સંભારણું : દેશ આઝાદ થયા બાદ 17 વર્ષે ટંકારામાં ઘેર-ઘેર વીજળી ઝગમગી

- text


ઈ.સ. 1945માં ટંકારામાં જનરેટર આવ્યું હતું : રાજમહેલમાં પવનચક્કીથી અજવાળા પથરાતા : સુધરાઈના શાસનમાં ટંકારાની બજારોમાં સાંજે વાલાબાપા તેલ પૂરી ઠેકઠેકાણે દીવો જલાવતા

ટંકારા : દેશ આઝાદ થયા બાદ 17 વર્ષના સમયગાળે ટંકારામાં ઘેર-ઘેર વીજળી ઝળહળી હતી, જો કે એ પહેલા ટંકારામાં વર્ષ 1945 જનરેટરનું આગમન થયું હતું અને અહીંના ભવ્ય રાજમહેલમાં પવનચક્કીથી અજવાળા પથરાતા હતા.

ટંકારામાં રવિવારે મોડી સાંજે વીજળી વેરણ થયા બાદ મોરબી અપડેટના પત્રકાર જયેશભાઇ ભટાસણાએ વયોવૃદ્ધ મિત્ર જગુભાઈ સાથે આજથી પચાસ વર્ષ પહેલાં ટંકારામાં બાપદાદા-વડીલો કેવી રીતે રહેતા અને એની દિનચર્યા શું હતી તે વિષે સવાલો કરતા જગુભાઈએ રસપ્રદ વાતો કરી જણાવ્યું હતું કે, અગાઉના વડીલો પ્રકૃતિનો ખોળો ખૂંદી જીવન પસાર કરતા હતા. ન હતા ટીવી કે ફોન. હા, પાવરથી ચાલતા રેડિયો જરૂર હતા. સુર્યનારાયણના ક્રમ પ્રમાણે ચાલતા રોજીંદા કામમાં ફાનસ, દીવો, પેટ્રોમસે અનેકના જીવનમાં અજવાળું પાથરી દીધું હતું.

વીજળી કરણ પહેલા રાત્રે બજારની સ્થિતિ શુ હશે? તેવા સવાલ સ્વાભાવિક રીતે જ લોકોને મનમાં થતા હોય છે. જ્યારે લાઈટ ન હતી અને થાંભલા પણ ન હતા ત્યારે સુધરાઈ એટલે કે પંચાયત અમલ પહેલાના શાસનમાં ટંકારાની બજારોમાં ચોક્કસ નક્કી કરેલ જગ્યા ઉપર દીવા પ્રગટાવીને પ્રકાશ પાથરવામા આવતો અને ચાર પગાની સીડી લઈ સાંજે વાલાબાપા તેલ પૂરી ઠેકઠેકાણે દીવો જલાવતા, ઉપરાંત ટંકારમાં 1945માં જનરેટર પણ આવી ગયું હતું અને જનરેટરમાંથી વિનામૂલ્યે પ્રસંગોપાત્ત વિજળી આપવામાં આવતી હતી અને ટંકારા વિકાસમાં સુવિધા અને સગવડમાં મહાજનનો ફાળો અમૂલ્ય હતો. જેની વળી ક્યારેક વ્યક્તિ વિશેષમાં કરશું.

ડિઝલ જનરેટર પહેલા ટંકારામાં પવનચક્કી હતી અને એ પણ તેનો ઉપયોગ માત્ર મોરબીના રાજવીના ટંકારા ખાતે આવેલ મહેલ પૂરતો હતો. પણ 1960માં ગુજરાત ઈલેક્ટ્રીસિટી બોર્ડ અમદાવાદમાં શરૂ થઈ જતા પાંચ વર્ષ પછી 1965ની આસપાસ ઘરે-ઘરે વિજળી આપવાનુ શરૂ થઈ ગયુ હતું અને અધકાર યુગનો અંત આવ્યો હતો અને આર્થિક રીતે સમૃદ્ધ ટંકારા વાળાઓના ઘરે લાઈટ જોડાણ કરવામાં આવ્યું હતું. જેની સંખ્યા શરૂઆતમાં ખુબ ઓછી હતી.

- text

ટંકારા શહેરમાં 1965માં ઘરે – ઘરે વિજળી પહોંચી. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવા પહેલું ઈલેક્ટ્રિક જનરેટર શહેરમાં ઈ.સ. 1945માં આવ્યુ. એ અગાઉ રાજમહેલમાં પવનચક્કી ઉપર લાઈટ ચલાવાતી અને મગનલાલ દોશીના શાંતિ-નિકેતન બંગલામાં સૌથી પહેલા લેમ્પ ઝગમગી ઉઠયો. ત્યારબાદ લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ડિઝલ જનરેટર આવ્યુ. અને આઝાદીના 17 વર્ષ પછી ટંકારામાં ઘરે-ઘરે લાઈટ કનેક્શન આપવામાં આવ્યા હતા.

- text