માળિયા મીયાણા હાઇવે પર માતેલા સાંઢની જેમ દોડતા ટ્રકોના લીધે લોકોમાં આક્રોશ

- text


મચ્છુ નદીમાંથી રેતીની ચોરી તંત્ર દ્વારા બેરોકટોક કરવા દેવામાં આવતી હોવાનો સ્થાનિકોનો આરોપ

માળીયા (મી.) : માળિયા મીયાણા તાલુકામાં મચ્છુ નદીમાથી બેરોકટોક રેતીનું ખનન કરી જાણે રીતસરની રેસ રાખવામાં આવી હોય તેમ લાપરવાહી અને બેફિકરાઈથી ઓવરલોડ ટ્રકો માળિયા-પીપળીયા રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. ખાસ કરીને આવી બેરોકટોક ટ્રકો પર ખુલ્લી રેતી ભરેલી હોવાથી પાછળ ચાલનારા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે અને આવા નિર્દોષ વાહનચાલકોને વગર વાંકે અકસ્માતનો સતત ભય સતાવતો રહે છે.

ખાસ કરીને મોટી બરારથી પીપળીયા ચાર રસ્તા અને માળિયા મીયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીપળીયા મહેન્દ્રગઢ, દેરાળા, મેઘપર જેવા ગામડાંઓમાં સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોનાં રસ્તાઓની ગ્રાન્ટ અનેક વખત મંજૂર થવા છતાં કોઈ કોન્ટ્રાક્ટર આવા રસ્તાના કામો રાખવા તૈયાર નથી થતા અને કોઈ કોન્ટ્રાક્ટર કામ કરે તો તે રસ્તો થોડા સમયમાં ખરાબ થઇ જતો હોય છે. આ વાતની સાબિતી જોઈએ તો પીપળીયા-મહેન્દ્રગઢ રોડ અવધિ પહેલા ખખડધજ થઇ જવા પામ્યો છે. જ્યારે મહેન્દ્રગઢથી દેરાળા, દેરાળાથી સરવડ, દેરાળાથી મેઘપર જેવા ગામડાંઓના અનેક રસ્તાઓ હાલ ચાલવા લાયક નથી રહ્યા.

- text

આ સાથે સાથે રાજકીય ઓથ ધરાવતા લોકોએ આવા રસ્તા પર પોતાના માણસો બેસાડી ટ્રક દિઠ ગામડાના વિકાસ નામની પહોંચ બનાવી હપ્તા ઉઘરાવતા હોય તેવું લોકચર્ચામાં જાણવા મળી રહ્યું છે. જાણે આરટીઓ પોલીસ દ્વારા આવા ટ્રકોને છુટો દોર આપવામાં આવ્યો હોય તેમ બેરોકટોક સમડી ગતિએ ચાલતી ટ્રકોને લગામ લગાવી જરુરી બની હોય તેવો ગ્રામ્ય વિસ્તારોમાં ગણગણાટ શરૂ થયો છે.

- text