કોંગ્રેસની કોવીડ યાત્રામાં ભાજપ સરકારે છુપાવેલા કોરોનાથી મોતના બિહામણા આંકડા બહાર આવ્યા

- text


સરકારી ચોપડે 10081 મોત સામે કોંગ્રેસની બે અઠવાડિયાની કોવીડ યાત્રામાં જ 31850થી વધુ લોકોના મોત થયાના પુરાવા
મોરબીમાં પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરાઈ

મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં કોરોના મહામારીની બીજી લહેરે અનેક કુટુંબોના આધારસ્તંભ છીનવી લેવાની સાથે કેટલાક કિસ્સામાં તો આખેઆખા પરિવારને જ કોરોના સ્વાહા કરી ગયો છે ત્યારે ગુજરાત સરકારે સત્તાવાર રીતે રાજ્યભરમાં કોરોના મહામારીમાં માત્ર 10081 લોકોના જ મોત નિપજ્યા હોવાનું જાહેર કરતા સરકારી મોતના આકડાનું સત્ય બહાર લાવવા કોંગ્રેસે ગુજરાતમાં કોવીડ ન્યાય યાત્રા યોજતા બે અઠવાડિયામ જ 31850 લોકોએ પોતાના પરિવારના સભ્ય કોરોનામાં મોતને ભેટ્યા હોવાના ફોર્મ ભરી આપ્યા છે. આ મામલે આજે કોંગ્રેસે મોરબીમાં પત્રકાર પરિષદ યોજી સરકારની નિષ્ફ્ળતા ઉપર ચાબખા માર્યા હતા.

કોંગ્રેસના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવકતા નિદિત બારોટે આજે મોરબીમાં પત્રકાર પરિષદ યોજી 16 ઓગસ્ટથી કોંગ્રેસે શરૂ કરેલી કોવિડ ન્યાય યાત્રા અંગે વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં રાજ્યના નાગરિકોને ન્યાય મળે તે માટે કોંગ્રેસે કોવિડ-19 ન્યાય યાત્રા યોજી હતી. જેમા બે અઠવાડિયાના સમયગાળામાં જ 22000 કરતાં વધુ પરિવારોની મુલાકાત લઈ, તેમને સાંત્વના આપી હતી. કોંગ્રેસ પક્ષની જે માંગ છે તે અંગે જે પરિવારોએ તેમના સ્વજન ગુમાવ્યા છે તે માંગ સરકાર સમક્ષ રજૂ કરવા માટે 31,850 કરતા વધુ કોર્મ મૃતકના પરિવારજનોએ ભરીને આપ્યા છે. એનો અર્થ ગુજરાતમાં સરકારના 10081 સત્તાવાર કોરોના દર્દીઓના મૃત્યુઓના આંકડા છે તેના કરતાં ત્રણ ગણાથી વધુ મોતની માહિતી માત્ર ચાર અઠવાડિયામાં કોંગ્રેસ પક્ષની કોવીડ ન્યાયયાત્રામાં સામે આવી છે. મોરબી જિલ્લામાં કોવિડ ન્યાય યાત્રા દરમિયાન 650 જેટલા ફોર્મ ભરાયાનું પત્રકાર પરિષદમાં જાહેર કરાયું હતું.

ન્યાય યાત્રા દરમ્યાન ઝોન પ્રમાણે આંકડા જોઈએ તો સૌરાષ્ટ્ર ઝોનમાં 11,208, ઉત્તર ઝોનમાં 8045, મધ્ય ઝોનમાં 5136 અને દક્ષિણ ઝોનમાં 7461 મળી કુલ 31,850 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું ખુદ કોરોનામાં સ્વજન ગુમાવનાર લોકો લેખિત સ્વરૂપે જણાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

વધુમાં મોતના આ આંકડા ભાજપ સરકારની ઘોર નિષ્ફળતા દર્શાવતા હોવાનું અને ભાજપના શાસકોનના કારણે ગુજરાતની જનતાએ કલ્પી ન શકાય એવું દુઃખ વેઠ્યું છે. રાજ્ય સરકારના અણઘડ વહિવટના કારણે અનેક પરિવારોએ જે યાતનાઓ ભોગવી છે, તેના પ્રત્યક્ષ પ્રમાણ પણ કોંગ્રેસને ન્યાય યાત્રા દરમિયાન પ્રાપ્ત થયા છે. હવે ચૂંટણી આવી છે એટલે તેના હાઈકમાંન્ડે ચહેરા બદલાવીને પોતાનાં અસલ ચરિત્રને છૂપાવવાની કોશિષ કરી છે. ત્યારે નેતા નહીં નિયત બદલો, ચહેરો નહી ચરિત્ર બદલો, ચહેરો બદલવાથી પાપ ધોવાઈ નહી જાય, ત્રણ લાખ લોકોના મૃત્યુ થયા તે પાછા તો નહી આવી જાય તેવો વેધક સવાલ પણ કોંગ્રેસે ઉઠાવ્યો હતો.

કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં ભાજપ સરકારની ગુનાહિત બેદરકારીનો ભાગ ગુજરાત અને ગુજરાતીઓ બન્યા છે. ગર્વમેન્ટ મેઈડ ડીઝાસ્ટર, સરકારી આંકડા મુજબ 10081 લોકોના મૃત્યુ થયા બીજી બાજુ વ્યવસ્થાનો અભાવ અને તંત્રની લાપરવાહીથી ગુજરાતમાં ૨.૮૧ લાખ જેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યા, જે તાજેતરના હાવર્ડના સંશોધનમાં સામે આવ્યું. આ સંસ્થાગત હત્યાઓ હોવાનું કોંગ્રેસે જાહેર કર્યું છે.

- text

ઉપરાંત પ્રથમ લહેર બાદ બીજી લહેરમાં ઓક્સિજન, ખાલી બેડ, રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાબજાર, દવાના કાળાબજાર, ૧૦૮ એમ્બ્યુલન્સ માટે લાંબી કતારો લાગી, ૪૮ થી ૭૨ કલાક સુધી એમ્બ્યુલન્સ માટે રાહ જોવી પડે, અને મોત પછી સ્મશાન – કબ્રસ્તાનમાં પણ લાઈનો, સરકારની ગુન્હાહિત બેદરકારી, અણઘડ વહીવટ, આયોજનનો અભાવના લીધે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને પરિવારના સ્વજનો ગુમાવવા પડ્યા હોવાનું કોંગ્રેસ અગ્રણીએ રોષ સાથે જણાવ્યું હતું.

વૈશ્વિક મહામારીમાં લોકોને રાહત આપીને મદદરુપ થવાને બદલે કોરાના મહામારીમાં માસ્ક, સેનેટાઈઝર, દવા, ઈન્જેક્શન સહિતમાં કાળાબજારીયા-સંગ્રહખોરો બેફામ બન્યા હોવા છતાં સરકાર પગલાં લેવામાં અસમર્થ રહી અને સરકારે આપેલા લાયસન્સ દ્વારા લેબોરેટરી ટેસ્ટીંગમાં મોટા પાયે કમાણી કરી લાલચુ લોકોએ નાણાં વસૂલાયા હોવાનું ઉમેરી રેમડેસીવીર અને ટોસીલીઝુમેબ ઈન્જેક્શનના લોકો પાસેથી બમણા ભાવ વસૂલાયા હોવાનો પણ આરોપ લગાવાયો હતો.

દરમિયાન કોરીના મહામારીના કપરા સમયમાં તમામ મોરચે નિષ્ફળ ભાજપ સરકાર ગુજરાતના લોકોની જિંદગી સાથે ધમણ-૧ના નામે ગંભીર ખેલ ખેલ્યો હોવાનો આરોપ લગાવી કોઈપણ જાતની ચકાસણી કર્યા સિવાય ધમણનો ગુજરાતના દર્દીઓની ઉપર અખતરો કરવા અંગે પણ સરકારનો જવાબ માંગવામાં આવ્યો હતો.

ચોંકાવનારી બાબત જાહેર કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે, ૨૨ જાન્યુઆરી, ૨૦૨૦ એ ગુજરાતના અધિક નિયામક (આરોગ્ય) બે પરિપત્ર કરીને જણાવ્યા છતાં સરકારે બીજી લહેરની આગોતરી તૈયારી માટે પીપીઈ કીટ, વેન્ટીલેટર, માસ્ક અને અન્ય સાધનો કેમ ન ખરીદ્યા? નામદાર હાઈકોર્ટ અવલોકન કરતા જણાવ્યું છે કે સ્વાસ્થ્ય શબ્દમાં નાગરિકની શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીનો સમાવેશ થાય છે. ભારતના બંધારણના આર્ટીકલ-૨૧ અન્વયે સ્વસ્થ રહેવું તે દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. સરકાર જે રીતે કામ કરે છે તેનાથી ગુજરાતના નાગરિકોની શારીરિક, માનસિક અને સામાજિક સ્થિતિને મોટું નુકસાન થયું છે.

વધુમાં પેન્ડેમીક એક્ટમાં બે જોગવાઈઓ છે, એક શિક્ષાત્મક જોગવાઈ અને બીજી કલ્યાણલક્ષી જોગવાઈ સરકાર દ્વારા શિક્ષાત્મક જોગવાઈ ભરપુર ઉપયોગ કરવામાં આવે, માસ્ક ના પહેર્યું હોય તો ૧૦૦૦ દંડ, અનેક એકમોને સીલ કરી દેવામાં આવે. અનેક લોકો સામે પોલીસ કેસ કરવામાં આવે અને અનેક જાતની શિક્ષાત્મક કાર્યવાહીઓ છેલ્લા દોઢ વર્ષથી કરવામાં આવી પરંતુ જે કલ્યાણલક્ષી જોગવાઈ છે. તેની સદંતર અનદેખી કરવામાં આવે આ તે કેવા પ્રકારનો ન્યાય? તેવો સવાલ પણ ઉઠાવ્યો છે.

અંતમાં કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રામાં બહાર આવેલા આંકડા મુજબ કોરોનામાં મોતને ભેટેલા તમામ મૃતકના પરિવારજનોને 4લાખનું વળતર, કોવીડ ગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ – હોસ્પિટલના ખર્ચની રકમ આપવી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ કરવા ઉપરાંત કોવિડથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના સંતાન – પરિવારજનો પૈકી સભ્યને કાયમી નોકરી આપવા માંગ દોહરાવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text