હોટલમાં નિવસ્ત્ર ડાન્સપાર્ટી અંગે જાણવા જોગ દાખલ : ક્રાઈમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ

- text


 

હોટલ બહારના વિડીયો બાદ પાર્ટીની અંદરનો પણ વિડીયો વાયરલ : મોરબીમાં પણ વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો

મોરબી : રાજકોટની ઇમ્પીરિયલ પેલેસ હોટલમાં નિવસ્ત્ર ડાન્સ પાર્ટીને લઈ વાયરલ થયેલા વિડીયો પ્રકરણમાં આજે રાજકોટ ડીસીપીએ પત્રકાર પરિષદ યોજી ત્રણ મુદ્દે તપાસ ચાલી રહી હોવાનું અને વીડિયોની ફોરેન્સિક તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવશે તેમ જણાવી હાલ જાણવા જોગ દાખલ કરી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસ દ્વારા સયુંકત રીતે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

રાજકોટની હોટલ ઇમ્પિરિયલ પેલેસમાં નિવસ્ત્ર ડાન્સ પાર્ટીમાં મોરબીના નામાંકિત લોકો જોડાયા હોવાની વ્યાપક ચર્ચા વચ્ચે રાજકોટ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હોવાનું ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ ડાન્સ પાર્ટી અંગે વાયરલ વીડિયો મામલે તેમને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે જે વીડિયો વાયરલ થયો તે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ થઈ છે અને એ ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરે છે.

વધુમાં સમગ્ર પ્રકરણમાં આ ડાન્સ પાર્ટીમાં કોણ કોણ હાજર હતું?તે બાબતે તપાસ કરવા ઉપરાંત વીડિયોનો સોર્સ શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઇમ્પિરિયલ હોટલમાં ઇન આઉટ સીસીટીવી ઉપરાંત તમામ માળના છેલ્લા એક અઠવાડિયાના ફૂટેજ પોલીસે મેળવ્યા છે અને વાયરલ થયેલ વિડીયો ક્યારે ઉતર્યો છે તેની હકીકત મેળવવા ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી હોવાનું ઉમેર્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે હોટલની ખુલ્લી બારીના અશ્લીલ ડાન્સ વાયરલ થયેલા વીડીયો બાદ આજે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે બાબતે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે બે વિડીયો વાઇરલ થયા છે, આજનો જે વિડીયો નવો આવ્યો છે તે વીડિયો ઓથેન્ટીક લાગ્યો નથી. આ ઉપરાંત હોટેલના રજીસ્ટર પણ કબ્જે કરી તપાસ કરી રહ્યા છે, તમામ સીસીટીવી પોલીસે કબજે કર્યા છે.

હોટલ ઇમ્પિરિયલ પેલેસમાં અશ્લીલ ડાન્સનો વીડિયો પેરલલ હાઈટ પરથી લેવામાં આવ્યો હોવાનું ઉમેરી તેમને જણાવ્યું હતું કે હોટેલ સંચાલકોએ આવી કોઈ પાર્ટી થઈ નથી તેવુ નિવેદન આપ્યું છે.

રાજકોટની ઇમ્પીરિયલ પેલેસ હોટલના નિવસ્ત્ર ડાન્સ પ્રકરણમાં બીજો વિડીયો વાયરલ થયા બાદ મોરબીમાં પણ આ મુદ્દે અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. જો કે સમગ્ર બાબતે પોલીસે જણાવ્યું છે કે જો અયોગ્ય કે ગેરકાયદેસર કામ સામે આવશે તો ચોક્કસપણે કાર્યવાહી થશે.

- text