ મુહૂર્ત બાદ અનેક લગ્નના મુહૂર્ત અનુસાર લગ્ન પ્રસંગ ધામધૂમથી યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ઉડીને આંખે વળગે તેવી બાબત હોય તો એ છે કે ફોટોગ્રાફી ! યુગલોના લગ્ન નક્કી થાય ત્યારે ગોળધાણાના પ્રસંગથી શરુ કરીને કંકુપગલાં, સગાઇ, સાંજી, મહેંદી રસમ, સંગીતસંધ્યા, માંડવારોપણ, હલ્દી રસમ અને વરઘોડો, હસ્તમેળાપ બાદ પણ રિસેપશન સુધી ફોટોગ્રાફીનો સિલસિલો ચાલે છે. અને હા, લગ્નપ્રસંગ પહેલા પ્રિવેડિંગ ફોટોશૂટ અને પ્રિવેડિંગ વિડિઓગ્રાફી તો હોય જ! ત્યારબાદ બેબીશોવર (સીમંત) અને બેબીશૂટ તો અલગ જ !

હવે તો લગ્નના દરેક પ્રસંગ વિવિધ થીમ સાથે કે ડેસ્ટિનેશન વેડિંગ યોજવામાં આવે છે. તેથી, આવા લગ્નપ્રસંગોમાં ફોટોગ્રાફી કરવાની મજા કંઈક ઓર હોય તેમ ફોટોગ્રાફીના શોખથી મોટેરાંઓ પણ બાકાત નથી! તો યંગ જનરેશનમાં સ્લો મોશન વિડિઓ કે રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનો ક્રેઝ જોવા મળે છે. આથી, કોઈવાર લગ્નસ્થળ પાર્ટી પ્લોટ કે હોલમાં એન્ટર નજીક સેલ્ફી પોઇન્ટ પણ રાખવામાં આવે છે. જ્યાં કલરફુલ ડેકોરેશન અને લાઇટિંગ કરવામાં આવે છે. જેના લીધે મોબાઈલમાં કરેલું ફોટોશૂટ કે વિડિઓશૂટમાં રોનક દેખાય છે. આમ, વેડિંગ દરમિયાન ફોટોગ્રાફી અને વિડિઓગ્રાફી વર-વધૂ પૂરતા સીમિત ન રહેતા મહેમાનો માટે પણ સ્પેશ્યિલ અરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત સામાન્ય લગ્ન હોય તો પણ તેમાં પરંપરાગત ફોટોગ્રાફીની જગ્યાએ પ્રસંગમાં હાજર પરિવારજનો અને મહેમાનોમાં અને ખાસ કરીને યુવા વર્ગમાં મોબાઈલમાં સેલ્ફી, ફોટા અને વિડિઓ બનાવવામાં જ વ્યસ્ત જોવા મળે છે. અગાવના સમયમાં લગ્નના દરેક પ્રસંગોમાં હાજર લોકો ઉત્સાહપૂર્વક જોડાતા અને લગ્નનો આનંદ માણતા પરંતુ હાલમાં મોટાભાગના લગ્નોમાં મંડપ મુહૂર્ત હોય કે મેહદી હોય કે મામેરુ કે પછી દાંડિયા, જાન, લગ્નવિધિ સહિત દરેક પ્રસંગ જાણે લોકો મોબાઈલમાં સેલ્ફી અને વિડિઓ બનાવવા માટે જ આવ્યા હોય તેવો ઘાટ જોવા મળે છે.

જોકે લગ્ન પ્રસંગોમાં ફોટોગ્રાફીનું વધતા મહત્વ પાછળ ખાસ કરીને વોટ્સએપ સ્ટેટ્સ અને ફેસબુક – ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને રિલ્સ વધતી જતી લોકપ્રિયતા કારણભૂત છે. હવે દરેક મોબાઈલમાં સારા કેમરા હોવાથી લોકો પ્રસંગો માણવાની જગ્યાએ તેમના ફોટો-વિડિઓ લેવાની વધતી જતી ઘેલછા જોતા સવાલ થાય છે કે લગ્ન પ્રસંગની ફોટોગ્રાફી કરાય છે કે ફોટોગ્રાફી માટે લગ્ન પ્રસંગ યોજાય છે તે જ નક્કી થતું નથી.

- text

ફોટોગ્રાફીના લીધે તો લગ્નમાં ગોરપદું કરવાનું છોડી દીધું : જીજ્ઞેશભાઈ શાસ્ત્રી

મોરબીના જ્યોતિષ જીજ્ઞેશભાઈ શાસ્ત્રી ફોટોગ્રાફીના લીધે લગ્નમાં ગોરપદું છોડી દીધું હોવાનું હળવાશમાં જણાવી કહે છે કે પરિવારજનો લગ્નનું મુહૂર્ત કઢાવવા આવે ત્યારે ચોખ્ખું મુહૂર્ત કઢાવે છે. પરંતુ મુહૂર્તના સમયે કોઈ વિધિ નથી થતી. તેથી, મુહૂર્તનું મહત્વ રહેતું નથી. ઉપરાંત, વિધિ દરમિયાન યજમાનનું ધ્યાન વિધિના બદલે ફોટોગ્રાફીમાં વધુ હોવાથી શાસ્ત્રોક્ત વિધિવિધાનનું અપમાન થાય છે. જેથી, દેવદોષમાં પડીએ છીએ. આ સાથે વિડિઓ શૂટિંગના લીધે લગ્નની કોઈપણ વિધિ જરૂરિયાત કરતા વધુ સમય લે છે, જે ક્યારેક યજમાન પરિવાર માટે કંટાળાજનક બની રહે છે.

યુવાનોની ફોટોગ્રાફીની ઈચ્છા અને ગોર મહારાજને વિધિની ઉતાવળ હોય ત્યારે વડીલોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી : નાથાભાઈ સવાડીયા

તાજેતરમાં યોજાયેલા લગ્નપ્રસંગના વરરાજાના દાદા નાથાભાઈ સવાડીયા જણાવે છે કે ફોટોગ્રાફી માટે અલગ-અલગ પોઝ આપવા પડે, જેના લીધે પ્રસંગ મોડા પૂરા થાય છે. યુવાનોની ફોટોગ્રાફીની ઈચ્છા પૂરી કરવી હોય અને ગોર મહારાજને વિધિ પૂરી કરવાની ઉતાવળ હોય એવા સમયે વડીલોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થાય છે. ત્યારે યુગલ, યુવાનો અને ગોર મહારાજ દરેકની ઈચ્છા પૂર્ણ થાય તેવું આયોજન કરવું જરૂરી બન્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text