કોરોના સામે મોરબી બેદરકાર ! 1.65 લાખ લોકોએ મુદત વીતવા છતાં બીજો ડોઝ ન લીધો

- text


મોરબી જિલ્લામાં 818478 પૈકી 680553 લોકોએ પ્રથમ ડોઝ અને 326707 લોકો રસીનો બીજો ડોઝ મેળવી સુરક્ષિત બન્યા
આરોગ્ય વિભાગ બીજા ડોઝમાં બાકી રહેતા તમામ લોકોને પાંચ-પાંચ વખત ફોન કરવા છતાં લોકો રસી મુકાવવા નથી આવતા

મોરબી : કોરોના મહામારીની બીજી લહેરમાં મોરબી જિલ્લામાં સેંકડો લોકો મોતને ભેટ્યા હોવા છતાં કોરોના મહામારીના અતિ ભયાનક સ્વરૂપને નજરે નિહાળનાર મોરબીના 1.65 લાખ લોકો કોરોનાથી સુરક્ષિત થવા સાવ મફતમાં મળતી કોરોના વેક્સીન મુકાવવા આવતા ન હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. મોરબી જિલ્લાના કુલ 818478 પૈકી 680553 લોકોએ પ્રથમ ડોઝ અને 326707 લોકો રસીનો બીજો ડોઝ મેળવી સુરક્ષિત બન્યા છે.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ કોરોના મહામારીની બીજી લહેર બાદ સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન શરૂ કરતા સરકાર દ્વારા મોરબી જિલ્લામાં 18 વર્ષથી ઉપરના કુલ 818478 લોકોને વેક્સિનેશન કરવા લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જે સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કુલ 680553 લોકોને પ્રથમ ડોઝ અને 326707 લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપી ભયાનક કોરોના રાક્ષસ સામે સુરક્ષાચક્ર પ્રદાન કર્યું છે.

પરંતુ આ બધા વચ્ચે મોરબી જિલ્લા માટે ખતરાની ઘંટી સમાન ગંભીર બાબત સામે આવી છે હાલમાં કોરોના મહામારીની ત્રીજી લહેર શરૂ થઇ છે અને એક બાદ એક નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે ત્યારે જિલ્લામાં 1.65 લાખ બેદરકાર લોકો એવા છે કે જેમને કોરોના વેક્સિંનનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવાની સમયાવધિ પૂર્ણ થઇ ગઈ છે છતાં પણ તેઓ લાપરવાહ રહીને કોરોના વેક્સીનનો બીજો ડોઝ લેવા જતા નથી.

- text

દરમિયાન મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના વેક્સિનેશન ઓફિસર કારોલીયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં 1.65 લાખ લોકોને કોરોના વેક્સિન માટેની મુદત જતી રહેતા આ તમામ લોકોને નોંધાયેલા મોબાઈલ નંબર ઉપર એક, બે નહીં પરંતુ ચારથી પાંચ-પાંચ વખત વેક્સિન મુકાવવા આગ્રહ કરવા છતાં નાગરિકો રસી મુકવા આવતા નથી. ઉલ્લેખનીય છે કે રસી મુકવાના પ્રારંભે રસી મુકાવવા સ્લોટ ન મળતો હોવાની કાગારોળ મચાવનારા નાગરિકો હાલના સમયમાં રસી સરળતાથી ઉપલબ્ધ હોવા છતાં રસી મુકાવવા જતા ન હોય તેમના માટે અને અન્યો માટે જોખમ સર્જી રહ્યા છે.

આ સંજોગોમાં હાલ મોરબી જિલ્લા આરોગ્યતંત્ર પાસે વેક્સિનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોય મોરબી અપડેટ દ્વારા જાહેર હિતમાં મોરબી શહેર અને જિલ્લાના તમામ નાગરિકો કે જેમને રસીનો બીજો ડોઝ બાકી છે તેવા તમામ લોકોની સાથે-સાથે જેમને હજુ સુધી કોરોના વેક્સિંનનો એકપણ ડોઝ નથી લીધો એ તમામ લોકોએ કોરોના મહામારીની ત્રીજી લહેર સામે સુરક્ષિત બનવા વહેલામાં વહેલી તકે કોરોના રસી મુકાવી પોતાની અને અન્ય લોકો માટે જોખમરૂપ ન બનવા અપીલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text