જૂની પેન્શન યોજના મુદ્દે ટંકારાના પ્રાથમિક શિક્ષકો દ્વારા ધરણા

- text


ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયું

ટંકારા : ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા ધરણા કાર્યક્રમ યોજ્યો હતો.

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને મોરબી જી.પ્રા.શિ. સંઘની સૂચના મુજબ જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા તેમજ બીજા પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલવા માટે ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના બેનર હેઠળ ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા એક દિવસીય ધરણાં કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં બહોળી સંખ્યામાં ટંકારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો પોતાના હકક મેળવવા માટે આ ધરણાંમાં જોડાયા હતા.

સરકાર દ્વારા જૂની પેન્શન યોજના બંધ કરીને નવી સી.પી.એફ. પેન્શન યોજના ચાલુ કરી છે. શિક્ષકોની માંગણી છે કે તેઓનું નિવૃત્તિ પછીનું જીવન સારી રીતે જીવી શકે તે માટે જૂની પેન્શન યોજના તેઓને મળવી જોઈએ જેની લડત માટે તેમજ સાતમા પગારપંચના લાભો તમામ રાજ્યોમાં સમાનરૂપે લાગુ કરવા તેમજ અન્ય માંગણીઓ અને પ્રશ્નો માટે આ એક દિવસીય ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો તેમની માંગણીઓ સત્વરે પૂરી કરવામાં નહિ આવે તો આગામી સમયમાં દિલ્હી સુધી આંદોલન કરવામાં આવશે તેવો સૂર તમામ શિક્ષકોનો જોવા મળ્યો હતો.

આ ધરણા કાર્યક્રમમાં ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી વિરમભાઈ દેસાઈ, ગુ.રા.પ્રા.શિ. સંઘના પૂર્વ ઉપપ્રમુખ શૈલેષભાઈ સાણજા, બી.આર.સી. કલ્પેશભાઈ ફેફર, ટંકારા તા.પ્રા.શિ. સંઘના ઉપપ્રમુખ કૌશિકભાઈ ઢેઢી, સંઘના પ્રતિનિધિ મણીભાઈ કાવર, વિનોદભાઈ સુરાણી, ચુનીલાલ ઢેઢી, સુરેશભાઈ આદ્રોજા, જયસુખભાઈ મેંદપરા, ભાનુભાઈ ચૌધરી, ડાયાલાલ બારૈયા, મગનલાલ ઉજરીયા તેમજ બહોળી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા.

અંતે તમામ શિક્ષકો વતી તેઓના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text