79 ટકા મતદાન સાથે કડકડતી ઠંડીમા રાજકીય ગરમાવો સર્જતાં મોરબી જિલ્લાના મતદારો

- text


 

405 બુથ ઉપર પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન

મોરબી : મોરબી જિલ્લાની 197 ગ્રામ પંચાયતોની ચૂંટણીના રસાકસીભર્યા જંગમાં આજે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. પોલીસની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 405 મતદાન બુથોમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાઈ હતી.આ મોરબી જિલ્લાની 197 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 79 ટકા મતદાન થયું હતું. કડકડતી ટાઢ વચ્ચે પણ મતદારોએ ઉત્સાહભેર મતદાન કરી રાજકીય ગરમાવો સર્જી દીધો હતો.

મોરબી જિલ્લાની એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી મળીને કુલ197 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 405 જેટલા મતદાન બુથ ઉપર આજે સવારે 7 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી.જો કે સવારે ધીમી ગતિએ મતદાન શરૂ થયા બાદ 9 વાગ્યા પછી મતદાનમાં વેગ પકડ્યો હતો. જેમ જેમ દિવસ ચડતો ગયો તેમ તેમ મતદાનની ટકાવારીનો આક ઊંચે ચડતો ગયો હતો. બર્ફીલો પવન સાથે હાડ થીજાવતી ટાઢ વચ્ચે પણ ગ્રામીણ મતદારો લોકશાહીનું પર્વ ઉજવવા માટે ભારે ઘસારો કર્યો હતો. યુવા મતદારથી માંડીને દિવ્યાંગ અને અશક્ત વૃદ્ધ મતદારોએ પણ વિપરીત પરિસ્થિતિ વચ્ચે મતદાન કરીને લોકશાહી પર્વ ઉજવ્યું હતું. સવારના 9 વાગ્યાથી માંડીને છેલ્લી ઘડી સુધી મોટાભાગના મતદાન મથકો ઉપર કતારો લાગી હતી. આથી દિવસના અંતે કુલ 79 ટકા જેટલું ભારે મતદાન નોંધાયું હતું.જો કે એસપી એસ.આર.ઓડેદરા તેમજ પીઆઇ.પીએસઆઇ સહીત 700 વધુ પોલીસ કર્મચારીઓ મતદાન બુથ અને રાઉન્ડ ઘ કલોક પેટ્રોલીંગ કરીને ખડેપગે રહ્યા હતા. જેથી એકપણ સ્થળે ગેરરીતિ કે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. તેમજ મોરબીમાં ગ્રામ્યના મામલતદાર જાડેજા અને માળીયામાં મામલતદાર પરમાર સહિતનો સ્ટાફ અને તમામ પૉલિગ સ્ટાફ ખડેપગે રહીને ફરજ સુપેરે નિભાવી હતી.

- text



દર બે કલાકે મતદાનની ટકાવારી

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સવારથી મતદાનની ટકાવારીના આંકડા ઉપર નજર કરીએ તો સવારે 7 થી 9 સુધીમાં 9.39 ટકા, સવારના 11 સુધીમાં 25.46 ટકા, બપોરે 1 સુધીમાં 42.46 ટકા, બપોરે 3 સુધીમાં 58.77 ટકા, સાંજે પાંચ વાગ્યા સુધીમાં 73.13 ટકા મતદાન નોંધાયું હતું.



જુના ઘાટીલામાં 3600ના વોટિંગ સામે 3 જ બુથ હોવાથી બબ્બે કલાકે મતદાનમાં વારો આવતો હોવાની ફરિયાદ

માળીયાના જુના ઘાટીલા ગામના લોકોના જણાવ્યા મુજબ આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામલોકોને બુથ ઓછા હોવાથી થોડી મુશ્કેલી પડી રહી છે.જેમાં ગામમાં 3600ની આસપાસ વોટિંગની સામે 3 જ મતદાન બુથ છે. વધુ વસ્તી હોવા સામે બુથ ઓછા હોવાથી મતદાન બુથ ઉપર ભીડ જામી છે અને બે કે ત્રણ કલાકે મતદાનમાં વારો આવે છે. આથી ગામલોકોને મુશ્કેલી ભોગવવી પડતી હોય બુથ વધારવાની માંગ ઉઠી હતી.



સૌથી વધુ વાંકાનેર તાલુકામાં 82.33 ટકા મતદાન

મોરબી જિલ્લાની ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમા જંગી મતદાન થયું હતું. જેમાં તાલુકા વાઇઝ મતદાનની ટકાવારી જોઈએ તો મોરબી જિલ્લામાં સૌથી વધુ વાંકાનેર તાલુકામાં 82.33 ટકા મતદાન નોંધાયું હતું અને સૌથી ઓછું માળીયા તાલુકામાં 73 ટકા થયું હતું.હળવદ તાલુકામાં 81.17 ટકા તેમજ ટંકારામાં 80.46 ટકા અને મોરબીમાં 73.79 ટકા મતદાન નોંધાયું હતું જ્યારે ગત 2016ની ચૂંટણીમાં પણ સૌથી વધુ 84.68 ટકા સાથે વાંકાનેર તાલુકો મોખરે રહ્યો હતો અને સૌથી ઓછું માળીયામાં 54.61 ટકા મતદાન નોંધાયું હતું. ગતટર્મમાં મોરબીનું 79.82 ટકા મતદાન થયું હોવાથી આ વખતે છ ટકા જેવું મતદાન ઘટ્યું છે અને હળવદમાં 83.08 ટકા જેવું મતદાન થયું હોવાથી આ વખતે 2 ટકા મતદાન વધ્યું છે. ટંકારામાં ગતટર્મમાં 78.51 ટકા જેવું મતદાન થયું હોવાથી આ વખતે 2 ટકા મતદાન ઘટ્યું છે.



ઘણા મતદાન મથકે મોડે સુધી મતદાન ચાલ્યું

આમ તો છ વાગ્યે મતદાન પૂરું થઈ ગયું હતું.પણ મોરબી જિલ્લાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લી ઘડીએ મતદારોની ભારે ભીડ જોવા મળી હતી એટલે છ વાગ્યા પહેલા લોકો મતદાન કેન્દ્રમાં આવી જતા ઘણી જગ્યાએ આઠ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું.



 

- text