ખંડણીખોરના ત્રાસને પગલે કાલથી હળવદ યાર્ડ બંધ

- text


 

હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીને ખાંડણીખોરે ફરી ધમકી આપતા વેપારીઓમાં રોષ : આવેદનપત્ર અપાયું

હળવદ : હળવદ માર્કેટ યાર્ડના વેપારીને વળી પાછી ખંડણીખોરે ધમકી આપ્યાનો બનાવ પ્રકાશમાં આવતા યાર્ડના વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે ગુરુવારે વેપારીઓ એકઠા થઇ યાર્ડના સતાધિશોને આવેદનપત્ર આપી રેલી સ્વરૂપે વેપારીઓ પોલીસ મથકે રજૂઆત કરવા દોડી આવ્યા હતા. અને જ્યાં સુધી ખંડણીખોર સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી યાર્ડ આવતી કાલથી બંધ રાખવાનો નિર્ણય પણ વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો છે.

હળવદ માર્કેટ યાર્ડમાં ખંડણીખોર શખ્સના ત્રાસથી વેપારીઓ તંગ આવી ગયા છે અવારનવાર વેપારીઓને ધમકી આપવાના બનાવથી આજે વેપારીઓનો રોષ રીતસરનો બહાર આવ્યો છે અને જ્યાં સુધી ખંડણીખોર શખ્સ વિરુદ્ધ પોલીસે આકરી કાર્યવાહિ ન કરે ત્યાં સુધી માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

યાર્ડના વેપારીઓ માર્કેટયાર્ડમાં એકઠા થઇ સૌપ્રથમ યાર્ડના સત્તાધીશોને લેખિતમાં આવેદનપત્ર આપી રેલી સ્વરૂપે હળવદ પોલીસ મથકે રજૂઆત કરવા દોડી આવ્યા હતા. આ રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના હળવદ માર્કેટયાર્ડમાં આશરે ૧૫૦ જેટલા વેપારીઓ ખેડૂતોની તમામ જણસી (ઉત્પાદન)ની મોટાપાયે ખરીદી તેમજ વેચાણ કરે છે અને અહીં મોટા પ્રમાણમાં લેવડદેવડ પણ થાય છે.

- text

આથી અમુક અસામાજિક તત્વો દ્વારા યાર્ડના વેપારીઓને નિશાન બનાવી ધાક-ધમકી આપી ખંડણી ઉઘરાવતા હોવાના બનાવો પણ બની રહ્યા છે. આવો જ એક બનાવ આજથી ચારેક માસ પહેલા યાર્ડના વેપારી સાથે બન્યો હતો જેમાં કોંઢ ગામના જશપાલસિંહ ઝાલા નામના શખ્સે યાર્ડના વેપારી પાસે ૯૦ લાખ જેવી મોટી રકમની ખંડણી માંગી હતી. જેથી આ અંગેની વેપારી દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી પરંતુ આ શખ્સ સામે મામૂલી ગુનો નોંધવામાં આવેલ જેથી ફરી પાછો આ શખ્સ યાર્ડના વેપારીને રસ્તામાં આંતરી ખુલ્લી ધમકી આપેલ છે. આમ અવારનવાર ધાક-ધમકીથી ખંડણી લેવા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

વધુમાં હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ સાથે કોઈપણ પ્રકારનો આવા બનાવ ન બને અને વેપારીઓ ભય મુક્ત વાતાવરણમાં વેપાર કરી શકે જેથી આ શખ્સ સામે કડકમાં કડક કાર્યવાહી કરી અટકાયત કરવામાં આવે તેવી માંગ સાથે જ વેપારીઓ દ્વારા યાર્ડને અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

જોકે યાર્ડના સત્તાધીશો અને ડીવાયએસપી રાધિકા ભારાઈ સાથે વેપારીઓએ બેઠક પણ યોજી હતી પરંતુ વેપારીઓ તેઓની માંગ પર અડગ રહી યાર્ડને અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય યથાવત રાખ્યો છે.

- text