મોરબી જિલ્લામાં સરપંચ માટે નો – રિપીટ થિયરી અપનાવતા ગ્રામ્ય નાગરિકો

- text


જિલ્લાના 301 માંથી 272 ગામોમાં જુના સરપંચને બદલે નવા ઉમેદવારને તક

95 ગ્રામ પંચાયતોમાં યુવાનોના હાથમાં સતાનું સુકાન

મોરબી : મોરબી જિલ્લાની 301 ગ્રામ પંચાયતોની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી અને આ તમામ ગ્રામ પંચાયતો ગામઘણી સરપંચોએ હવે સતાનું સુકાન પણ સાંભળી લીધું છે.જો કે આ વખતે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોએ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ જેવી નો-રિપીટની થિયરી અપનાવીને નવા અને લાયક ઉમેદવારોને જ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટયા છે. મોરબી જિલ્લામાં લોકોની નો-રિપીટ થિયરીને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 90 ટકા જેટલા સરપંચો પ્રથમ વખત વિજેતા થયા છે. જે ગ્રામીણ રાજકારણની ઉજળી છબી માટે નવો આશાવાદ છે.

મોરબી જિલ્લાની 301 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે નવા ચહેરાને મોખરાનું સ્થાન મળ્યું છે. ઉજળી છબી ધરાવતા શિક્ષિત અને લાયક ઉમેદવારોને જ આ વખતે લોકોએ ચૂંટી કાઢ્યા છે. તેથી આવા પ્રથમ વખત ચૂંટણી લડતા હોય એવા ઉમેદવારો 301 ગામોમાંથી 272 ગામોના સરપંચો બન્યા છે. ભાજપ, કોંગ્રેસ અને સરકારમાં જે રીતે નો રિપીટ થિયરીના મોડેલને જોરદાર પ્રતિસાદ મળ્યો તે રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ નો રિપીટ થિયરીનો જબરદસ્ત આવિષ્કાર થયો છે. પ્રથમ વખત સરપંચની ચૂંટણી જીત્યા હોય એવા જિલ્લાના 272 ગામોમાં માળીયામાં 35 માંથી 33, મોરબીમાં 81 માંથી 73, વાંકાનેરમાં 83 માંથી 70, હળવદમાં 62 માંથી 56 અને ટંકારામાં 42 માંથી 40 ગામોના સરપંચોનો સમાવેશ થાય છે. આ તમામ ગામોના સરપંચો પ્રથમ વખત વિજેતા થયા છે. જ્યારે જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચો રિપીટ થયા હોય એની વાત કરવામાં આવે તો માળીયામાં 2, મોરબીમાં 7, વાંકાનેરમાં સૌથી વધુ 13, હળવદમાં 6 અને ટંકારામાં 1 જ સરપંચ રિપીટ થયા છે. બાકીના તમામ સરપંચો નવા ચૂંટાયા છે.

30 ટકા ગ્રામ પંચાયત 21 થી 40 વર્ષના યુવાનોના હાથમાં

મોરબી જિલ્લામાં આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જિલ્લાના 301 ગામોમાંથી 95 ગામમાં 21 થી 40 વર્ષ સુધીના યુવાનો સરપંચ બન્યા છે. આમ 30 ટકા યુવાનો સરપંચ બન્યા એવું કહી શકાય એમ છે. જેમાં માળીયામાં 13, મોરબીમાં 21, વાંકાનેરમાં 32, હળવદમાં 16 ટંકારામાં 13 સરપંચો યુવા વયના છે.

- text

50 ટકાથી વધુ ગામોમાં મહિલાઓનું શાસન

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે સ્ત્રી સશક્તિકરણનો જબરદસ્ત પવન ફૂંકાયો હતો. ઘણા ગામોમાં આખી ગ્રામ પંચાયત બોડી મહિલાઓની બની છે. તેમજ ઘણા ગામોમાં મહિલાઓને સરપંચોની તાજપોશી કરાઈ છે અને મોરબી જિલ્લાના 301 ગામોમાંથી 155 ગામમાં મહિલાઓ સરપંચ બન્યા છે. જેમાં માળીયામાં 20, મોરબીમાં 38, વાંકાનેરમાં સૌથી વધુ 43, હળવદમાં 32 અને ટંકારામાં 22 ગામોમાં મહિલા પાસે જ ગ્રામ પંચાયતની શાસનઘુરા છે.

આંશિક અને સંપૂર્ણ રીતે કુલ 90 ગ્રામ પંચાયતો સમરસ

મોરબી જિલ્લાની 301 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે આંશિક અને સંપૂર્ણ રીતે સમસર થઈ હોય એવી 90 ગ્રામ પંચાયતો છે. જેમાં માળીયામાં 10, મોરબીમાં 32, વાંકાનેરમાં 21, હળવદમાં 17 અને ટંકારામાં 10 ગ્રામ પંચાયતો આંશિક અને સંપૂર્ણ રીતે સમરસ થઈ છે.

સૌથી નાનીવયના અને સૌથી મોટીવયના સરપંચ ક્યાં ગામના ?

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સૌથી નાનીવયના સરપંચ હળવદના ખોડ ગામના છે. જેમનું નામ છે કાજલબેન રમેશભાઈ ભરવાડ. આ યુવતી 21 વર્ષની નાની ઉંમરે સરપંચ બન્યા છે. જ્યારે સૌથી મોટી ઉંમરના સરપંચ ટંકારાના વિરવાવ ગામના છે.તેમનું નામ છે જીલુભા જીવુંભા જાડેજા 76 વર્ષના છે. આટલી જૈફ વયે પણ તેઓએ ચુસ્ત તંદુરસ્તી સાથે લોકોએ તેમના ઉપર મૂકેલા વિશ્વાસને સાકાર કરવા પ્રયત્નશીલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text