મોરબીવાળા ભુક્કા કાઢે ! ટ્રાફિકના નિયમ ભંગ બદલ રૂ. 1.32 કરોડનો દંડ

- text


નેત્રમ પ્રોજેક્ટના કેમેરામાં 21 મહિનામાં 25907 લોકો ઝપટે ચડ્યા : રૂપિયા 70 લાખનો દંડ વસુલ થયો
ચાલુ વાહને મોબાઈલમાં વાત કરવાની કુટેવ ધરાવતા લોકો પોલીસની તીસરી આંખના રડારમાં

મોરબી : કોરોના મહામારીના છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયગાળામાં મોટાભાગના લોકો આર્થિક તંગી અનુભવી રહ્યા છે પરંતુ મોરબીવાળાને આવું કઈ લાગુ પડતું નથી ! છેલ્લા એકવીસ મહિનામાં જ મોરબીમાં નેત્રમ પ્રોજેક્ટ હેઠળ લાગેલા સીસીટીવી કેમેરામાં 25 હજારથી વધુ લોકો ટ્રાફિક નિયમભંગ બદલ પોલીસની બાજ નજરમાં આવી જતા રૂપિયા 1,32,17,200નો દંડ ફટકારવામાં આવ્યો છે. જે પૈકી પોલીસે રૂ.62 લાખથી વધુનો દંડ વસુલ કરી લીધો છે. જો કે અડધો-અડધ લોકોએ પોલીસના મેમો ભરવાની તસ્દી લીધી નથી જે આગળ જતા તેમના માટે મુશ્કેલી બનશે. આશ્ચર્યની વાત તો એ છે કે, ટ્રાફિક નિયમ ભંગ કરનારા અડધો અડધ લોકો ચાલુ વાહને વાતો કરતા ઝડપાયા છે.

મોરબીમાં ગુન્હાખોરી ઉપર અંકુશ લાવવાની સાથે લોકોમાં ટ્રાફિક નિયમ પાલન કરવાની સુટેવ વિકસે તે માટે પોલીસ તંત્ર દ્વારા તારીખ 11 જાન્યુઆરી 2020થી નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત શહેરભરના તમામ મુખ્યમાર્ગો ઉપર 152 સીસીટીવી કેમેરા લગાવી 24 x 7 પોલીસ બાજ નજર રાખી રહી છે. નેત્રમ પ્રોજેક્ટના મોનીટરીંગ માટે જિલ્લા પોલીસવડા કચેરી ખાતે કમાન્ડ કંટ્રોલરૂમ કાર્યાન્વિત કરી નિયમભંગ કરનારા વાહન ચાલકો અને ગુન્હાહિત પ્રવૃત્તિ કરતા તત્વો ઉપર નજર રાખવામાં આવતા અનેક ગુન્હાઓના ભેદ ઉકેલી શકાયા છે.

ખાસ કરીને નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત જાન્યુઆરી-2020થી સપ્ટેમ્બર -2021 દરમિયાન કુલ 25,907 વાહન ચાલકોને નિયમભંગ કરતા ઝડપી લઈ રૂપિયા 1,32,17,200ના ઈ-ચલણ વાહન ચાલકના ઘેર મોકલી આપવામાં આવ્યા છે અને તે પૈકીના 13,316 લોકોએ 62,01,700નો દંડ ભરપાઈ પણ કરી આપ્યો છે. જો કે હજુપણ અનેક એવા વાહન ચાલકો છે કે, જેમને આવો દંડ ભર્યો નથી પોલીસના સતાવાર આંકડા મુજબ 21 મહિનાના આ સમયગાળામાં કુલ 12,591 લોકોએ 70,15,500ના ઈ ચલણ ભરપાઈ ન કરતા હવે પોલીસ તંત્ર આ બાકી રકમ વસૂલવા ખાસ ઝુંબેશ શરૂ કરવા તૈયારીમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

નોંધનીય છે કે, નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ દ્વારા 21 મહિનામાં કુલ 25,907 વાહન ચાલકોને ઈ-મેમો આપવામાં આવ્યા છે તેમાં 50 ટકા એટલે કે, અડધો-અડધ દંડ ચાલુ વાહને મોબાઈલમાં વાતચીત કરવાના હોવા ઉપરાંત મોરબીમાં રિક્ષામાં આગળ પૅસેન્જર બેસાડવાના હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.આ સંજોગોમાં પોલીસના કેમેરા કામ ન કરતા હોવાના વહેમમાં ચાલુ વાહને ફોનમાં ગપાટા મારતા લોકને પોતાની આદત સુધારવી પડશે ઉપરાંત સાપની જેમ આડાઅવળા કાવા મારતા રિક્ષાચાલકોને પણ આગળ પેસેન્જર બેસાડવાની આદત સુધારવી પડશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text