સીરામીક ઉધોગમાં વપરાતા ગેસમાં ભાવમાં થયેલો વધારો પરત ખેંચવા કોંગ્રેસની માંગ

- text


મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીમાં કાયદો વ્યવસ્થા, ખરાબ રસ્તા,મોંઘવારી, રવિ પાક માટે પાણી આપવા, બેરોજગારી સહિતના મુદ્દે ઠરાવો પસાર કરાયા

મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી યોજાઈ હતી.જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારીમાં સીરામીક ઉધોગમાં વપરાતા ગેસમાં ભાવમાં થયેલો વધારો પરત ખેંચવા, કાયદો વ્યવસ્થા, ખરાબ રસ્તા,મોંઘવારી, રવિ પાક માટે પાણી આપવા, બેરોજગારી સહિતના મુદ્દે ઠરાવો પસાર કરાયા હતા.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં વિવિધ મુદ્દે ઠરાવો કરવામાં આવ્યા હતા.જેમાં મોરબી જિલ્લામાં દિનપ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જાય છે. અને અસામાજિક તત્વોએ માઝા મૂકી છે. હાલ મોરબી જિલ્લાની ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા રૂપ છે અને પરિસ્થિતી વિકટ થતી જાય છે ત્યારે સરકારએ આ બાબતે કડક કાર્યવાહી કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા માટે કાર્યવાહી કરવી જોઈએ. હાલ મોરબી જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ દિન પ્રતિદિન વઘતું જાય છે અને માનવીની મહામૂલ્ય જીંદગી રગદોળાઈ જાય છે ત્યારે રોડ રસ્તા પર અડિંગો જમાવી વાહનો પડ્યા રહે છે તે દૂર કરવા અને રોડ રસ્તા પર અકસ્માત ટાળવા તમામ પ્રકારના કડક પગલા લેવામાં આવે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો.

સિરામિક ઉદ્યોગમાં વપરાતાં ગેસનો ભાવ અવારનવાર વધારવામાં આવી રહ્યો છે, જેના કારણે સિરામિક ઉદ્યોગ મૃતપાય હાલતમાં ઘકેલાય ગયેલ છે, ગેસ કંપની દ્વારા વારંવાર ભાવ વધારો કરી ઉદ્યોગોને ભાંગી નાખવાનું સરકાર દ્વારા ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.આ ઉદ્યોગથી મોરબી શહેર તેમજ મોરબી જિલ્લાના આજુબાજુના ગામોના હજારો લોકો આ ઉદ્યોગને કારણે ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ રીતે રોજીરોટી મેળવી રહ્યા છે. હાલ આ ઉદ્યોગ ચીનની સામે સ્પર્ધા કરી રહ્યો છે, ત્યારે આ ઉદ્યોગને ચીનની સામે સ્પર્ધામાં પુરે પુરી રીતે ટકી શકે તે માટે થઈને ગેસ કંપની દ્વારા થયેલ ભાવ વધારો પરત ખેંચવો જોઈએ અને ગેસ કંપની દ્વારા નોટિસ આપ્યા વગર ગેસના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવો જોઈએ નહિ અને આ ઉદ્યોગને જીવંત રાખવા માટે હાલમાં થયેલ ભાવ વધારો સરકારની દરમિયાનગીરી કરી તત્કાલિક પરત લેવો જોઈએ તે બાબતનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

દેશ અને ગુજરાતમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ગેસ, પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, તેલ તેમજ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ દિન-પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. જેના કારણે નાના મધ્યમવર્ગ કુટુંબનું અને ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જાય છે. મોઘવારીના કારણે કારણે આપઘાતનું પણ પ્રમાણ દિન – પ્રતિદિન વધતું જાય છે. માટે સરકારએ તાત્કાલિકના ધોરણે વધતી મોંઘવારીને અટકાવવા માટે સખત પગલાં લેવા જોઈએ અને વધતી જતી મોંઘવારીને અંકુશમાં લેવા માટે સરકારમા રજૂઆત કરવાનો ઠરાવ કરાયો હતો.

મોરબી જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર ખેડૂત બરોબર રીતે લઈ શકે તે માટે થઇને આ શિયાળુ પાક માટેનું વાવતેર કરવા માટે કેનાલ દ્રારા તાત્કાલિક અસરથી પાણી છોડવામાં આવે અને જે કેનાલ તૂટી ગયેલ છે તે કેનાલનું સમારકામ કરવામાં આવે. હાલ ખેડૂતોને સિંચાઇના પાણીની તાતી જરૂર હોય તો તત્કાલિક ખેડૂતોને પુરતું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા લાગતા વળગતા વિભાગને સૂચના આપી ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવે અને હાલ જે કેનાલમાં ગાબડાં પડી ગયા છે તે ગાબડાં તાત્કાલિક રીપેર કરવામાં આવે જેથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને પાકને પાણી ન મળવા ના કારણે નુક્શાન થતું બચાવી શકીએ તે બાબતે સરકારને રજુઆત કરવાનો ઠરાવ કરાયો હતો.

- text

ગુજરાતમાં દિન-પ્રતિદિન શિક્ષિત બેરોજગારોની સંખ્યા ખૂબજ વધતી જઈ રહી છે. જેના કારણે શૈક્ષણિક નવયુવાનો લાચાર જેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. હાલમાં ગુજરાતમાં લોક રક્ષક દળની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેમાં કુલ 10,459 ખાલી જગ્યા ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. પણ આ ભરતીમાં અંદાજે ૧૧,૧૩,૨૫૮ શૈક્ષણિક યુવાનોએ ફોર્મ ભર્યા છે.આ બાબત પરથી ગુજરાતમાં બેરોજગારી સંખ્યા કેટલી છે, તેનો અંદાજ લગાવી શકાય એમ છે. તેથી સરકારને આવા બેરોજગાર યુવાનોને તાત્કાલિક રોજગારી આપવી જોઈએ. જો સરકાર આવા શિક્ષિત બેરોજગારો યુવાનોને રોજગારી ન આપી શકે તો આવા બેરોજગાર યુવાનોને રોજગારી ભથ્થુ આપવું જોઇએ તેવી સરકારમાં રજૂઆત કરવાનું પણ ઠેરવાયું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text