ખેડૂતોનો વિજય : ત્રણેય કાળા કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરતા વડાપ્રધાન મોદી

- text


કૃષિ કાયદાને લઈ વડાપ્રધાનની મહત્વપૂર્ણ જાહેરાત

મોરબી : વડાપ્રધાન મોદીએ આજે સવારે રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું હતું અને એ દરમિયાન તેમણે વિવાદિત ત્રણેય કૃષિ કાનુનોને પરત લેવાની જાહેરાત કરી હતી. તેમણે આ મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોને ઘરે પાછા ચાલ્યા જવાની પણ અપીલ કરી હતી. મોદી સરકાર ગયા વર્ષે કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે ત્રણ કાનુન લાવી હતી. પણ અનેક કિસાન સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા હતા. વડાપ્રધાને કાનુન પરત લેવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, અમે ખેડૂતોના હીતમાં આ ત્રણેય કાનુન લાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, કદાચ અમે કેટલાક ખેડૂતોને આ અંગે સમજાવવામાં નિષ્ફળ રહ્યા છીએ.

વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ મહિનાના અંતે શરૂ થનારા સંસદના સત્ર દરમિયાન ત્રણેય કાનુનોને ગૃહ થકી પરત લઇ લેવામાં આવશે. તેમને ઉમેર્યું હતું કે, કૃષિ ક્ષેત્રે સુધારા માટે ત્રણ કાનુન લાવ્યા હતા કે જેથી નાના ખેડૂતોને બળ મળે વર્ષોથી માંગ હતી જ્યારે આ કાનુન લવાયો ત્યારે સંસદમાં ચર્ચા થઇ. ખેડૂતો, સંગઠનોએ તેને આવકાર્યો હું એ બધાનો આભારી છું.

વધુમાં તેમને જણાવ્યું હતું ખેડૂતોના કલ્યાણ માટે ગામ – ગરીબોના હીતમાં સારી ભાવનાથી તે લાવ્યા હતા પણ પવિત્ર બાબત અને ખેડૂતોને સમજાવી ન શકયા. કદાચ અમારી તપસ્યામાં કમી હતી. ભલે એક વર્ષ તેનો વિરોધ કર્યો, અમે વાતચીતનો પ્રયાસ કર્યો, મામલો સુપ્રિમ કોર્ટ સુધી પણ પહોંચ્યો પણ હવે અમે કૃષિ કાનુનને પરત લેવાનો નિર્ણય લીધો છે.

- text

વડાપ્રધાને કહ્યું હતું કે, આજે સરકારે કૃષિ ક્ષેત્રને લગતો વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ઝીરો બજેટ ફાર્મિંગ એટલે કે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે, દેશની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક રીતે પાકની પેટર્નમાં ફેરફાર કરવા. એમએસપીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને આવા તમામ વિષયો પર નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજય સરકારો, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ અર્થશાસ્ત્રીઓના પ્રતિનિધિઓ હશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં ગુરૂનાનક જયંતિની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને પોતાના સંબોધનમાં ગુરૂનાનક દેવે કહેલ સેવા ભાવના અપનાવવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ ખેડૂતો વિશે પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોની સમસ્યા વિશે હું જાણું છું. મોદીએ કહ્યું કે, અમારી સરકારે નાના ખેડૂતોની શકિત વધારવા માટે ઘણી પહેલ કરી છે. અમે પાક લોન પણ બમણી કરી છે.આજે કેન્દ્ર સરકારનું કૃષિ બજેટ અગાઉની સરખામણીમાં પાંચ ગણું વધ્યું છે.

- text