છઠ્ઠ પૂજામાં પરિણીતાઓ સેંથીથી નાક સુધી સિંદૂર લગાવે છે, કહેવાય છે કે સિંદૂર જેટલું લાંબું પતિનું આયુષ્ય તેટલું વધુ!

- text


વણિક મહિપાલે સૂર્ય ષષ્ઠીનું વ્રત કરી નેત્રજ્યોતિ પાછી મેળવી હોવાની કથા પ્રચલિત

ગુજરાતી પંચાંગ પ્રમાણે કારતક મહિનાનાં શુક્લ પક્ષની ચોથથી છઠ્ઠ પૂજાનો પ્રારંભ થાય છે તેમજ તેની પૂર્ણાહુતિ સાતમનાં દિવસે સૂર્યોદયની સમયે સૂર્યની પૂજા કર્યા બાદ થતી હોય છે. છઠ્ઠ પૂજા સામાન્ય રીતે બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ઉજવવામાં આવે છે. છઠ્ઠ પર્વ વર્ષમાં બે વખત ઉજવવામાં આવે છે. એક વખત ચૈત્ર માસમાં અને બીજી વખત કારતક મહિનામાં ઉજવવામાં આવે છે. કારતક મહિનામાં ઉજવવામાં આવતી છઠ્ઠની પૂજાનું સૌથી વધુ મહત્વ રહેલું છે અને લોકો આ મહિનામાં આ પર્વને વ્યાપક રૂપે ઉજવતા હોય છે. આ વર્ષે છઠ્ઠ પૂજાનું પર્વ આજે 10 નવેમ્બરના રોજ છે.

આ દિવસે મહિલાઓ ઉપવાસ રાખતી હોય છે. પોતાના પરિવાર, પતિ અને બાળકોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે રાખવામાં આવેલ ઉપવાસમાં સાંજે માટીના ચૂલા પર ગોળની ખીરનો પ્રસાદ બનાવે છે અને ત્યારબાદ સૂર્યદેવની પૂજા કરીને આ પ્રસાદ લેવામાં આવે છે. સાંજે મહિલાઓ નદી કે તળાવમાં ઉભા રહીને સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરે છે. મહિલાઓ સૂર્યોદય પહેલા નદીએ કે તળાવના પાણીમાં ઉભા રહીને સૂર્યદેવની પ્રાર્થના કરતી હોય છે. જે દરમિયાન પોતાના પતિ પરિવાર અને પુત્રનાં સ્વાસ્થ્ય અને અન્ય પ્રાર્થનાઓ કરતી હોય છે. આ પછી ઉગતા સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કર્યા પછી પૂજા પૂર્ણ થાય છે અને ઉપવાસ તોડવામાં આવે છે.

છઠ્ઠ માતાને સૂર્યદેવની બહેન માનવામાં આવે છે. સાથે જ તેમને ભગવાનની પુત્રી દેવસેના કહેવાય છે. તે પ્રકૃતિની મૂળ પ્રવૃત્તિના છઠ્ઠા અંશમાંથી જન્મી છે માટે પણ તેને ષષ્ઠી કહેવામાં આવે છે. છઠ્ઠ માતાની પૂજા દરમિયાન મહિલાઓ સેંથામાં સિંદૂર લગાવે છે, જે નાક સુધી લાંબો હોય છે. સિંદૂરને સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે. છઠ્ઠ પૂજા દરમિયાન મહિલાઓ પીળા રંગનું અને ઘાટું સિંદૂર લગાવે છે. માનવામાં આવે છે કે, આમ કરવાથી તેમના પર છઠ્ઠ માતાની કૃપા રહે છે અને તેમનું સૌભાગ્ય અખંડ રહે છે. એવું કહેવામાં આવે છે કે સિંદૂર જેટલું લાંબું હોય છે પતિની ઉંમર તેટલી જ વધુ હોય છે.

- text

છઠ્ઠ પૂજાની કથા

પ્રાચીન કાળમાં બિંદુસાર તીર્થમાં મહિપાલ નામનો વણિક રહેતો હતો. તે ધર્મ-કર્મ તથા દેવતાનો વિરોધી હતો. એક વાર તેણે સૂર્યદેવની પ્રતિમા સામે મળ-મૂત્રનો ત્યાગ કરી દીધો. પરિણામ સ્વરૂપ તેની આંખોનું તેજ જતુ રહ્યુ. નેત્ર વિનાનું જીવન જીવતા જીવતા વણિક ત્રાસી ગયો અને ગંગા નદીમાં ડૂબીને મરવા માટે નીકળી પડ્યો. રસ્તામાં તેને મહર્ષિ નારદ મળ્યા. નારદજીએ તેને પૂછ્યુ કે મહાશય, આટલી ઉતાવળમાં ક્યાં જઈ રહ્યા છો. મહિપાલ રડતા રડતા બોલ્યો કે મારુ જીવન મુશ્કેલ થઈ ગયુ છે. હું મારો જીવ આપવા ગંગા નદીમાં કૂદવા જઈ રહ્યો છું. આ સાંભળી મહર્ષિ નારદ બોલ્યા કે મૂર્ખ પ્રાણી, તારી આ દશા સૂર્યદેવના અપમાન કરવાના કારણે થઈ છે. તે સૂર્યદેવની પ્રતિમા સામે મળ-મૂત્રનો ત્યાગ કર્યો હતો. પોતાના પાપની ક્ષમા માટે કારતક મહિનાની સૂર્ય ષષ્ઠીનું વ્રત કર, તારા કષ્ટો દૂર થઈ જશે. મહર્ષિ નારદની વાત માનીને વણિક મહિપાલે સૂર્ય ષષ્ઠીનું વ્રત કર્યુ. તેની ભક્તિથી પ્રસન્ન થઈને સૂર્યદેવે તેની નેત્રજ્યોતિ પાછી આપી દીધી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text