વાંકાનેરના કણકોટ ગામ પાસે ઈકો કાર કુવામા ખાબકતા ચારના મોત

- text


દિવાળીની રજાઓમાં ફરવા નિકળેલા પરિવારને અકસ્માત નડયો
બે મહિલા અને બે બાળકો સહિત એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી પરિવારમાં અરેરાટી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક ગતરાત્રે દિવાળીની રજાઓમાં ફરવા નિકળેલા એક પરિવારની કારને ગમખ્વાર અકસ્માત નડયો હતો. જેમાં આ ઈકો કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર કુવામાં ખાબકી હતી. આથી આ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારની બે મહિલા અને બે બાળકો સહિત ચાર સભ્યો ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતાં. એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો. આ બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને સઘન તપાસ હાથ ધરી હતી.

આ ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રતિભાઈ ભવનભાઈ પ્રજાપતિ (ઉ.વ. 69) અને તેમનો પરિવાર દિવાળીની રજાઓમાં સોમનાથ-દ્વારકા બાજુ ફરવા માટે પોતાના ઘરેથી ઇકો કારમાં નિકળેલ હોય જે બાદ ગઈકાલે તેઓ વાંકાનેર થઇ મકનસર ગામે સંબંધીના ઘરે જઈ રહ્યા હતા.તે દરમ્યાન તેમની ઈકો કાર નં. GJ 1 HZ 1453 ના ચાલકે વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક કોઈ કારણોસર કારના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી અને રોડની બાજુમાં આવેલ પાણી ભરેલા કુવાની અંદર કાર ખાબકી હતી.

આ અકસ્માતમાં કારચાલક, પરિવારના મોભી રતિભાઈ તેમજ તેનો દીકરો દિનેશભાઈ પ્રજાપતિ આગળના ભાગે બેઠેલા હોય તેઓ કોઈ રીતે કારમાંથી બહાર નીકળી ગયા હતા પરંતુ કારની પાછળનો દરવાજા ન ખુલતા કારમાં પાણી ભરાતા કારમાં બેઠેલ રતિભાઈના પત્ની મંજુલાબેન રતીભાઈ પ્રજાપતિ(ઉ.વ. 60), પુત્રવધૂ મીનાબેન દિનેશભાઈ પ્રજાપતિ(ઉ.વ. 43) અને બે પૌત્ર આદિત્ય(ઉ.વ. 16) અને ઓમ(ઉ.વ. 7)ના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

ગઈકાલ રાત્રે વાંકાનેર તાલુકાના કણકોટ ગામ પાસે રાજકોટ જવાના ખોરાણાવાળા શોર્ટ રસ્તા (નવા કણકોટ જવાના રસ્તા પર) પર ઇકો કાર ફૂલ સ્પીડમાં આવતી હતી અને તેમને કાબુ ગુમાવતા રોડથી આશરે પચાસેક ફૂટ દૂર આવેલ એક કૂવામાં કાર ખાબકી હતી. ડ્રાઇવર કૂદકો મારીને નીકળી ગયો હતો. જ્યારે કારમાં સવાર બે પુરુષ પણ બચી ગયા છે. તેઓ કુવામાં આવેલ કડ પર ચડી ગયા હતા અને લોકોએ તેમને બહાર કાઢ્યા હતા. જ્રયારે બે બાળક સહિત બે મહિલાઓ સાથે કાર કૂવામાં પડી હતી. કૂવામાં પાણી વધારે હોવાથી કાર પાણીમાં ડૂબી ગઈ હતી.

આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર-ચાર સભ્યોના અકસ્માતમાં મોત થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ બાદ ઈકો કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો જેથી રતિભાઈ પ્રજાપતિએ બેફીકરાઈથી ગફલતભરી રીતે ગાડી ચલાવી આ અકસ્માત સર્જનાર ઈકો કારના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text