મોરબીમાં સ્વર્ગસ્થ વ્યક્તિને પણ કોરોના રસી આપી સુરક્ષિત કરાયા

- text


વડાપ્રધાનના જન્મદિને હરખઘેલા આરોગ્ય વિભાગે સર્જેલા રેકોર્ડમાં મૃતક વ્યક્તિને રસીકરણનો અનોખો રેકર્ડ

મોરબી : મોરબીમાં 17 ઓગસ્ટે વડાપ્રધાન મોદીના જન્મદિવસે એક જ દિવસમાં 39 હજારથી વધુ લોકોને કોરોના વેકસીન આપી કોરોનાથી સુરક્ષિત કરવાનો અનોખો રેકોર્ડ સર્જાવાની સાથે આરોગ્ય વિભાગે જીવિત વ્યક્તિની સાથે એક મૃતક વ્યક્તિને પણ કોરોના વેકસીન આપી હોવાનો રેકોર્ડ સર્જી દીધો છે. જો કે, જિલ્લા આરોગ્ય અધિકારી આ બાબતને ટેક્નિકલ ક્ષતિ ગણાવી રહ્યા છે પરંતુ ખરેખર આ બાબત તપાસ માંગી લે તેવી છે.

કોરોના મહામારી સામે સુરક્ષા માટે મોરબી જિલ્લામાં કોરોના વેકસીનેશન અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે જોરમાને જોરમાં વડાપ્રધાનના જન્મદિવસે વધુ આંકડા દેખાડી વિક્રમ સર્જવા આરોગ્ય વિભાગે મોડી રાત્રી સુધી વેકસીનેશન કરી એક જ દિવસમાં 39869 લોકોને વેકસીન આપ્યાનો દાવો કર્યો છે. જો કે આજે એક એવી બાબત સામે આવી છે જેમાં આરોગ્ય વિભાગે ગત એપ્રિલ માસમાં અવસાન પામેલ વ્યક્તિને રસી મૂકી અને સર્ટીફીકેટ પણ જનરેટ કરી દેવામાં આવ્યુ હોવાની બાબત પ્રકાશમાં આવી છે.

- text

જેમાં મોરબીના સર્કિટ હાઉસ સામે વિદ્યુતનગરમાં રહેતા ઓમદેવસિહ રાજેન્દ્રસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેમના પિતાજી રાજેન્દ્રસિંહનુ તારીખ 23/4/21 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. આમ છતાં વડાપ્રધાનના જન્મ દિવસ 17/9/21 ના રોજ તેમના પિતાજી રાજેન્દ્રસિંહ મદારસિહ જાડેજાને વેક્સીન આપી હોવાનું આરોગ્ય વિભાગે નોંધ્યું છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે રાજેન્દ્રસિંહ એપ્રિલ માસમાં અવસાન પામ્યા હોવા છતાં તેમના નામનુ પ્રમાણપત્ર પણ જનરેટ થઈ ગયું છે.

બીજી તરફ આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી કતીરાનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, કોઈ ટેક્નિકલ કારણોસર આવું થયું હશે. છતાં આ બાબતે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સ્વર્ગે સિધાવનાર વ્યક્તિને રસી આપનાર માળીયા વનાળિયા આરોગ્ય કેન્દ્રમાં આ જ દિવસે અન્ય એક કિસ્સામાં વ્યક્તિએ કોરોના વેકસીનનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં સર્ટિફિકેટ ઈશ્યુ થઈ ગયાનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે વડાપ્રધાનને વ્હાલા થવા પ્રભુને વ્હાલા થઈ ગયેલા લોકોના નામે વેકસીનના ડોઝ ચડવાયા હોવાની પણ ચર્ચા ઉઠવા પામી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text